અમદાવાદ : ફેબુ્રઆરીના અંતમાં યુએસ-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ડોલર સામે રૂપિયો ૪.૧૭ ટકા ઘટયો છે. જોકે, હવે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમાં સુધારો થશે અને પ્રતિ ડોલર ૯૪.૮૮ની આસપાસ ટ્રેડ થશે તેવી અપેક્ષા છે. એક સર્વેમાં મુજબ આગામી ક્વાર્ટરમાં રૂપિયો મજબૂત રહેશે કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા પગલાંથી મૂડી પ્રવાહમાં ધીમે ધીમે વધારો થશે.
ગયા શુક્રવારે, રૂપિયામાં બે મહિનામાં તેનો સૌથી મોટો એક દિવસીય વધારો નોંધાયો હતો, જે ડોલર સામે ૦.૯ ટકા વધ્યો હતો. રિઝર્વ બેંક દ્વારા વિદેશી રોકાણ આકર્ષવા માટે પગલાં જાહેર કર્યા પછી આ વધારો થયો હતો. આ વધારો આ વર્ષે રૂપિયામાં ત્રીજો સૌથી મોટો એક દિવસીય વધારો હતો. રૂપિયો મજબૂત થઈને ૯૪.૯૪ પ્રતિ ડોલર પર બંધ થયો, જે ૮ મે પછીનો સૌથી ઊંચો સ્તર છે. આ વર્ર્ષે રૂપિયો ૫.૩૪ ટકા નબળો પડયો છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં ૦.૧૪ ટકાનો ઘટાડો થયો છે.
સર્વે મુજબ આરબીઆઈ તેની ફોરવર્ડ બુકનું કદ ઘટાડવા માટે આવનારા મૂડી પ્રવાહનો ઉપયોગ કરી શકે છે. આનાથી રૂપિયાના લાભને મર્યાદિત કરી શકાય છે. એપ્રિલના અંતમાં ફોરવર્ડ માર્કેટમાં સેન્ટ્રલ બેંકની ચોખ્ખી બાકી શોર્ટ ડોલર સ્થિતિ ૯૫.૩૦ બિલિયન ડોલર હતી.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, મૂડી પ્રવાહ સુધારવા માટે લેવામાં આવેલા નીતિગત પગલાંથી રૂપિયાની અસ્થિરતા ઓછી થવાની અપેક્ષા છે. સપ્ટેમ્બર પછી પરિસ્થિતિ હળવી થશે.જોકે, કેટલાક માને છે કે તાજેતરના પગલાં છતાં, રૂપિયો દબાણ હેઠળ રહેશે. તેઓ દલીલ કરે છે કે સરકાર અને આરબીઆઈ દ્વારા વિદેશી મૂડી આકર્ષવા માટે લેવામાં આવેલા પગલાં વર્તમાન વાતાવરણમાં નોંધપાત્ર રોકાણ આકર્ષિત કરશે નહીં. સતત ફુગાવાના દબાણ અને ઊંચા યુએસ વ્યાજ દરો ભારતીય સંપત્તિના આકર્ષણને મર્ર્યાદિત કરી શકે છે.
જો પશ્ચિમ એશિયામાં તણાવને બાકાત રાખવામાં આવે તો પણ, ઘણા અન્ય જોખમો રહે છે. આમાં એઆઈનો બબલ ફૂટવાની શક્યતા, ખાનગી દેવા બજારમાં દબાણ અને સ્થાનિક અર્થતંત્ર પર નબળા ચોમાસાની અસરનો સમાવેશ થાય છે.
રૂપિયાના ઘટાડાને બ્રેક લાગશે: ગોલ્ડમેન
દેશમાં ડોલર પ્રવાહ વધારવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તથા ભારત સરકાર દ્વારા લેવાયેલા પગલાંને પરિણામે રૂપિયો હવે તેની નીચી સપાટીની નજીક આવી શકે છે એમ ગ્લોડમેન સાચ્સ દ્વારા જણાવાયું હતું.
આરબીઆઈ તથા ભારત સરકાર દ્વારા લેવાયેલા પગલાંને પરિણામે રૂપિયા પર ઘસારાનું દબાણ અટકવું જોઈએ એમ ગોલ્ડમેનના એક રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે. ગયા સપ્તાહમાં લેવાયેલા પગલાંઓમાં મુખ્યત્વે સરકારી સિક્યુરિટીઝમાં વિદેશી રોકાણ પર વેરા મુક્તિનો સમાવેશ થાય છે. આ પગલાંઓને કારણે દેશમાં ૫૦ અબજ ડોલરનો પ્રવાહ આવવાની અપેક્ષા રાખવામાં આવે છે.


