Business

અમેરિકાની GPU પર પ્રતિબંધની દરખાસ્તથી ભારતમાં AI ક્ષેત્રની વૃધ્ધિ ધીમી પડવાની વકી

By GS Team
19 Jan 20252 mins read
This article was originally published on 19 Jan 2025
અમેરિકાની GPU પર પ્રતિબંધની દરખાસ્તથી ભારતમાં AI ક્ષેત્રની વૃધ્ધિ ધીમી પડવાની વકી

નવી દિલ્હી : ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU) ની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની બિડેન વહીવટીતંત્રની દરખાસ્ત ભારતના AI પ્રોગ્રામને અસર કરી શકે છે. ભારત ૨૦૨૭ થી તેના AI પ્રોગ્રામનો વ્યાપ વધારવાની તૈયારી કરી રહ્યું છે. GPU કમ્પ્યુટરમાં ગ્રાફિક્સ, ઈફેક્ટ્સ, વિડિયો વગેરે જેવા કાર્યોને હેન્ડલ કરવામાં મદદ કરે છે અને AI ને પાવર કરવામાં મદદ કરે છે.

નિયમો હેઠળ, એવું કહેવામાં આવ્યું છે કે ૧૮ દેશોને ચિપની અવિરત એક્સેસ આપવામાં આવશે, જેમાં બ્રિટન, કેનેડા, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા જેવા અમેરિકાના નજીકના સહયોગી સામેલ છે. આ દેશોની વેરિફાઈડ કંપનીઓ પર કોઈ નિયંત્રણો નહીં હોય. બીજી તરફ ચીન અને રશિયા જેવા દેશોને પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

ભારતને ત્રીજી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે જેમાં ઇઝરાયેલ અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોને વાર્ષિક ૧,૭૦૦ GPU જ આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે.

કંપનીઓએ યુએસ સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડશે, જે અંતર્ગત વાર્ષિક ધોરણે ચિપની આયાત પર મર્યાદા લાદવામાં આવશે. આ મર્યાદા ૨૦૨૫માં ૧,૦૦,૦૦૦ ચિપ્સ હશે, જે ૨૦૨૬માં વધીને ૨,૭૦,૦૦૦ ચિપ્સ અને ૨૦૨૭માં ૩,૨૦,૦૦૦ ચિપ્સ થશે. 

નિયમો હેઠળ, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી અમેરિકન કંપનીઓને GPU નો ઉપયોગ કરવાના વૈશ્વિક અધિકારો મળશે. ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે, ટૂંકા ગાળામાં અસર ઓછી દેખાઈ શકે છે, પરંતુ ૨૦૨૭ પછી જ્યારે ભારત તેના AI પ્રોગ્રામનું વિસ્તરણ કરશે ત્યારે તેની પ્રતિકૂળ અસર થશે. 

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયનું કહેવું છે કે પ્રસ્તાવિત આદેશની અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળ્યા બાદ શું નિર્ણય લે છે.