Business

અમેરિકન બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી, એશિયાઈ બજારોમાં પણ એક ટકાથી વધુ ઘટાડો

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકન શેરબજાર ખુલતાની સાથે જ મોટા ઘટાડાનો ભોગ બન્યું છે. આનાથી વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે, જેથી મંગળવારે ભારતીય બજાર પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે. AI ના અનિયંત્રિત વિકાસની ચિંતા, મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઊંચા રખાવાની આશંકા જેવા 3 મુખ્ય કારણોસર વૈશ્વિક બજારોમાં કડાકો બોલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી, એશિયાઈ બજારોમાં પણ એક ટકાથી વધુ ઘટાડો

US Stock Market Crash : અમેરિકન શેરબજાર ખુલતાની સાથે જ મોટા ઘટાડાનો સામનો કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. આ અગાઉ એશિયાઈ બજારો જેવા કે જાપાનના નિક્કેઈ અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સોમવારે ગણેશ ચતુર્થીના કારણે ભારતીય બજારો બંધ રહ્યા હતા, પરંતુ વૈશ્વિક બજારોના આ મોટા કડાકાની સીધી અસર મંગળવારે બજાર ખુલતાં જ ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે. ખાસ કરીને અમેરિકાના ટેક ઈન્ડેક્સ નાસ્ડેક 100 માં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારોમાં મોટા કડાકા પાછળના 3 મુખ્ય કારણો

વૈશ્વિક સ્તરે બજારો તૂટવા પાછળ મુખ્ય ત્રણ પરિબળો જવાબદાર રહ્યા છે.

1… આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના અનિયંત્રિત વિકાસને ધીમો કરવા માટે ટેક જગતના અગ્રણીઓ દ્વારા કરાયેલી અપીલ બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પરિણામે સેમસંગ, એનવિડિયા અને સોફ્ટબેન્ક જેવી સેમિકન્ડક્ટર કંપનીઓના શેરમાં 4 ટકાથી 10 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.

2… મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સાઉદી અરેબિયાની તેલ પાઈપલાઈન પર હુમલાના અહેવાલો વચ્ચે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 107 ડૉલરને વટાવી ગયું છે.

3… મોંઘવારી વધવાના જોખમ વચ્ચે આ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો ઊંચા રાખવામાં આવે તેવી આશંકાથી વૈશ્વિક રોકાણકારોમાં ચિંતા વધી છે.

ભારતીય શેરબજાર પર શું અસર પડી શકે?

ભારતીય બજાર છેલ્લા 5 અઠવાડિયાથી દબાણ હેઠળ છે, જ્યાં નિફ્ટી 23,400 અને સેન્સેક્સ 74,780ની આસપાસ સરકી ગયા છે. અમેરિકા અને એશિયાના ટેક શેરોમાં વેચવાલીની સીધી અસર મંગળવારે ભારતની અગ્રણી આઈટી કંપનીઓ પર જોવા મળી શકે છે.

રોકાણકારોએ કઈ બાબતો પર સાવચેત રહેવું?

ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ક્રૂડ તેલ પ્રતિ બેરલ 107 ડૉલર પહોંચવાથી દેશમાં મોંઘવારી અને ચાલુ ખાતાની ખાધ વધવાનું જોખમ રહે છે, જેની નકારાત્મક અસર ઓટોમોબાઈલ, પેઈન્ટ્સ અને કન્ઝ્યુમર શેરો પર પડી શકે છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચીને ડૉલર કે સોના જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળી શકે છે, જેથી સ્થાનિક રોકાણકારો માટે સતર્ક રહેવું જરૂરી બનશે.