PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે
UPI New Rules : દેશમાં મોટાભાગના લોકો UPIનો ઉપયોગ કરે છે, ત્યારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPIથી પેમેન્ટ કરવાની રીત બદલવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. નવા ફેરફાર મુજબ પેમેન્ટ કરતી વખતે PIN દાખલ કરવાની જરૂર નહીં પડે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એનપીસીઆઇ UPI પેમેન્ટ કરવા માટે ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સ સિસ્ટમ શરુ કરવાની વિચારણા કરી રહી છે. આ નિયમ આવ્યા બાદ પિન દાખલ કરવાની પ્રક્રિયા વૈકલ્પિક બની જશે.
ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સ સુરક્ષિત
રિપોર્ટ મુજબ આ નવી સુવિધા શરુ થયા બાદ યુઝર્સના પેમેન્ટની સુરક્ષા વધુ વધી જશે, જેનાથી ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે. વર્તમાન સમયમાં UPIથી પેમેન્ટ કરવા માટે ચારથી છ આંકડાનો પાસવર્ડ દાખલ કરવો પડે છે, આના વગર પેમેન્ટ કરવું અસંભવ છે. મહત્ત્વની વાત એ છે કે, ચારથી છ આંકડાના પાસવર્ડ કરતાં ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સ ખૂબ જ સુરક્ષિત હોય છે.
નવા નિયમથી UPI પેમેન્ટમાં શું ફેરફાર થશે?
જો UPIથી પેમેન્ટ કરવા માટે પિનના બદલે ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવશે તો મોટી રાહત મળી શકે છે. આનાથી પેમેન્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બનશે. આ નિયમ લાગુ થયા બાદ યુઝર્સ પોતાની બાયોમેટ્રિક માહિતી, જેમ કે ફિંગરપ્રિન્ટ, આંખની કીકી સ્કેન કરી અથવા અન્યનો ઉપયોગ કરીને UPIથી પેમેન્ટ કરી શકશે.
આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ