ઓગસ્ટમાં ૧૩.૯૦ કરોડ સાથે ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીની ત્રીજી મોટી રહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈ-વે બિલની ઊંચી માત્રાથી વર્તમાન વર્ષમાં દેશના અર્થતંત્રમાં મજબૂતાઈના સંકેત
મુંબઈ : ઓગસ્ટમાં દેશમાં ઈ-વે બિલ જનરેટ કરવાની સંખ્યા વાર્ષિક ધોરણે ૭.૭૦ ટકા વધી ૧૩.૯૦ કરોડ રહી હતી. જે કોઈ એક મહિનાની ત્રીજી મોટી સંખ્યા છે. ઈ-વે બિલની સંખ્યામાં વધારો દેશમાં માલસામાનની હેરફેર મજબૂત રહી હોવાના સંકેત આપે છે. માલસામાનની ઊંચી માગ દેશનું અર્થતંત્ર સારી સ્થિતિમાં હોવાના સંકેત આપે છે.
રૂપિયા ૫૦,૦૦૦થી વધુના મૂલ્યના માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. ઓગસ્ટ ૨૦૨૫માં ૧૨.૯૧ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. આમ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ઈ-વે બિલની સંખ્યા ૯૯.૫૦ લાખ વધુ છે.
વર્તમાન વર્ષના જુલાઈમાં ઈ-વે બિલની સંખ્યા ૧૩.૯૭ કરોડ રહી હતી. માર્ચમાં ૧૪.૦૬ કરોડની સંખ્યા અત્યારસુધીની સૌથી મોટી રહી છે.
દેશમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના અમલ બાદ ઈ-વ ે બિલની પ્રથમ ત્રણ મોટી સંખ્યા વર્તમાન વર્ષમાં જ જોવા મળી છે. આમ વર્તમાન વર્ષમાં દેશમાં આર્થિક પ્રવૃત્તિ મજબૂત હોવાના સંકેત મળી રહ્યા છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકનો જીડીપી વૃદ્ધિ દર પણ ૭.૮૦ ટકા સાથે અપેક્ષા કરતા સારો રહ્યો છે.
સપ્ટેમ્બરથી નવેમ્બરના ગાળામાં ગણપતિ, નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખતા આ મહિનાઓમાં પણ ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ગયા વર્ષથી જીએસટીના દરમાં ઘટાડા તથા સખત ફરજપાલન ધોરણોને જોતા ઈ-વે બિલની સંખ્યા ઊંચી જોવા મળી રહી છે, એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.
વેપાર પ્રવૃત્તિ, પૂરવઠા સાંકળની હેરફેર તથા વેરાના પાલનના ઈ-વે બિલ સંકેત આપતુ હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટર છે. ઈ-વે બિલની સંખ્યા પરથી દેશમાં વેપાર માનસની સ્થિતિનો પણ અંદાજ મળી રહે છે.
જીએસટીના અમલ બાદ દેશમાં ટેકનોલોજી સંચાલિત વેરા વહીવટ અસરકારક રીતે થતો હોવાનું જીએસટીની વસૂલી પરથી કહી શકાય એમ છે. યુદ્ધને કારણે દેશમાં માલસામાનની ખરીદીમાં વધારો થવાને પરિણામે પણ ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેવા પામી હોવાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં વાહનો માટેની માગમાં તાજેતરના સમયમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે પણ જીએસટીની વસૂલી ઊંચી રહેવા પામી છે.




