ઝવેરી બજારમાં ફરી તેજીનો ચમકારો: સોનું વધી રૂ.139000

- વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંસના 4400 ડોલર બોલાયા
- ચાંદીમાં આંચકા પચાવી નવેસરથી રૂ.4000 ઉછળી: વિશ્વ બજારમાં આગેકૂચ: રશિયાથી ક્રૂડ આયાત ઘટાડવા સરકાર સક્રિય બની
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી વધ્યા હતા. સોનામાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ભાવમાં ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમંપોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી ભાવ ઉછાળાઓ શરૂ થયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંસના ઉંચામાં ૪૪૦૦ ડોલરની નજીક પહોંચી ગયાના નિર્દેશો હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૩૮૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૯૦૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૪૦૦૦ વધી રૂ.૨૩૬૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૩૧૯થી ૪૩૨૦ વાળા વધી ૪૪૦૦ થઈ ૪૩૯૩થી ૪૩૯૪ ડોલર રહ્યા હતા. સોનામાં ફંડો એક્ટીવ હતા. સોના પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ પણ ઔંસના ૭૧.૬૫ વાળા વધી ૭૪.૫૫ થઈ ૭૪.૦૫થી ૭૪.૦૬ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૩૪૨૪૨ તથા ૯૯૯ના રૂ.૧૩૪૭૮૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૩૪૯૦૬ થઈ રૂ.૨૩૪૫૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન,વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૬૧ વાળા વધી ૨૧૫૭ થઈ ૨૧૪૩થી ૨૧૪૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૨૧ વાળા વધી ૧૬૭૨ થઈ ૧૬૫૪થી ૧૬૫૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૦ ટકા વધ્યા હતા. જોકે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ નરમ રહ્યા હતા. નવી માગ ધીમી રહી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૦.૪૨ થઈ ૬૦.૫૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૭.૦૧ થઈ ૫૭.૧૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, ચાંદીના પુરવઠા માટે ભારતમાં ચીન પર મદાર વધી રહ્યાના વાવડ મળ્યા હતા. ભારતમાં ચાંદીની જે કુલ આયાત થાય છે એ પૈકી ચીનથી આવતી આવી આયાતની ટકાવારી વધી ૪૦ ટકાએ પહોંચી છે દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારની વાતચીત ચાલી રહી છે ભારતમાં આવતી રશિયાના ક્રૂડતેલની ઈમ્પોર્ટ પર સરકારની બારીક નજર રહી હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં રશિયાથી ક્રૂડની કેટલી આયાત કરી એની માહિતી દર અઠવાડિયે સરકારને આપવી એવું સરકારી સૂત્રોએ દેશના ઓઈલ રિફાઈનર્સ ક્ષેત્રને જણાવ્યું હોવાનું બજારના સૂત્રો બતાવી રહ્યા હતા.
સોનુ - ૧,૩૮,૭૦૦
ચાંદી - ૨,૩૬,૦૦૦








