ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું - 'ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી... '
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Robert Kiyosaki Warning : વર્ષ 2025માં ચાંદી રોકાણકારોને માલામાલ કરનાર ધાતુ સાબિત થઈ છે અને મોટાભાગના અનુમાનો મુજબ, 2026માં પણ તેની ગતિ તેજ રહી શકે છે. જોકે, આ તેજીની વચ્ચે પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ' (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીએ ચાંદીને લઈને એક મોટી ચેતવણી આપતા રોકાણકારોને મહત્વપૂર્ણ સલાહ આપી છે.

રોકાણકારોને કિયોસાકીની ચેતવણી અને સલાહ
રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને રોકાણ સંબંધિત સલાહ આપતા રહે છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર ચાંદીને લઈને એક પોસ્ટ કરી છે, જે એવા સમયે આવી છે જ્યારે સોમવારે ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો.
કિયોસાકીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "શું ચાંદીનો પરપોટો ફૂટવાનો છે? મને ચાંદી ખૂબ જ પસંદ છે, મેં મારી પ્રથમ ચાંદી 1965માં ખરીદી હતી, પરંતુ શું સાચે જ ચાંદીનો પરપોટો ફૂટવાનો છે? FOMO (ફિયર ઓફ મિસિંગ આઉટ) એટલે કે તક ગુમાવી દેવાના ડરનો ઉન્માદ કહેર વરસાવવાનો છે."
ચાંદીના ખરીદદારોને સલાહ આપતાં તેમણે આગળ લખ્યું, "જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ધીરજ રાખો. ભવિષ્યમાં તક ગુમાવી દેવાના ડરથી પ્રેરાઈને ખરીદી ન કરો. પહેલા કિંમતમાં ઘટાડો થવાની રાહ જુઓ, પછી રોકાણ કરો. મારા પિતાની શીખ યાદ રાખો કે 'નફો ખરીદતી વખતે થાય છે, વેચતી વખતે નહીં.' સમજદાર રોકાણકારો માટે ધીરજ સૌથી જરૂરી છે."
ચાંદી માટે ₹6 લાખનું લક્ષ્ય
કિયોસાકીએ ચાંદી માટે નવો ટાર્ગેટ આપતા કહ્યું, "મારું માનવું છે કે ચાંદી 2026માં 100 ડોલરથી ઉપર જશે, કદાચ 200 ડોલર પ્રતિ ઔંસ (એટલે કે લગભગ 6 લાખ રૂપિયા પ્રતિ કિલો) સુધી પણ પહોંચશે."
બજારમાં તાજેતરની ઉથલપાથલ
સોમવારે ચાંદીના ભાવમાં છેલ્લા 5 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પોતાના ઉચ્ચ સ્તરથી એક ઝાટકે 21,511 રૂપિયા પ્રતિ કિલો તૂટી ગઈ હતી. જોકે, મંગળવારે તેમાં ફરીથી જોરદાર ઉછાળો આવ્યો અને 5% થી વધુની તેજી સાથે સોમવારના ઘટાડાની ભરપાઈ કરી દીધી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાજર ચાંદી 3.7%ની તેજી સાથે 74.85 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી.
કિયોસાકીની વાતમાં કેટલો દમ?
રોબર્ટ કિયોસાકીના નવા ટાર્ગેટ અને સલાહને સરળ શબ્દોમાં સમજીએ તો, તે સ્પષ્ટ કરે છે કે ચાંદીનું લાંબા ગાળાનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ ટૂંકા ગાળાના રોકાણકારો માટે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. અસાધારણ લાભ પછી બજારમાં ઘટાડો સ્વાભાવિક છે. જોકે, ચાંદી 200 ડોલરના મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચશે કે કેમ, તે વૈશ્વિક વિકાસ અને ઔદ્યોગિક માંગ જેવા ઘણા પરિબળો પર નિર્ભર રહેશે.









