Business

અઠવાડિયામાં સોનામાં 8500 તો ચાંદીમાં 18000 સુધીનો કડાકો, કિંમતી ધાતુઓમાં ઉથલપાથલનું કારણ શું?

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં સોના-ચાંદીના વૈશ્વિક અને સ્થાનિક બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. શરૂઆતમાં ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલી અને સેન્ટ્રલ બૅંકના નિર્ણયો પહેલાં રોકાણકારોની સાવચેતીને કારણે 28 ઑગસ્ટે ભાવમાં તીવ્ર ઘટાડો થયો. વૈશ્વિક બજારમાં સોનું $90 ઘટી $4,586.60 અને ચાંદી $68.45 પ્રતિ ઔંસ પર આવી. સ્થાનિક MCX પર સોનું ₹1.59 લાખ અને ચાંદી ₹2.40 લાખને પાર બંધ રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અઠવાડિયામાં સોનામાં 8500 તો ચાંદીમાં 18000 સુધીનો કડાકો, કિંમતી ધાતુઓમાં ઉથલપાથલનું કારણ શું?

Gold Silver Price : ઑગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં સોના અને ચાંદીના વૈશ્વિક તથા સ્થાનિક બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. સપ્તાહની શરૂઆતમાં ઐતિહાસિક ઊંચાઈ સર કર્યા પછી સપ્તાહના અંતે શુક્રવાર, 28 ઑગસ્ટે મોટા પાયે થયેલી નફારૂપી વેચવાલી અને સેન્ટ્રલ બેંકના નિર્ણયો પહેલાં રોકાણકારોની સાવચેતીને કારણે ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ મંગળવારના રૂપિયા 4,46,326($4,677)ના સર્વોચ્ચ સ્તરથી આશરે રૂપિયા 8,589($90) પ્રતિ ઔંસ ઘટીને રૂપિયા 4,37,700($4,586.60)ની આસપાસ બંધ રહ્યો હતો. જ્યારે COMEX ગોલ્ડ ફ્યુચર્સ રૂપિયા 4,38,215($4,592) પ્રતિ ઔંસ પર સેટલ થયો હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ચાંદી પણ સપ્તાહના મધ્યમાં રૂપિયા 6,699($70.20)ની સપાટીથી ઘટીને રૂપિયા 6,532($68.45) પ્રતિ ઔંસ પર પહોંચી હતી.

સ્થાનિક બજારમાં સોનું રૂપિયા 1.59 લાખ અને ચાંદી રૂપિયા 2.40 લાખને પાર

ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાનો વાયદો ઘટીને રૂપિયા 1,59,000 પ્રતિ 10 ગ્રામ આસપાસ બંધ રહ્યો હતો. રિટેલ બજારમાં 24 કેરેટ સોનું રૂપિયા 1,62,970 પ્રતિ 10 ગ્રામ (જે તેની ઊંચી સપાટીથી રૂપિયા 1,000 નીચું છે) અને 22 કેરેટ સોનું રૂપિયા 1,49,390 પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. બીજી તરફ ચાંદીના ભાવમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં ચાંદી તેની ઊંચી સપાટીથી રૂ. 18,000 પ્રતિ કિલોગ્રામ સુધી ઘટીને રૂપિયા 2,40,950થી રૂપિયા 2,42,000 પ્રતિ કિલોગ્રામની વચ્ચે બંધ રહી હતી, જ્યારે MCX ચાંદી ફ્યુચર્સ રૂપિયા 2,40,000ના સ્તરે પહોંચ્યો હતો.

જેક્સન હોલ અને પ્રોફિટ બુકિંગ કડાકાના મુખ્ય કારણો

સોના-ચાંદીમાં આ તીવ્ર ઘટાડા પાછળ કેટલાક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર રહ્યા છે. જેમાં મુખ્યત્વે

  • જેક્સન હોલ અને સેન્ટ્રલ બેંકની નીતિઓ જવાબદાર છે. કેન્દ્રીય બૅંકોના નાણાકીય નીતિ અંગેના વક્તવ્ય પહેલાં સંસ્થાકીય રોકાણકારોએ જોખમ ઘટાડવા માટે નેટ-લોંગ પોઝિશન ખાલી કરી હતી.
  • સમગ્ર ઑગસ્ટ દરમિયાન તીવ્ર ઉછાળો આવ્યા બાદ મોટા રોકાણકારોએ નફો ચોપડે બાંધવાનું યોગ્ય માન્યું હતું, જેના કારણે વેચવાલીનું ભારે દબાણ ઊભું થયું હતું.
  • રક્ષાબંધન જેવા તહેવારો હોવા છતાં ઊંચા ભાવના કારણે ગ્રાહકોમાં ખરીદી પ્રત્યે થોડો ખચકાટ જોવા મળ્યો હતો.

આગામી સમયમાં બજારનો ઝોક અને રોકાણકારો માટે સંકેત

યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ફેરફાર અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ભંડોળના પ્રવાહને કારણે બુલિયન માર્કેટ પર દબાણ જળવાઈ રહ્યું છે. જોકે, ભારતમાં આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખતાં નીચા ભાવે ભૌતિક માગમાં સુધારો થવાની શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.