ટેરિફ વોર વચ્ચે ચીને અમેરિકાને વધુ એક ઝટકો આપ્યો, હવે શું કરશે ટ્રમ્પ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-China Soybean Import-Export : આંતરરાષ્ટ્રીય વેપારને લઈને સતત દબાણ બનાવી રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચીને વધુ એક મોટો આર્થિક આંચકો આપ્યો છે. ચીને સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા પાસેથી એકપણ ટન સોયાબીનની ખરીદી કરી નથી, જે છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર બન્યું છે. નવેમ્બર 2018 પછી આ પ્રથમ વખત છે જ્યારે ‘યુએસ શિપમેન્ટ’ શૂન્ય નોંધાયું છે.
ચીને સપ્ટેમ્બરમાં અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી જ ન કરી
ચીન દ્વારા જાહેર કરાયેલા કસ્ટમ ડેટા મુજબ, ગયા મહિને ચીને અમેરિકા પાસેથી સોયાબીનની તદ્દન ખરીદી કરી નથી. જ્યારે એક વર્ષ અગાઉ સપ્ટેમ્બરમાં 1.7 મિલિયન મેટ્રિક ટન આયાત કરી હતી. રિપોર્ટ મુજબ, ચીન ટ્રમ્પના ટેરિફથી નારાજ છે, જેના કારણે તેણે સોયાબીન ખરીદી બંધ કરી દીધી છે.
ચીને બ્રાઝિલ-આર્જેન્ટીનામાં સોયાબીની ખરીદી વધારી
ચીનમાં સોયાબીનનો પુષ્કળ ઉપયોગ થાય છે, તેથી ચીન વિશ્વમાં સૌથી વધુ સોયાબીનની આયાત કરે છે. ડ્રેગને ટેરિફના કારણે અમેરિકા પાસેથી સોયાબીન ખરીદવાનું બંધ કરીને બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી ખરીદી શરૂ કરી દીધી છે.
વિશ્વમાં સૌથી વધુ સોયાબીનની આયાત કરવામાં ચીન મોખરે
સપ્ટેમ્બરમાં ચીને બ્રાઝિલમાંથી તેની આયાત 29.9 ટકા વધારીને 10.96 મિલિયન ટન કરી દીધી છે, જ્યારે આર્જેન્ટિનામાંથી 91.5% આયાત વધીને 1.17 મિલિયન ટન પર પહોંચી ગઈ છે. ટ્રેડ ડીલ ન થવાને કારણે અમેરિકન ખેડૂતોને અબજો ડૉલરનું નુકસાન થવાની સંભાવના છે. સપ્ટેમ્બરમાં વિશ્વમાં સૌથી વધુ ચીને સોયાબીનની 12.87 મિલિયન મેટ્રિક ટન આયાત કરી છે.
અમેરિકન ખેડૂતો મુશ્કેલીમાં, ટ્રમ્પ પર ચીન સાથે વાતચીત કરવા દબાણ
અમેરિકન ખેડૂતોને મોટાપાયે નુકસાન થતા હવે ટ્રમ્પ પર વાતચીત કરવાનું દબાણ વધી રહ્યું છે. સોયાબીનનો વેપાર ઠપ્પ થવાથી અમેરિકામાં ખેડૂતો મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે. બેઈજિંગ સ્થિત એક્સપર્ટ્સનું માનવું છે કે, જો જલ્દી કોઈ વેપાર સમજૂતી નહીં થાય તો આવતા વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે ચીનમાં સોયાબીનનો પૂરવઠો ઘટી શકે છે.
આ પણ વાંચો : લગ્ન કે ઘર માટે PFના પૈસા ઉપાડવા હોય તો એક વર્ષની રાહ જોવી પડશે, જાણો નવો નિયમ
ટ્રમ્પે અગાઉ ચીનને આપી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચીનને ચેતવણી આપી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મારફત ચીન પર આકરા પ્રહારો કર્યા હતા અને ચેતવણી આપતાં કહ્યું કે, મારૂ માનવું છે કે, ચીન જાણીજોઈને અમારૂ સોયાબીન ખરીદવા માગતું નથી. તે અમારા સોયાબીનના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. તેનું આ પગલું અમેરિકા પર આર્થિક હુમલા સમાન છે. આ પગલાં વિરુદ્ધ કાર્યવાહી કરતાં અમે ચીનની સાથે જોડાયેલો કુકિંગ ઓઇલ અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓને ખતમ કરવા વિચારી રહ્યા છીએ. અમે કુકિંગ ઓઇલનું ઉત્પાદન સરળતાથી કરી શકવા સક્ષમ છીએ, અમારે ચીન પાસેથી ખરીદવાની જરૂર નથી.
અમેરિકાના સોયાબીનનો સૌથી મોટો ખરીદદાર ચીન
અમેરિકાના સોયાબીનની સૌથી વધુ નિકાસ ચીનમાં થાય છે. ચીન અમેરિકા પાસેથી તેની કુલ સોયાબીન નિકાસના 1/4 ખરીદી કરે છે. ગતમહિને અમેરિકાએ ચીનની આયાત પર ટેરિફ લગાવતાં ચીને સોયાબીનની ખરીદી બંધ કરી દીધી હતી. જેનાથી અમેરિકાના ખેડૂતો સામે મોટું સંકટ આવ્યું હતું. અમેરિકન સોયાબીન એસોસિએશન બિઝનેસ ગ્રૂપના ચીફ કેલેબ રેગલેન્ડે તો ચીનના આ પગલાંને ઉદ્યોગ માટે એક મોટી ચેતવણી જાહેર કરી હતી. ચીને સોયાબીનની ખરીદી બંધ કરતાં અમેરિકાને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગતવર્ષે અમેરિકાએ 24.5 અબજ ડૉલરના સોયાબીનની નિકાસ કરી હતી. જેમાં ચીને 12.5 અબજ ડૉલરની ખરીદી કરી હતી. આ વર્ષે ચીનની ખરીદીનો આંકડો શૂન્ય છે.
યુએસ-ચીન ટ્રેડવોર શરુ
ગયા અઠવાડિયે ટ્રમ્પે ચીન દ્વારા દુર્લભ ખનિજો પર કડક પ્રતિબંધોના જવાબમાં ચીનની આયાત પર 100% ટેરિફની જાહેરાત કરી હતી. આ ટેરિફ 1 નવેમ્બર, 2025થી લાગુ કરવામાં આવશે. જેનો ચીને આક્રમક જવાબ આપવાનો મૂડ દર્શાવ્યો છે. ફરી એકવાર ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર શરુ થઈ છે. ચીને સોયાબીનની ખરીદી બંધ કરતાં પ્રમુખ ટ્રમ્પે ચીમકી આપી છે કે, બેઇજિંગ દ્વારા અમેરિકન સોયાબીન ખરીદવાનો ઇન્કાર કરવાના બદલામાં અમારું વહીવટીતંત્ર ચીન સાથે રસોઈ તેલ સંબંધિત વેપાર સમાપ્ત કરવાનું વિચારી રહ્યું છે. આ અહેવાલો દર્શાવે છે કે ચીનની રસોઈ તેલની નિકાસ 2024માં રૅકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી, જેમાં અમેરિકા કુલ નિકાસના 43% હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચો : દિવાળીની ખરીદી બાદ 17 હજાર રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા!









