Business

પાણીની અછતથી ભારતના સાર્વભોમ ક્રેડિટ બળ પર નકારાત્મક અસરનું જોખમ

By GS Team
26 Jun 20242 mins read
This article was originally published on 26 Jun 2024
પાણીની અછતથી ભારતના સાર્વભોમ ક્રેડિટ બળ પર નકારાત્મક અસરનું જોખમ

મુંબઈ : દેશમાં ઊભી થઈ રહેલી પાણીની અછતથી દેશના સાર્વભોમ ક્રેડિટ સ્ટ્રેન્થ (બળ) પર નકારાત્મક અસર પાડી શકે છે એમ મૂડી'સ રેટિંગના એક રિપોર્ટમાં જણાવાયું છે. વ્યાપક વપરાશ, ઝડપી આર્થિક વિકાસ તથા વારંવારની કુદરતી આફતોને પરિણામે પાણીની અછત ગંભીર બનતી જાય છે. પાણી પૂરવઠામાં ઘટાડાથી કૃષિ તથા ઔદ્યોગિક કામકાજ પર અસર થઈ શકે છે. 

ઉનાળાના સમયમાં જ્યારે ખેતીમાં, રહેઠાણોમાં તથા ઉદ્યોગોમાં પાણીનો વપરાશ વધે છે ત્યેારે દેશના લાખો લોકોએ પૂરવઠા ખેંચનો સામનો કરવો પડે છે પરંતુ વર્તમાન વર્ષમાં લાંબા ગાળાના હીટવેવને પરિણામે દિલ્હી તથા બેંગ્લુરુ જેવા શહેરોમાં પાણીની તંગી જોવા મળી છે.

આને કારણે ભારતના સાર્વભોમ ક્રેડિટ રેટિંગ સામે નકારાત્મક મત ઊભો થઈ શકે છે.પાણીની તંગી કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમો તથા સ્ટીલ ઉત્પાદન એકમો જ્યાં પાણીનો વપરાશ વધુ રહે છે તેવા ક્ષેત્રો સામે પણ જોખમ ઊભા થઈ શકે છે, એમ રેટિંગ એજન્સી દ્વારા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

જળ સંલાચનમાં ઈન્વેસ્ટમેન્ટથી પાણીની શકય અછતના જોખમને ટાળી શકાશે. ૨૦૨૧માં ભારતમાં પાણીની માથાદીઠ વાર્ષિક સરેરાશ ઉપલબ્ધતા ૧૪૮૬ કયુબિક મીટર્સ જેટલી નીચી હતી તે ૨૦૩૧ સુધીમાં વધુ ઘટી ૧૩૬૭ ક્યુબિક મીટર્સ પર આવી જવાની સંભાવના છે.૧૭૦૦ ક્યુબિક મીટર્સથી નીચેના સ્તરને પાણીની તાણ તરીકે ગણવામાં આવે છે,જ્યારે ૧૦૦૦ ક્યુબિક મીટર્સથી નીચેના સ્તરને પાણીની અછત કહેવાય છે. 

પાણી પૂરવઠામાં ઘટાડાથી કૃષિ તથા ઔદ્યોગિક કામકાજ પર અસર થઈ શકે છે,જેને કારણે ખાધાખોરાકીના ફુગાવામાં વધારો જોવા મળી શકે છે અને સંબંધિત ઉદ્યોગમાં આવર પર અસર પડવાની સંભાવના રહે છે, એમ મૂડી'સે વધુમાં જણાવ્યું હતું. 

આવી સ્થિતિમાં દેશના એકંદર વિકાસમાં વોલેટિલિટી સર્જાઈ શકે છે. પાણીની આવશ્યકતા માટે ભારત ચોમાસા પર વધુ આધાર રાખી રહ્યું છે ત્યારે કલાયમેટ ચેન્જની અસરો સ્થિતિને વધુ વણસાવી શકે છે, એમ પણ રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ઔદ્યોગિકરણ તથા શહેરીકરણને કારણે પાણી માટેની સ્પર્ધામાં વધારો જોવા મળશે.