ITR ભરતી વખતે વિદેશી સંપત્તિ અને આવકની જાણકારી આપવી કેમ જરૂરી? સમજો નિયમ અને દંડ વિશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Income Tax Return: આકારણી વર્ષ (Assessment Year) 2026-27 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તમામ પ્રકારના કરદાતાઓ તેમની પાછલા નાણાકીય વર્ષની આવક માટે ITR ફાઈલ કરી શકે છે.
આવકવેરા વિભાગ સતત એ વાત પર ભાર મૂકે છે કે કરદાતાઓએ તેમના ITRમાં પોતાની તમામ પ્રકારની આવકની વિગતો અચૂક આપવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે, તો કરદાતાઓ પર મોટો દંડ થઈ શકે છે. ત્યારે આજે આપણે વિદેશમાં આવેલી સંપત્તિને લઈને ઈન્કમ ટેક્સ એક્ટ શું કહે છે અને તેની માહિતી ન આપવા બદલ દંડની શું જોગવાઈ છે, તેની સંપૂર્ણ વિગતો જાણીશું.
ITR માટે કયું ફોર્મ ભરવું પડે?
વિદેશમાં આવક મેળવતા અથવા સંપત્તિ ધરાવતા રેસિડેન્ટ કે ઓર્ડિનરી રેસિડેન્ટ (ROR)એ પોતાનું રિટર્ન ફાઈલ કરવા માટે ITR-2 ફોર્મનો ઉપયોગ કરવો પડશે.
જોકે, તેમની પાસે કોઈ બિઝનેસ કે પ્રોફેશન દ્વારા આવક ન હોવી જોઈએ. આવા કરદાતાઓએ 'શેડ્યૂલ એફએ'દ્વારા પોતાની વિદેશી સંપત્તિની વિગતો આપવાની રહેશે. બીજી તરફ જે લોકો વિદેશમાં સંપત્તિ ધરાવે છે અને તેમને બિઝનેસ કે પ્રોફેશનથી પણ આવક થાય છે, તેમણે ITR-3 ફોર્મ દ્વારા પોતાનું રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.
બ્લેક મની (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને ટેક્સને લગતા કાયદા (BMA) જેવા ટેક્સ ચોરી રોકતા કડક કાયદાઓને કારણે વિદેશી સંપત્તિની માહિતી આપવી જરૂરી છે. કરદાતાઓએ પોતાનું રિટર્ન સબમિટ કરતા પહેલાં પોતાના નાણાકીય રેકોર્ડ્સને મેચ કરી લેવા જોઈએ. સાવચેતીપૂર્વક વિગતો ભરવાથી નોટિસ, દંડ અને લાંબી તપાસની પ્રક્રિયાથી બચી શકાય છે.
ડબલ ટેક્સેશનથી બચવા માટે FTCનો દાવો કરવો
વિદેશમાં સંપત્તિ ધરાવતા કરદાતાઓએ ડબલ ટેક્સેશનથી બચવા માટે ફોરેન ટેક્સ ક્રેડિટ (FTC)નો દાવો કરવો જોઈએ. જોકે, આવા મામલામાં મળનારી રાહત અને તેનું પ્રમાણ ભારતે જે-તે દેશ સાથે કરેલી ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA)ની શરતો પર અથવા જ્યાં DTAA નથી ત્યાં એકતરફી રાહત સાથે સબંધિત નિયમો પર આધાર રાખે છે.
વિદેશી આવકને ITR-2 ના સંબંધિત શિડ્યૂલમાં દર્શાવવી જોઈએ અને યોગ્ય ફોરેન ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે ચૂકવવામાં આવેલા વિદેશી ટેક્સની માહિતી શિડ્યૂલ ટીઆર (ટેક્સ રિલીફ)માં આપવી પડશે.
વિદેશી સંપત્તિને લઈને કાયદો શું કહે છે?
આવકવેરાના નિયમો પ્રમાણે ભારતમાં રહેતા લોકો માટે તેમના ITRમાં વિદેશી આવક અને વિદેશી સંપત્તિની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત છે. આમાં વિદેશી બેન્ક ખાતા, શેર, વિદેશી રિટાયરમેન્ટ એકાઉન્ટ અને એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન (ESOP) સામેલ છે.
જો કરદાતા આવી સંપત્તિની માહિતી આપવામાં કોઈ પણ ચૂક કરે છે તો ભલે તેના પર કોઈ ટેક્સ ન બનતો હોય, તો પણ 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ભારતમાં ITRમાં આપવામાં આવતી માહિતી સામાન્ય રીતે એપ્રિલથી માર્ચના સમયગાળા દરમિયાનની આવક સાથે જોડાયેલી હોય છે. પરંતુ વિદેશી સંપત્તિની વિગતો કેલેન્ડર વર્ષના હિસાબે આપવાની રહે છે. આનું કારણ એ છે કે મોટાભાગના અન્ય દેશો નાણાકીય વર્ષ તરીકે કેલેન્ડર વર્ષનું પાલન કરે છે.
આકારણી વર્ષ 2026-27ના ITRમાં જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધીની આવક અથવા સંપત્તિની વિગતો આપવાની રહેશે.









