Business

જુલાઇમાં વાહનોના વેચાણમાં ૨૫ ટકા વધારો

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં જુલાઈમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 25.89% નો વધારો જોવા મળ્યો. કુલ 25,91,138 વાહનો વેચાયા, જેમાંથી ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને પેસેન્જર વાહનોનો સમાવેશ થાય છે. FADA દ્વારા જણાવ્યા અનુસાર, GST ઘટાડા પછી સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 3,27,901 સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. 74% ડીલરો ઓગસ્ટમાં પણ વેચાણ વૃદ્ધિ અંગે આશાવાદી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુલાઇમાં વાહનોના વેચાણમાં ૨૫ ટકા વધારો

વીજ વાહનોનો વેચાણ આંક નવી ઊંચી સપાટીએ પહોચ્યો
વર્તમાન મહિનામાં રિટેલ વેચાણ વૃદ્ધિ બાબતે ૭૪ ટકા ડીલરો આશાવાદી
મુંબઈ : જુલાઈમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૫.૮૯ ટકા વધારો થઈને ૨૫,૯૧,૧૩૮ વાહનો રહ્યું છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડો કર્યા બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) દ્વારા જણાવાયું હતું. વર્તમાન મહિનામાં વેચાણ વૃદ્ધિ બાબતે ડીલરો આશાવાદ ધરાવી રહ્યા છે.
ગયા વર્ષના જુલાઈમાં વાહનોનો રિટેલ વેચાણ આંક ૨૦,૫૮,૩૨૫ એકમ રહ્યો હતો. વર્તમાન વર્ષના જુલાઈમાં ઊતારૂ વાહનોના વેચાણમાં ૧૯.૧૩ ટકા વધારો થઈને ૪,૧૬,૫૫૫ એકમ રહ્યો છે. ટુ વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે ૨૮.૨૫ ટકા વધી ૧૮,૧૮,૨૮૯ રહ્યું છે જ્યારે થ્રી વ્હીલર્સનું વેચાણ ૧૬.૧૬ ટકા વધી ૧,૩૩,૭૭૮ રહ્યું હોવાનું ફાડાની એક યાદીમાં જણાવાયું હતું.
આ વર્ષે એવું પહેલી વખત જોવા મળ્યું છે કે કોઈ વર્ષના જુલાઈમાં દરેક પ્રકારના વાહનોનું વેચાણ શ્રેષ્ઠ રહ્યું હોય એમ ફાડાના પ્રમુખ સાઈ ગીરધરે જણાવ્યું હતું.
ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ, કમર્સિઅલ વ્હીકલ્સ, ઊતારૂ વાહનો, ટ્રેકટર્સ સહિતના વાહનોનું રિટેલ વેચાણ જોરદાર રહ્યું છે.
જીએસટીમાં ઘટાડાને કારણે વાહનોની નીચી કિંમત, આસાન રિટેલ ફાઈનાન્સ જેવા પરિબળોને કારણે વાહનોની વેચાણ વૃદ્ધિ જળવાઈ રહી છે.
ઊતારૂ વાહન બજારમાં વૈકલ્પિક ઈંધણ સાથેના વાહનો અને પેટ્રોલ વાહનો વચ્ચેનું અંતર હવે સાવજ ઘટી ગયું છે. ઊતારૂ વાહનોમાં સીએનજીનો હિસ્સો ૨૪.૬૭ ટકા, હાઈબ્રિડનો ૮.૦૨ ટકા તથા વીજનો ૭.૯૦ ટકા સાથે એકંદર હિસ્સો ૪૦.૫૯ ટકા પર આવી ગયો છે જ્યારે પેટ્રોલ સાથેના ઊતારૂ વાહનોનો હિસ્સો ૪૧.૬૮ ટકા છે. એક વર્ષ પહેલા આ અંતર ૧૩.૨૧ ટકા હતું.
ટુ વ્હીલર્સમાં વીજ સંચાલિત વાહનોનો હિસ્સો જે એક વર્ષ અગાઉ ૭.૬૫ ટકા હતો તે વધી ૧૧.૨૪ ટકાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વીજ વાહનોનું એકંદર રિટેલ વેચાણ ગત મહિને ૩,૨૭,૯૦૧ સાથે ઓલ ટાઈમ હાઈ રહ્યું છે. ઓગસ્ટમાં વાહનોના રિટેલ વેચાણ બાબતે ડીલરો આશાવાદી છે. ૭૪ ટકાથી વધુ ડીલરો વેચાણમાં વૃદ્ધિ થવાની આશા ધરાવે છે. માત્ર ૨.૮૦ ટકા ઘટાડો થવાનો મત ધરાવે છે.