Business

માર્જિન ફંડિંગ ફેસેલિટીના નામે બેરોકટોક ગેરરીતિ

By GS Team
30 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ માર્જિન ટ્રેડિંગ ફેસેલિટી (MTF) ના નિયમોનું ઉલ્લંઘન કરનારા શેરબ્રોકરો સામે લાલ આંખ કરી છે. NSEના નિરીક્ષણમાં માર્જિન શોર્ટેજ, અમાન્ય શેરો સામે ફંડિંગ અને KYC જેવી ગેરરીતિઓ સામે આવી છે. આનાથી MTF બુકમાં તોતિંગ વધારો થયો છે. NSEએ બ્રોકરોને નિયમોનું કડક પાલન કરવા અને ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માર્જિન ફંડિંગ ફેસેલિટીના નામે બેરોકટોક ગેરરીતિ

MTFના નિયમો નેવે મૂકનારા શેરબ્રોકરો સામે NSEની લાલ આંખ : તવાઈના એંધાણ
માર્જિન શોર્ટેજથી લઈ અમાન્ય શેરો સામે ફંડિંગ થતું હોવાનો ઘટસ્ફોટ : એમટીએફ બુકમાં પાછલા દિવસોમાં તોતીંગ વધારા પાછળના પરિબળો
મુંબઈ : ગ્રાહકોને શેરોમાં ટ્રેડિંગ કરવા અને ટ્રેડિંગ કરાવીને બ્રોકરેજ-દલાલીની લખલૂંટ કરવા અને ફંડિંગ કરીને એના પર કરોડોની કમાણી કરવાની લાલચમાં હવે શેરબ્રોકરો પણ બેફામ બન્યા હોવાનું અને માર્જિન ફંડિંગ ફેસેલિટીના નામે બેરોકટોક કથિત ગેરરીતિ ચાલી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. દેશના અગ્રણી શેર બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) દ્વારા બ્રોકરોની કામગીરી અને નિયમનકારી પાલન અંગે હાથ ધરવામાં આવેલા નિરીક્ષણમાં અનેક પ્રકારની ખામીઓ સામે આવી છે. આ પ્રકારની એમટીએફ ફંડિંગની બેફામ પ્રવૃતિ થકી પાછલા મહિનાઓમાં એમટીએફ બુકમાં તોતીંગ વધારો થયાનું પણ જાણકારો માની રહ્યા છે. એમટીએફની લત્તના કારણે પણ ઘણા રોકાણકારો નુકશાનીના ખાડામાં ઉતરી જતાં હોવાના અને ગજા બહાર ટ્રેડિંગ કરીને પાયમાલ થતાં હોવાના જોખમોને લઈ આ મામલે નિયમનકારી નિયંત્રણો-અંકુશો પણ લાદવા આવશ્યક હોવાનું સમીક્ષકોનું માનવું છે.
આ ખામીઓમાં ખાસ કરીને માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ) હેઠળના નિયમોના પાલનમાં ગેરરીતિઓ, પૂરતું માર્જિન જાળવવામાં નિષ્ફળતા અને ફંડિંગ માટે અયોગ્ય શેરોનો ઉપયોગ જેવા મુદ્દાઓએ એક્સચેન્જનું ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત ઓથોરાઈઝ્ડ પર્સન્સ (એપીઝ) પર દેખરેખ, ગ્રાહકોની કેવાયસી પ્રક્રિયા, ક્લાયન્ટ ફંડના રિપોર્ટિંગ અને સાયબર સુરક્ષા સંબંધિત બાબતોમાં પણ ખામીઓ નોંધાઈ છે.
એક્સચેન્જના ઓક્ટોબર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ સુધીના નિરીક્ષણ સાથે સંબંધિત તારણો બ્રોકિંગ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તારણો દર્શાવે છે કે, શેર બજારમાં માત્ર ટ્રેડિંગની સુવિધા પૂરી પાડવી જ પૂરતી નથી, પરંતુ ગ્રાહકોને આપવામાં આવતી ફંડિંગ સુવિધા, નાણાકીય વ્યવહારોની પારદર્શિતા, મધ્યસ્થીઓ-ઈન્ટરમીડિયરીઝની કામગીરી અને ડિજિટલ સુરક્ષા માટે પણ નિયમોનું કડક પાલન જરૂરી છે.
માર્જિન ટ્રેડિંગ ફેસેલિટી એટલે એવી સુવિધા, જેમાં રોકાણકાર પોતાના ઉપલબ્ધ ભંડોળ કરતા વધુ મૂલ્યના શેર ખરીદી શકે છે અને બાકીની રકમનો એક હિસ્સો બ્રોકર દ્વારા ફંડ કરવામાં આવે છે. આ સુવિધામાં રોકાણકારને પોતાની તરફથી નિર્ધારિત માર્જિન આપવું પડે છે, જ્યારે બ્રોકર બાકીની રકમ ફંડિંગ પૂરું પાડે છે. એમટીએફ રોકાણકારોને મર્યાદિત મૂડીથી વધુ મોટું રોકાણ કરવાની તક આપે છે, પરંતુ તેની સાથે જોખમ પણ વધે છે. શેરના ભાવમાં ઘટાડો થાય તો રોકાણકારને થયેલું નુકશાન તેની પોતાની મૂડીની સરખામણીએ વધારે ઝડપથી વધી શકે છે. તેથી માર્જિનની ગણતરી, તેની સતત દેખરેખ અને જરૂરી માર્જિન જાળવવાની પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ બને છે.
એનએસઈના નિરીક્ષણમાં કેટલાક બ્રોકરો દ્વારા પૂરતું માર્જિન જાળવવામાં ખામીઓ હોવાનો મુદ્દો સામે આવ્યો છે. માર્જિન સંબંધિત નિયમોનું પાલન યોગ્ય રીતે ન થાય તો બજારમાં અસ્થિરતા દરમિયાન બ્રોકર અને રોકાણકાર બન્ને માટે જોખમ ઊભું થઈ શકે છે. શેરના બાવમાં અચાનક ઘટાડો થાય ત્યારે પૂરતું માર્જિન ન હોવાને કારણે ફંડિંગની વસૂલાત અને પોઝિશનનું સંચાલન મુશ્કેલ બની શકે છે.
નિરીક્ષણમાં એમટીએફ હેઠળ ફંડિંગ માટે પાત્ર ન હોય એવા શેરો સામે ફંડિંગ આપવાની ખામી પણ નોંધાઈ છે. એમટીએફ હેઠળ દરેક શેરને ફંડિંગ માટે યોગ્ય માનવામાં આવતા નથી. એક્સચેન્જ અને નિયમનકારી માળખા હેઠળ નિર્ધારિત પાત્રતાના માપદંડોનું પાલન જરૂરી છે. આથી બ્રોકરો માટે જરૂરી છે કે, તેઓ એમટીએફ ફંડિંગ આપતા પહેલા શેરની પાત્રતા ચકાસે અને સમગ્ર ફંડિંગ સમયગાળા દરમિયાન લાગુ પડતા નિયમોનું પાલન સુનિશ્ચિત કરે. માત્ર ગ્રાહકની માંગ અથવા સંભવિત આવકને ધ્યાનમાં રાખીને ફંડિંગ આપવાને બદલે જોખમ નિયંત્રણને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
એનએસઈના નિરીક્ષણમાં ઓથોરાઈઝ્ડ પર્સન્સ (એપીઝ)ની કામગીરી પર દેખરેખ રાખવામાં આવેલી ખામીઓ પણ સામે આવી છે. ઓથોરાઈઝ્ડ પર્સન એ બ્રોકર સાથે સંકળાયેલા એવા મધ્યસ્થી છે, જે લાગુ નિયમો હેઠળ ગ્રાહકો સુધી બ્રોકરેજ સર્વિસ પહોંચાડવામાં મદદ કરે છે. રોકાણકારો ઘણીવાર સ્થાનિક સ્તરે આવા મધ્યસ્થીઓના સંપર્કમાં રહીને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવે છે, બજારની માહિતી મેળવે છે અને બ્રોકરેજ સર્વિસિઝનો ઉપયોગ કરે છે, તેથી એપીઝની કામગીરી પર બ્રોકરની અસરકારક દેખરેખ હોવી જરૂરી છે. આ સાથે એનએસઈના નિરીક્ષણમાં કેવાયસી સંબંધિત ખામીઓ નોંધવાથી બ્રોકરોની ગ્રાહક-ઓનબોર્ડિંગ પ્રક્રિયા અને દસ્તાવેજોની ચકાસણી અંગે સાવચેતી રાખવાની જરૂરીયાત સામે આવે છે. આ સાથે સાયબર સુરક્ષા સંબંધિત ખામીઓનો પણ ઉલ્લેખ થયો છે.