ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ: થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી જુદું નિવેદન
Congress MPs On Trump's Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ પ્લસ પેનલ્ટી લાદવાની જાહેરાત કર્યા બાદ વિવિધ સાંસદો અને રાજકારણીઓ દ્વારા પ્રતિક્રિયા અપાઈ રહી છે. જેમાં કોંગ્રેસના સાંસદોએ ટ્રમ્પના આ પગલાંની ટીકા કરી છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પની તરફેણમાં નિવેદન આપ્યું છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુર, કાર્તિ ચિદમ્બરમ, રાજીવ શુક્લાએ ટ્રમ્પના આ પગલાંની આકરી ઝાટકણી કાઢી છે.
શશિ થરુરે કહ્યું છે કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ચર્ચાઓ ચાલી હોવા છતાં અમેરિકાનું ભારત પર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદવાનો નિર્ણય તદ્દન અયોગ્ય છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ તેણે આપણી ઉપર 100 ટકા પેનલ્ટી લાદી શકે છે. જે રીતે ટ્રમ્પ વાત કરી રહ્યા છે, બારગેનિંગ ટેક્ટિસ પણ થઈ શકે છે. જો આટલો બધો ટેરિફ લાદવામાં આવશે, તો આપણો વેપાર બરબાદ થઈ જશે. આપણી જીડીપી પર અસર થશે. અમેરિકાની વ્યાપારિક માગ સંપૂર્ણપણે અયોગ્ય છે.
જો ડીલ શક્ય ન હોય તો દૂર થવું પડશે
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે જણાવ્યું કે, તે ખૂબ જ પડકારજનક વાટાઘાટો છે. અમે ઘણા દેશો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમેરિકા એકમાત્ર નથી. અમારી EU સાથે વાટાઘાટો ચાલુ છે, હાલમાં જ યુકે સાથે કરાર કર્યો છે, અને અન્ય દેશો સાથે પણ વાત કરી રહ્યા છીએ. જો આપણે અમેરિકામાં સ્પર્ધા ન કરી શકીએ, તો આપણે અમેરિકાની બહાર બજાર શોધવું પડશે. આપણી પાસે વિકલ્પો નથી. અમેરિકાની માગણીઓ સંપૂર્ણપણે ગેરવાજબી છે, જેથી બીજું માર્કેટ શોધવું પડશે. આ ભારતની તાકાત છે; આપણે ચીનની જેમ સંપૂર્ણપણે નિકાસ-આધારિત અર્થતંત્ર નથી. આપણી પાસે એક સારું અને મજબૂત સ્થાનિક બજાર છે. શક્ય શ્રેષ્ઠ ડીલ કરવા માટે આપણે આપણી ટીમને મજબૂત ટેકો આપવો જોઈએ. જો સારી ડીલ શક્ય ન હોય, તો આપણે તેનાથી દૂર થઈ જવું પડશે."
અમેરિકા અમારા માટે મોટું માર્કેટઃ થરુર
અમેરિકા અમારા માટે મોટું માર્કેટ છે, જ્યાં 87થી 90 અબજ ડૉલરની નિકાસ કરીએ છીએ. ટ્રમ્પના આ ટેરિફથી ભારતના લાખો લોકોની આજીવિકા છીનવાઈ જશે. નિકાસ પર ફટકો પડશે. ભારતમાં 70 કરોડ લોકો કૃષિ પર નિર્ભર છે. જેથી અમે અમેરિકાની કૃષિ ક્ષેત્રની માગને સંતોષી શકીએ નહીં. અમેરિકાએ તે સમજવું જોઈએ. અમે 70 કરોડ લોકોની આજીવિકાને જોખમમાં નાખી અમેરિકાને ખુશ કરી શકીએ નહીં.
યુએસ-પાકિસ્તાન ઓઇલ ડીલ મુદ્દે થરુર બોલ્યા...
થરુરે કહ્યું કે, અમેરિકાની માગ સંપૂર્ણપણે અયોગ્ય છે. અમારા પ્રતિનિધિમંડળને તેનો વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પાકિસ્તાનમાં અમેરિકા ક્રૂડ શોધી રહ્યું છે. જેમાં તેને મદદ કરી રહ્યું છે. તેના માટે હું તેમને શુભેચ્છા પાઠવું છે. અમારું ફોકસ હાલ અમારા લોકોના હિતો પર છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ભારતની વેપાર નીતિઓને અત્યંત ઘૃણાસ્પદ અને કઠોર ગણાવી હતી.
કાર્તિ ચિદમ્બરમે પણ ટેરિફ પર આપી આ સલાહ
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરે પણ ટ્રમ્પના ટેરિફનો વિરોધ કરતાં કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, ટ્રમ્પ પરંપરાગત રીતે રાજકારણી નથી. રાજદ્વારીના સામાન્ય પ્રોટોકોલ અને આંતર-સરકારી સંબંધોના માનક નિયમો કામ કરતા નથી. તે ખૂબ જ અસ્થિર વલણ ધરાવે છે. આપણે તેમના નિવેદનોથી ગભરાઈ જવાની જરૂર નથી. મને આશા છે કે, સરકાર શાંત ચિત્તે વેપાર કરાર મુદ્દે વાટાઘાટો ચાલુ કરશે અને અમેરિકા સાથે સમજૂતી કરશે.
ટ્રમ્પનું નિવેદન તદ્દન ખોટુંઃ રાજીવ શુક્લા
ટ્રમ્પના ભારત માટે ડેડ ઈકોનોમી પરના નિવેદન પર કોંગ્રેસના અન્ય એક સાંસદ રાજીવ શુક્લાએ જણાવ્યું કે, ટ્રમ્પે કહ્યું કે, ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે. તે તદ્દન ખોટું છે. ભારતની ઈકોનોમી 'ડેડ' નથી. પીવી નરસિમ્હારાવ અને મનમોહન સિંહે આર્થિક સુધારાઓ કર્યા, અટલ બિહારી વાજપેયીએ તેને વેગ આપ્યો. મનમોહન સિંહે ઈકોનોમીને મજબૂત બનાવી. વર્તમાન સરકાર પણ તેના પર જ કામ કરી રહી છે. આર્થિક સ્થિતિ જરાય નબળી નથી. જો કોઈ દાવો કરી રહ્યો છે કે, આપણા અર્થતંત્રનું પતન થઈ જશે, તે તેની ગેરસમજ છે. ટ્રમ્પ આ ગેરસમજની ભ્રમણામાં જીવી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ પણ અયોગ્ય છે.
રાહુલ ગાંધીએ ટ્રમ્પને આપ્યું સમર્થન
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પીએમ મોદી અને નાણા મંત્રી પર પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ અર્થાત્ મૃત ગણાવ્યું હતું. જેના પર સવાલ પૂછવામાં આવતાં રાહુલ ગાંધીએ હુંકાર ભર્યો હતો કે, 'હા, ભારતનું અર્થતંત્ર મૃત છે. વિશ્વમાં તમામ લોકો આ બાબત જાણે છે, માત્ર પીએમ મોદી અને નાણા મંત્રી જ નથી જાણતા. આ તદ્દન સત્ય છે. પરંતુ ભારત સરકાર તેનો સ્વીકાર કરશે નહીં.'