US પરિણામોથી 3 દેશોના સ્ટોક માર્કેટમાં ભૂકંપ, ભારતમાં હરિયાળી, રોકાણકારોની મૂડીમાં તોતિંગ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Global Stock Market : અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વૈશ્વિક શેરબજારોમાં એક અનોખો ખેલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ભૂતકાળમાં એવું બનતું હતું કે, ઈરાનની કોઈ ચિંતા ઊભી થાય કે પછી અમેરિકામાં નાની એવી રાજકીય હલચલ થાય, તો ભારતીય શેરબજારમાં સીધો કડાકો બોલી જતો હતો અને રોકાણકારોના લાખો-કરોડો રૂપિયા ડૂબી જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. અમેરિકી સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીને મળેલી બહુમતીના કારણે 4 નવેમ્બરના રોજ એશિયાના મોટા બજારોમાં ભારે અફરાતફરી મચી ગઈ. એક તરફ જાપાન અને સાઉથ કોરિયાના શેરબજારો 4% સુધી તૂટી પડ્યા, જ્યારે આ વૈશ્વિક ઘટાડાથી તદ્દન વિપરીત ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો.
ભારતીય શેરબજાર સતત 5મા દિવસે લીલા નિશાનમાં બંધ
ઈરાનનું સંકટ હજુ પણ યથાવત છે અને અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલી ઊભી કરનારા સાબિત થઈ રહ્યા છે. તેમ છતાં ભારતીય શેરબજારે આ વૈશ્વિક દબાણને નકારીને શાનદાર ઉજવણી કરી છે. સતત 5મા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ રહ્યું છે. IT સેક્ટરને બાદ કરતાં માર્કેટમાં ચારેય તરફ તેજીની હરિયાળી છવાયેલી રહી. જે વિદેશી રોકાણકારો (FIIs) અગાઉ ભારતીય બજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા હતા, તેઓ હવે ફરી જોરદાર રોકાણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ જોતાં લાગે છે કે સમગ્ર બજારનો મૂડ ભારત તરફી બદલાઈ ચૂક્યો છે.
ભારતીય શેરબજારમાં પાંચમા દિવસે જોરદાર તેજી
બુધવારે ભારતીય બજારમાં જબરદસ્ત મોમેન્ટમ જોવા મળ્યું હતું. દિવસની શરૂઆત નફાવસૂલી (પ્રોફિટ બુકિંગ) સાથે થઈ ત્યારે લાગતું હતું કે માર્કેટ થોડું નીચે જશે, પરંતુ ત્યારબાદ તરત જ બજારે જોરદાર રિકવરી દર્શાવી હતી. નિફ્ટી 23,900 ની સપાટી પાર કરી ગયો અને બેંક નિફ્ટી પણ ઘણા દિવસોનો રેકોર્ડ તોડીને આગળ નીકળી ગયો. મિડકેપ, સ્મોલકેપ કે પછી માઇક્રોકેપ—દરેક સેક્ટરમાં લીલો રંગ છવાયેલો રહ્યો.
દિવસના અંતે BSE સેન્સેક્સ 383.55 પોઇન્ટ (0.50%) વધીને 77,301.40 ના સ્તરે બંધ રહ્યો હતો. આ જ રીતે NSE નિફ્ટી પણ 149.75 પોઇન્ટ (0.63%) ના ઉછાળા સાથે 23,960.60 પર બંધ આવ્યો હતો. આ તેજી સાથે જ ભારતીય બજાર ફરી પોતાના બે મહિના જૂના સ્તરે પહોંચી ગયું છે.
રોકાણકારોની મૂડીમાં રૂ. 5.83 લાખ કરોડનો તોતિંગ વધારો
આ તેજીથી રોકાણકારોના ખિસ્સા છલકાઈ ગયા છે. આજના કારોબારના એક દિવસ પહેલાં એટલે કે 3 નવેમ્બર 2026ના રોજ BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ₹4,87,65,636.39 કરોડ હતું. બુધવારે 4 નવેમ્બર 2026ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે આ આંકડો વધીને ₹4,93,49,306.59 કરોડ પર પહોંચી ગયો હતો. આમ, માત્ર એક જ દિવસના ટ્રેડિંગ સેશનમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹5,83,670.2 કરોડ (લગભગ ₹5.83 લાખ કરોડ)નો જંગી વધારો નોંધાયો છે.
ભારતીય બજારમાં તેજી પાછળના મુખ્ય કારણો
ભારતીય બજારમાં જોવા મળેલી આ એકતરફી તેજી પાછળ ઘણા મહત્વપૂર્ણ આર્થિક અને નીતિવિષયક પરિબળો જવાબદાર છે:
- ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો: અમેરિકામાં ટ્રમ્પની હારની સંભાવનાઓને પગલે તેલ બજાર નરમ પડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ઘટીને પ્રતિ બેરલ $103 ની નજીક આવી ગયું છે, જે થોડા દિવસો પહેલાં વધીને $116 સુધી પહોંચી ગયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે હાર બાદ ટ્રમ્પના તેવરમાં નરમાઈ આવી શકે છે અને તેઓ ઈરાન સાથે સંભવિત ડીલ અંગે પણ વાતચીત કરી શકે છે.
- સોના-ચાંદીમાં ચમક અને ગોલ્ડ ફાઇનાન્સ શેરોમાં તેજી: ડૉલર ઇન્ડેક્સ નબળો પડતાં સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. યુએસ ચૂંટણીના પરિણામોની અસર અહીં પણ દેખાઈ, જેમાં ચાંદી 3% અને સોનાના ભાવ 2% વધ્યા. આ ઉછાળાને કારણે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓને મોટો ફાયદો થયો, જેમાં મુથૂટ ફાઇનાન્સનો શેર 7% જેટલો ઉછળ્યો હતો.
- હેવીવેઇટ શેરો અને FMCG નો ટેકો: રિયલ્ટી અને ડિફેન્સ સેક્ટરમાં ભારે ખરીદી જોવા મળી હતી. Reliance Industries અને HDFC Bank જેવા દિગ્ગજ શેરોની સાથે FMCG કંપનીઓએ નિફ્ટીને મજબૂત આધાર આપ્યો હતો. સાથે જ, મજબૂત ત્રિમાસિક પરિણામો બાદ ફ્રેક્ટલ એનાલિટિક્સ (Fractal Analytics) ના શેરમાં 13% નો જોરદાર ઉછાળો આવ્યો હતો.
- કેબિનેટના મોટા નિર્ણયો: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગ્રીડ સ્કેલ એનર્જી સ્ટોરેજ માટે નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રિટિકલ મિનરલ કેપેક્સ માટે પણ કરોડો રૂપિયાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ પોઝિટિવ સરકારી જાહેરાતોના પગલે GMDCનો શેર 10% સુધી ઊછળી ગયો હતો.
જાપાન અને સાઉથ કોરિયાના બજારોમાં ભારે કડાકો
એક તરફ ભારત ચમક્યું, તો બીજી તરફ એશિયન માર્કેટમાં વેચવાલીનું સૌથી મોટું વાવાઝોડું જાપાનમાં જોવા મળ્યું હતું. જાપાનનો પ્રમુખ ઈન્ડેક્સ Nikkei 225 આશરે 4.5% જેટલો ગગડી ગયો હતો, જ્યારે Topix ઈન્ડેક્સમાં 2%નો ઘટાડો નોંધાયો હતો.
દક્ષિણ કોરિયાનો Kospi ઈન્ડેક્સ પણ શરૂઆતની લીડ જાળવી શક્યો ન હતો અને કારોબાર દરમિયાન 4% જેટલો નીચે પટકાયો હતો. આ સિવાય તાઈવાનના શેરબજારમાં આશરે 3% નો ઘટાડો જોવા મળ્યો હતો અને MSCI એશિયા પેસિફિક ઈન્ડેક્સ પણ 2.3% જેટલો તૂટી ગયો હતો. જોકે, ચીનના CSI 300 અને હોંગકોંગના હેંગ સેંગ ઈન્ડેક્સમાં સામાન્ય નબળાઈ જોવા મળી હતી.
સેમિકન્ડક્ટર અને ટેક કંપનીઓમાં ગાબડું
એશિયન માર્કેટમાં આવેલા આ ઘટાડાનું મુખ્ય નિશાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ચિપ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી કંપનીઓ બની હતી.
- જાપાન: કિયોક્સિયા હોલ્ડિંગ્સ (Kioxia Holdings)ના શેર 11% થી વધુ તૂટ્યા હતા. એડવાન્ટેસ્ટ (Advantest) માં આશરે 8% અને ટોક્યો ઇલેક્ટ્રોન (Tokyo Electron) માં લગભગ 6% નો ઘટાડો નોંધાયો હતો.
- દક્ષિણ કોરિયા: વૈશ્વિક મેમરી ચિપ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સપ્લાય ચેઈનની બે મોટી દિગ્ગજ કંપનીઓ પૈકી સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના શેર 2% અને એસકે હાઈનિક્સ (SK Hynix) ના શેર 3% થી વધુ ગગડ્યા હતા.
- હોંગકોંગ: હેંગ સેંગ ટેક ઈન્ડેક્સ 1% નબળો પડ્યો હતો, જેમાં અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ અને શાઓમી કોર્પોરેશનના શેર 2-2% થી વધુ તૂટ્યા હતા.
અમેરિકી ચૂંટણીના પરિણામોથી વિદેશી રોકાણકારો કેમ ગભરાયા?
આ વૈશ્વિક ઉથલપાથલ પાછળનું મુખ્ય કારણ અમેરિકી સંસદના બંને ગૃહો (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ)માં ડેમોક્રેટિક પાર્ટીને મળેલી બહુમતી છે. રોકાણકારોને ડર છે કે ડેમોક્રેટ્સનું નિયંત્રણ વધવાથી મોટી ટેક અને AI કંપનીઓ પર સરકારી નિયંત્રણો અને નિયમનો વધુ કડક બનશે. એશિયાની મોટાભાગની ટેક કંપનીઓનો વ્યાપાર સીધો જ અમેરિકન AI ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલો છે. આ ઉપરાંત, હવે બજારમાં એવો ગંભીર પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીઓમાં જે અબજો ડોલરનું જંગી રોકાણ થઈ રહ્યું છે, શું ભવિષ્યમાં તેનાથી ધાર્યા મુજબનો નફો મળી શકશે કે નહીં. આ આશંકાઓને કારણે એશિયન ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.



