ક્રિપ્ટો એસેટસના ઉપયોગથી નાણાંકીય સ્થિરતા પર નકારાત્મક અસર થશે

મુંબઈ : ક્રિપ્ટો એસેટસના વ્યાપક ઉપયોગ એક દેશની બૃહદ્આર્થિક અને નાણાંકીય સ્થિરતા પર નકારાત્મક અસર કરી શકે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના રિપોર્ટમાં જણાવાયું હતું.
સોમવારે જારી કરેલા ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, ક્રિપ્ટો એસેટસના વધુ પડતા ઉપયોગથી નાણાં નીતિની અસરકારકતા ઘટી જાય છે, નાણાંકીય જોખમ વધી જાય છે એટલું જ નહીં અર્થતંત્ર માટે આવશ્યક નાણાંકીય સ્રોતો ખેંચાઈ જવાની પણ શકયતા રહેલી છે. ક્રિપ્ટો એસેટસ વૈશ્વિક નાણાંકીય સ્થિરતા સામે પણ જોખમી હોવાની રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.
ક્રિપ્ટોકરન્સીસ માર્કેટનું કદ ભલે નાનું હોય પરંતુ તેના સતત થઈ રહેલા વિસ્તરણ તથા પરંપરાગત નાણાંકીય વ્યવસ્થા સાથે તેના વધતા જોડાણથી સિસ્ટમિક જોખમો તોળાઈ રહ્યા છે. અમેરિકાના નવા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ એક લાખ ડોલરને પાર કરી ગયો હતો અને ભાવ ૧,૦૮,૦૦૦ ડોલરની ટોચે જોવાયા બાદ તેમાં પીછેહઠ આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટો કરન્સીસની તરફેણ કરે છે, અને તેમના વહીવટીતંત્રમાં ક્રિપ્ટોસના વેપારને કાનૂની પીઠબળ મળી રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.




