ભારત-ચીન વચ્ચે વેપાર વધ્યો પરંતુ વેપાર ખાધ ૧૦૦ અબજ ડોલરે પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૪-૨૫માં ૧૧૮.૩૯ અબજ ડોલર હતો, જે ૨૦૨૫-૨૬માં ૭.૯ ટકા વધીને ૧૨૭.૭ અબજ ડોલર થયા
અમદાવાદ : ભારત વિશ્વફલક પર સૌથી ઝડપથી ઈકોનોમીમાંથી ટોચની સૌથી મોટી ત્રણ ઈકોનોમીમાં સ્થાન મેળવા ઈચ્છુક છે પરંતુ અનેક આર્થિક પડકારો છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ચીન ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ હતો પરંતુ ખાધ ૧૦૦ અબજ ડોલર ને આંબી ગઈ છે.
બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૪-૨૫માં ૧૧૮.૩૯ અબજ ડોલર હતો, જે ૨૦૨૫-૨૬માં ૭.૯ ટકા વધીને ૧૨૭.૭ અબજ ડોલર થયો છે. ગત નાણાકીય વર્ષમાં વેપાર ખાધ વધીને ૯૯.૧૯ અબજ ડોલર થઈ હતી; સરખામણીએ જોઈએ તો આ આંકડો ૨૦૨૪-૨૫માં ૮૫ અબજ ડોલર, ૨૦૨૩-૨૪માં ૮૩.૨, ૨૦૨૨-૨૩માં ૭૩.૩, ૨૦૨૧-૨૨માં ૪૪, ૨૦૨૦-૨૧માં ૪૮.૬૪ અને ૨૦૧૯-૨૦માં ૫૩.૫૬ અબજ ડોલર હતો. ૨૦૨૪-૨૫માં ૧૪.૨૫ અબજની સરખામણીએ ૨૦૨૫-૨૬માં ચીનને ભારતની નિકાસ ૩૬.૬૨ ટકા વધીને ૧૯.૪૭ અબજ થઈ છે.
બીજી તરફ, ગત નાણાકીય વર્ષમાં આયાત ૧૬ ટકા વધીને ૧૩૧.૬૨ અબજ ડોલર થઈ હતી, જે ૨૦૨૪-૨૫માં ૧૧૩.૪૪ અબજ હતી. ૨૦૨૫-૨૬માં ભારતની કુલ ચીજવસ્તુઓની આયાતમાં ચીનનો હિસ્સો આશરે ૧૭ ટકા હતો, જે ૨૦૨૪-૨૫માં ૧૫.૭ ટકા હતો. દરમિયાન, ચીનનો નિકાસમાં હિસ્સો ૨૦૨૪-૨૫ના ૩.૨ ટકાથી વધીને ગયા નાણાકીય વર્ષમાં ૪.૪ ટકા થયો છે.
ચીન પરની નિર્ભરતાની વાત કરીએ તો, ૨૦૨૫માં તે દેશમાંથી ભારતની આયાતમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો હિસ્સો ૯૮.૫ ટકા હતો, જ્યારે કૃષિ, ઇંધણ અને રત્ન-આભૂષણોનો સંયુક્ત હિસ્સો ૧.૫ ટકાથી ઓછો હતો. ચીનમાંથી ભારતની આયાતનો આશરે ૬૬ ટકા હિસ્સો જેનું મૂલ્ય ૮૨.૬ અબજ ડોલર છે.
ભારતની ઇલેક્ટ્રોનિક્સ આયાતમાં ચીનનો હિસ્સો ૪૩ ટકા, મશીનરી અને કમ્પ્યુટરની આયાતમાં ૪૦ ટકા અને ઓર્ગેનિક કેમિકલ્સની આયાતમાં ૪૪ ટકા છે. આર્થિક સંશોધન સંસ્થા 'ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ' (GTRI) એ નોંધ્યું છે કે આ એવી વસ્તુઓ નથી જેને પોતાની મરજી મુજબ ખરીદી કે ટાળી શકાય; તેના બદલે, તે ઉત્પાદન ક્ષેત્ર માટે આવશ્યક કાચો માલ છે જેનો ઉપયોગ સીધો ભારતના ઉત્પાદન ઇકોસિસ્ટમમાં થાય છે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેપાર ખાધનું મુખ્ય કારણ કાચો માલ, મધ્યવર્તી માલ અને મૂડીગત માલની આયાત છે. તેમાં ઓટોમોટિવ પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક ઘટકો અને એસેમ્બલી, મોબાઇલ ફોન સાધનો, મશીનરી અને સંબંધિત સાધનો તથા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સનો સમાવેશ થાય છે.




