Business

ખાદ્ય તેલનું વેચાણ માનક પેકેજિંગમાં કરવાની વ્યવસ્થા ફરીથી અમલમાં મુકાઈ

By GS Team
7 Jun 20262 mins read
ખાદ્ય તેલનું વેચાણ માનક પેકેજિંગમાં કરવાની વ્યવસ્થા ફરીથી અમલમાં  મુકાઈ

મુંબઈ : ઉદ્યોગની લાંબા સમયની માગણીને ઘ્યાનમાં રાખી ગ્રાહક બાબતોના મંત્રાલયે છેવટે એક એડવાઇઝરી જાહેર કરીને ખાદ્ય તેલનું વેચાણ માનક પેકેજિંગમાં કરવાની વ્યવસ્થા ફરીથી અમલમાં મૂકી છે. આના કારણે ગ્રાહકો માટે ભાવ પારદશતા વધશે અને વિવિધ બ્રાન્ડોના ભાવોની સરખામણી કરવી સરળ બનશે. ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને નવા નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

ગ્રાહક બાબતોના વિભાગે કાનૂની માપવિજ્ઞાાન (લીગલ મેટ્રોલોજી) માળખા હેઠળ ખાદ્ય તેલો અને ચરબી (ફેટ્સ)ની શુદ્ધ માત્રા તથા માનક પેક કદ નક્કી કરવા અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) માં સુધારો કર્યો છે.

સુધારેલા નિયમો હેઠળ પામ તેલ, પામોલીન, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, સરસવ/રેપસીડ તેલ, મગફળી તેલ, તલ તેલ, રાઇસ બ્રાન તેલ, કપાસિયા બીજનું તેલ, મકાઈનું તેલ તેમજ તેમના મિશ્રણો માટે માનક પેક કદ નક્કી કરવામાં આવ્યા છે. મંજૂર કરાયેલા પેક કદ આ પ્રમાણે છે: ૨૦૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧ કિલો, ૨ કિલો, ૩ કિલો, ૪ કિલો, ૫ કિલો, ૧૫ કિલોગ્રામ ૨૦ કિલોગ્રામનો સમાવેશ થાય છે. પ્રવાહી માત્રા મુજબ તેના સમકક્ષ પેક કદ ૨૦૦ મિલીલીટર, ૫૦૦ મિલીલીટર, ૧ લીટર, ૨ લીટર, ૩ લીટર, ૪ લીટર, ૫ લીટર, ૧૫ લીટર તથા ૨૦ લીટરમાં હોવા જોઈશે. 

જો કે ૨૦૦ ગ્રામ અથવા ૨૦૦ મિલીલીટરથી ઓછી માત્રાવાળા પેકેટો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.આ નિર્ણયના પરિણામે ૬૫૦ ગ્રામ, ૭૦૦ ગ્રામ, ૮૧૦ ગ્રામ, ૮૫૦ ગ્રામ અને ૮૭૦ ગ્રામ જેવા બિન-માનક પેક આગામી ત્રણ મહિનામાં બજારમાંથી દૂર થઈ જશે.

૨૦ મેના રોજ ગ્રાહક બાબતોની સચિવ નિધિ ખરેની અઘ્યક્ષતામાં યોજાયેલી હિતધારકોની બેઠક બાદ આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

એડવાઇઝરી અનુસાર, જે લઘુ (માઇનર) ખાદ્ય તેલોને મુખ્ય તેલોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી, તેઓ માટે માનક પેક કદની ફરજિયાતતા લાગુ પડશે નહીં. જોકે તેમને લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) નિયમો, ૨૦૧૧ હેઠળ યુનિટ સેલ પ્રાઇસ જાહેર કરવા સંબંધિત જોગવાઈઓનું પાલન કરવું પડશે.

આ નિર્ણયથી  રિટેલ બજારમાં વ્યવસ્થા અને પારદશતા પુન:સ્થાપિત થશે તેમજ તમામ ઉત્પાદકો માટે સમાન સ્પર્ધાનું વાતાવરણ તૈયાર કરશે.