Chhota Udaipur

છોટા ઉદેપુર ભાજપમાં ભડકો, 100 કરોડના પ્રોજેક્ટના કામ ખાનગી સંસ્થાઓને ફાળવી દેવાતા પાર્ટીના નેતાઓમાં આક્રોશ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરમાં ₹100 કરોડના આદિવાસી વિકાસ ભંડોળમાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે. પ્રાયોજના વહીવટદાર કચેરીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણો રદ કરી, ₹80 કરોડના કામો NGO અને ખાનગી સંસ્થાઓને ફાળવી દેતાં રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિક ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર ભાજપમાં ભડકો, 100 કરોડના પ્રોજેક્ટના કામ ખાનગી સંસ્થાઓને ફાળવી દેવાતા પાર્ટીના નેતાઓમાં આક્રોશ

Chhotaudepur 100 Crore Development Fund Controversy: છોટા ઉદેપુર જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા આદિવાસી વિસ્તારના વિકાસ અર્થે મંજૂર કરાયેલા ₹100 કરોડથી વધુના કામોના આયોજનમાં ભારે ગેરરીતિ અને મનસ્વીતાના આરોપો સાથે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સ્થાનિક ચૂંટાયેલી પાંખ દ્વારા સૂચવવામાં આવેલા વિકાસ કામો પર લાલ લીટો ફેરવી દઈ 80% જેટલાં કામો ખાનગી સંસ્થાઓ તથા એજન્સીઓને પધરાવી દેવાનો કારસો સામે આવતાં જ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાલઘૂમ થઈ ગયા છે.

રૂ.80 કરોડના કામો એનજીઓ અને ખાનગી સંસ્થાઓને ફાળવી દીધા!

છોટા ઉદેપુર જિલ્લાના સાતેય આદિવાસી બહુલ તાલુકાઓ નસવાડી, બોડેલી, સંખેડા, પાવીજેતપુર, કદવાલ, છોટા ઉદેપુર અને કવાંટના સર્વાંગી વિકાસ માટે પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વાર્ષિક રૂ.100 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવે છે. નિયમ મુજબ, આ કામોનું આયોજન સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો અને જિલ્લા પંચાયત સદસ્યોની ભલામણો અને દરખાસ્તોના આધારે કરવાનું હોય છે. જેમાં કામોની ફાળવણીમાં 60 અને 40નો રેસિયો છે. પરંતુ પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની તમામ ભલામણો રદ કરીને અંદાજે 80 કરોડ રૂપિયાના કામો એનજીઓ અને ખાનગી સંસ્થાઓને ફાળવી દીધા હોવાનો પર્દાફાશ થયો છે.

પ્રાયોજના વહીવટદારની કચેરીએ વિરોધ

જ્યારે આયોજનની અધિકૃત બુકલેટ બહાર આવતા ચૂંટાયેલી પાંખના હાથમાં પહોંચતા તેમના સૂચવેલા કામો ગાયબ જોઈને નેતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને અધિકારીઓના આ મનસ્વી વલણ સામે સાતેય તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોએ એકજૂથ થઈને પ્રાયોજના વહીવટદારની કચેરીએ પહોંચી આક્રમક અને ઉગ્ર રજૂઆત કરી હતી. જેને લઇને જિલ્લામાં લોકશાહી નહીં પણ અધિકારી રાજ ચાલી રહ્યું તેવું પ્રતિત થયું છે.

ભાજપના જ સ્થાનિક નેતાઓમાં તીવ્ર અસંતોષ

પ્રજાના પ્રતિનિધિઓએ આપેલા કામો કાપીને સંસ્થાઓને લાભ પહોંચાડવાની આ ચાલ સાંખી લેવામાં નહીં આવતા અધિકારીઓની આ ચાલાકી સામે ભાજપના જ સ્થાનિક નેતાઓમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો છે.

આ મામલે હવે આરપારની લડાઈના મૂડમાં આવેલા નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, આગામી દિવસોમાં જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે પહોંચી જિલ્લા પ્રભારી મંત્રીને સત્તાવાર રજૂઆત કરશે. હાલ તો ₹100 કરોડના વિકાસ કામોની ફાળવણીમાં થયેલા આ વિવાદને કારણે છોટા ઉદેપુર જિલ્લા ભાજપના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે અને આ મામલે ઉચ્ચ સ્તરેથી કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડરાયેલી છે.