Business

ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રારંભિક કિંમતો પેટ્રોલ સ્કૂટર્સની નજીક પહોંચી ગઈ

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે પેટ્રોલ મોડલ્સની નજીક પહોંચતા, વેચાણમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન કુલ સ્કૂટર વેચાણ 31% વધીને 60,72,000 યુનિટ્સ થયું છે. ઓગસ્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ 131% વધીને 1,89,000 યુનિટ્સ થયું, જે કુલ સ્કૂટર માર્કેટના 22% છે. ગ્રામીણ વિસ્તારોમાં ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશનમાં 20.25%નો વધારો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રારંભિક કિંમતો પેટ્રોલ સ્કૂટર્સની નજીક પહોંચી ગઈ

ગ્રામીણ વિસ્તારોમાં ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશનમાં ૨૦.૨૫%નો વધારો જ્યારે શહેરી વિસ્તારોમાં ૧૯.૦૭%
અમદાવાદ : ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પેટ્રોલ મોડલ્સ સાથેના ખરીદ કિંમતના તફાવતને ઝડપથી ઘટાડી રહ્યા છે, જેના કારણે આ સેગમેન્ટને નવો વેગ મળ્યો છે. હવે ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રારંભિક કિંમતો મુખ્ય પ્રવાહના ૧૧૦-૧૨૫ સીસી પેટ્રોલ સ્કૂટર્સની બરાબર નજીક પહોંચી ગઈ છે.
વિવિધ કંપનીઓના મોટાભાગના મોડલ્સ ગયા વર્ષે આશરે રૂ. ૧૫,૦૦૦ વધુ મોંઘા હતા, પરંતુ હવે તેઓ પેટ્રોલ મોડલ્સ સામે સખત સ્પર્ધા આપી રહ્યા છે, જે રૂ. ૮૦,૦૦૦ થી રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમતમાં ઉપલબ્ધ છે.
કિંમતનો આ ઘટતો તફાવત ખરીદીના સમીકરણો બદલી રહ્યો છે, ખાસ કરીને વધુ દૈનિક વપરાશ ધરાવતા ગ્રાહકો માટે.
આ બદલાવ ઇન્ડસ્ટ્રીના વેચાણ આંકડાઓમાં સ્પષ્ટ દેખાય છે. સિઆમના ડેટા અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સ્કૂટરનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે ૩૧% વધીને ૬૦,૭૨,૦૦૦ યુનિટ્સ થયું હતું, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૪૬,૪૮,૦૦૦ યુનિટ્સ હતું. ઓગસ્ટ મહિનામાં સ્કૂટરનું હોલસેલ વેચાણ ૨૩.૮% વધીને ૮,૫૫,૭૧૫ યુનિટ્સ થયું હતું, જે અગાઉના વર્ષના ૬,૯૧,૪૩૦ યુનિટ્સની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે.
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના ડેટામાં બે ગણાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. ૨૫૦ વોટથી વધુ મોટર પાવર ધરાવતા સ્કૂટર્સનું વેચાણ આ મહિના દરમિયાન ૧,૮૫,૩૦૩ યુનિટ્સ નોંધાયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૮૧,૦૧૭ યુનિટ્સ હતું. ખરીદી અને જાળવણીના ઓછા ખર્ચ તેમજ વધતી જતી ચાર્જિંગ સુવિધાઓને કારણે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી રહ્યા છે.
ઇન્ડસ્ટ્રીના ડેટા દર્શાવે છે કે ઓગસ્ટમાં કુલ ઇલેક્ટ્રિક સ્કૂટરનું હોલસેલ વેચાણ આશરે ૧,૮૯,૦૦૦ યુનિટ્સ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે આશરે ૧૩૧% નો વધારો દર્શાવે છે અને સ્કૂટર માર્કેટના આશરે ૨૨% જેટલું છે.
તેની સરખામણીએ મોટરસાઇકલના વેચાણમાં ધીમી વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટમાં મોટરસાઇકલનું વેચાણ માત્ર ૨.૪% વધીને ૧૧,૩૩,૦૪૭ યુનિટ્સ રહ્યું હતું, જોકે કુલ વેચાણના આંકડામાં મોટરસાઇકલ્સ હજુ પણ આગળ છે. રિટેલ ડેટા મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશનમાં ૨૦.૨૫% નો વધારો થયો હતો, જે શહેરી વિસ્તારોના ૧૯.૦૭%ના ગ્રોથ કરતાં વધારે છે.