Business

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવા માગતી સરકારની ઊંઘ ઊડાડતો સરવે

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
નાણા મંત્રાલયે સંસદમાં 'પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ (સુધારા) બિલ, 2027' રજૂ કર્યું છે. આ બિલ હેઠળ ₹2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાની શક્યતા છે. જોકે, આ ચાર્જ વેપારીઓ માટે હશે, ગ્રાહકો માટે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે આ મામલો વિચારણા હેઠળ છે. એક સર્વે મુજબ, જો MDR લાગુ થશે તો 53% યુઝર્સ UPIનો ઉપયોગ ઘટાડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવા માગતી સરકારની ઊંઘ ઊડાડતો સરવે
IMAGE - IANS

UPI MDR Charge 2027 Bill: નાણા મંત્રાલય દ્વારા સંસદમાં 'પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ (સુધારા) બિલ, 2027' રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને લઈને વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના હેઠળ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થઈ શકે છે. આ ચાર્જ ₹2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગુ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, આ ચાર્જ સામાન્ય ગ્રાહકો માટે નહીં પણ વેપારીઓ માટે હશે, જેથી શાકભાજી, ટેક્સી અથવા અન્ય કોઈ ખરીદી વખતે કે નાણાં ટ્રાન્સફર કરતી વખતે સામાન્ય યુઝર્સે વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે.

RBI ગવર્નરનું નિવેદન

આ મુદ્દે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, 'UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લગાવવા અંગે અત્યારે ઉતાવળમાં કંઈ કહેવું શક્ય નથી, કારણ કે આ બાબત હજુ વિચારણા હેઠળ છે. રિઝર્વ બૅંકનું ધ્યાન UPIના વધુમાં વધુ ઉપયોગ અને વ્યાપ વધારવા પર છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે રોકડની જરૂરિયાત ઘટાડવામાં મોટો ભાગ ભજવ્યો છે અને સરકાર હાલ તેમાં જરૂરી સુધારા કરી રહી છે.'

જો ચાર્જ લાગશે તો 53% યુઝર્સ UPIનો ઉપયોગ ઘટાડી દેશે: સરવે

આ મુદ્દે એક સરવેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દેશના 322 જિલ્લાઓમાંથી 45,000થી વધુ લોકો પર કરવામાં આવેલા આ સરવે મુજબ, જો મોટા વેપારીઓ પર MDR ચાર્જ લાગુ કરવામાં આવશે, તો 53%થી વધુ યુઝર્સ ₹3000થી વધુના ટ્રાન્ઝેક્શન માટે UPIનો ઉપયોગ કરવાનો બંધ કરી દેશે. તેમાંથી 27% લોકોએ કહ્યું કે તેઓ ક્રેડિટ કાર્ડ વાપરશે, 14% લોકો ડેબિટ કાર્ડ અને 12% લોકો બૅંક ટ્રાન્સફર કે કેશનો ઉપયોગ કરશે.

ચાર્જ અંગે યુઝર્સનો અભિપ્રાય

સરવેમાં સામે આવ્યું છે કે…

  • 18% યુઝર્સ ત્યારે જ UPI વાપરશે જો આ ચાર્જ પૂરેપૂરો વેપારી જ ભોગવે.
  • 12% યુઝર્સ ચાર્જ આપવો પડે તો પણ UPI વાપરવાનું ચાલુ રાખશે.
  • 14% યુઝર્સના મતે તેમનો નિર્ણય ચાર્જની રકમ કેટલી નક્કી થાય છે તેના પર નિર્ભર રહેશે.

કેન્દ્ર સરકાર પાસે રહેશે આખરી નિર્ણય

આ સરવે પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટની કલમ 10Aમાં સુધારાના પ્રસ્તાવ બાદ કરવામાં આવ્યો છે. હાલના નિયમો અનુસાર બૅંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ડિજિટલ પેમેન્ટ પર MDR વસૂલી શકતા નથી. પરંતુ પ્રસ્તાવિત સુધારા હેઠળ, કેન્દ્ર સરકાર પાસે એ સત્તા રહેશે કે કયા પેમેન્ટ મોડને ચાર્જમાંથી મુક્તિ આપવી અને કયા પેમેન્ટ પર ચાર્જ વસૂલવો.