Get The App

ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક

- જીએસટીમાં ઘટાડા, નીચા વ્યાજ દર તથા સારા ચોમાસાથી ખરીદીમાં વધારો

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક 1 - image

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશમાં વાહનોનો એકંદર વેચાણ આંક ૨.૯૫ કરોડ જેટલો પહોંચી ગયાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષના ૩૦મી માર્ચ સુધીમાં ૨.૯૪ કરોડ વાહનોના નવા રજિસ્ટ્રેશન થયા હોવાનું વાહન પોર્ટલ પર અપાયેલી માહિતી પરથી જણાય છે.

વાહન પોર્ટલના ડેટા પ્રમાણે નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં વીજ વાહનોનો વેચાણ આંક પહેલી જ વખત ૨૫ લાખને પાર કરી ગયો છે જે ગત નાણાં વર્ષની સરખામણીએ ૨૨ ટકા વધુ છે. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા, આવક વેરામાં રાહત તથા નીચા વ્યાજ દરો ઉપરાંત સારા ચોમાસાને કારણે વાહનોનો વેચાણ આંક રહ્યો હોવાનું ઓટો ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.સમાપ્ત થયેલા નાણાં વર્ષના એકંદર વોલ્યુમમાંથી ૨૫ ટકા વેચાણ દશેરા-દિવાળીના તહેવારમાં જ જોવા મળ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં વેચાણ વોલ્યુમ ૨.૬૧ કરોડ વાહન રહ્યું હતું. 

શ્રેણી પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધુ વેચાણ ૨.૧૧ કરોડ સાથે ટુ વ્હીલર્સનું રહ્યું છે જ્યારે ફોર વ્હીલર્સનો વેચાણ આંક ૪૬ લાખ રહ્યો છે. 

થ્રી વ્હીલર્સનો વેચાણ આંક ૧૩.૫૦ લાખ રહ્યો હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સારી માગને પરિણામે વાહનોના એકંદર વેચાણમાં વધારો થયો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. 

નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં વીજ સંચાલિત વાહનોનું વેચાણ ૨૦ લાખ રહ્યું હતું તે નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં વધી ૨૫ લાખ પર પહોંચી ગયું છે. 

દેશમાં વીજ વાહનોના વેચાણને વધારવા સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનોને કારણે વીજ વાહનોની ખરીદીમાં આકર્ષણ વધ્યું છે.