Business

થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી ફેડરલ દ્વારા વ્યાજ દર જાળવી રખાયા

By GS Team
31 Jan 20252 mins read
This article was originally published on 31 Jan 2025
થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી ફેડરલ દ્વારા વ્યાજ  દર જાળવી રખાયા

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે વ્યાજ દર યથાવત રાખી વધુ કપાત કરવાનું હાલમાં ટાળ્યું છે અને સાથોસાથ અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેવી નીતિ આગળ વધારે છે, તેનો અંદાજ મેળવવા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. વ્યાજ દરમાં કપાત નહીં કરવાના નિર્ણય સામે ટ્રમ્પે નારાજગી વ્યકત કરી છે. 

બે દિવસની બેઠકના અંતે કમિટિએ વ્યાજ દર ૪.૨૫ ટકાથી ૪.૫૦ ટકા વચ્ચે જાળવી રાખવા નિર્ણય કર્યો છે. બેરોજગારીનો દર નીચા  સ્તરે સ્થિર થયો હોવા છતાં, અમેરિકામાં ફુગાવો થોડો ક ઊંચો  હોવાનું કમિટિ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. 

વ્યાજ દર તાત્કાલિક નીચા લાવવા પોતે દબાણ કરશે તેવા ટ્રમ્પના નિવેદન છતાં ફેડરલ દ્વારા તે જાળવી રખાયા છે. 

ફુગાવો ફેડરલના બે  ટકાના ટાર્ગેટ સુધી નીચે લાવવાના પગલાં છતાં તેની ઘટવાની ગતિ અટકી ગઈ છે અને અન્ય આર્થિક ડેટા મજબૂત આવ્યા હોવાથી વ્યાજ દરમાં ઘટાડો અટકી જશે તેવી બજારને અપેક્ષા હતી. 

અમેરિકામાં ડિસેમ્બરનો ફુગાવો અપેક્ષા કરતા વધુ વધી ૨.૯૦ ટકા રહ્યો છે. આવી રહેલા ડેટા, ઊભરી રહેલા આઉટલુક તથા જોખમની સમતુલાની આકારણી કર્યા બાદ જ વ્યાજ દરમાં ફેરબદલ અંગે નિર્ણય લેવાશે એમ ફેડરલ દ્વારા જણાવાયું હતું. 

ફુગાવો તથા રોજગાર સિદ્ધ કરવા ઉઠાવાયેલા જોખમો સમતુલિત થઈ ગયા છે. 

દરમિયાન વ્યાજ દરમાં ઘટાડો નહીં કરવાના નિર્ણય સામે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મારફત નારાજગી વ્યકત કરી હતી. પોવેલ તથા કમિટિ ફુગાવાની સમશ્યાને નાથવામાં નિષ્ફળ  રહ્યા છે, પરંતુ અમેરિકામાં ઊર્જા ઉત્પાદન વધારી, નિયમનો ઘટાડી, આંતરરાષ્ટ્રીય વેપારમાં ફેરબદલો દ્વારા ફુગાવાની સમશ્યાને દૂર કરીશ એટલું જ નહીં ફુગાવાને અટકાવવા હું ઘણું કરીશ એમ તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હોવાના અહેવાલ હતા.