આવકવેરાના લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ નહીં કરી શકાય, CBDTના નવા નિયમ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBDT New Rules: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે 17મી સપ્ટેમ્બર 2026ના રોજ 'ઈનકમ-ટેક્સ (ફોર્થ એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2026'નું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી કરદાતાની 'ધરપકડ અને અટકાયત'ની જોગવાઈઓ પહેલી એપ્રિલ 2026થી રદ થઈ જતાં કરચોરી કે ડિફોલ્ટના કિસ્સામાં અધિકારીઓ હવે વ્યક્તિગત અટકાયત કરી શકશે નહીં. આ નવા સુધારા હેઠળ આવકવેરા વિભાગે ટેક્સ રિકવરીના નિયમોમાં કર્યા છે.
રૂલ 225માં સુધારો અને પ્રોપર્ટી-બેઝ્ડ રિકવરી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ઈનકમ-ટેક્સ રૂલ્સના નિયમ નંબર 225માં સુધારો કરીને ધરપકડના નિયમો દૂર કર્યા છે. આ પગલું કેન્દ્રીય બજેટ 2026-27ની 'ટેકનિકલ ભૂલો અને નાના ગુનાઓના વિ-ગુનાઈતકરણ' - ડિક્રિમિનાલાઈઝેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. પરિણામે હિસાબી ચોપડાંઓ કે પછી ટીડીએસની ચૂકવણીમાં ભૂલ જેવા ક્ષુલ્લક ગુનાઓ માટે જેલની સજા નહીં પણ માત્ર નાણાકીય દંડ જ લાગુ કરવામાં આવશે. ટેક્સ રિકવરી હવે માત્ર મિલકત જપ્તી અને વેચાણ દ્વારા જ હાથ ધરાશે.
કરદાતાના મૃત્યુના કિસ્સામાં રાહત
જો ટેક્સ ડિફોલ્ટર કરદાતાનું મૃત્યુ થાય, તો તેવા કિસ્સામાં પણ વસુલાત માટે કાનૂની વારસદારો સામે કોઈ પણ પ્રકારની અટકાયત કે કડક કાર્યવાહી કરી શકાશે નહીં. નવા ઇનકમ-ટેક્સ એક્ટ 2025ના માળખા હેઠળ વર્તમાન વેલ્યુઅર્સ અને અધિકૃત આવકવેરા પ્રેક્ટિશનર્સને નોંધણી પૂર્ણ કરવા માટે વધુ 6 મહિનાનો સમય આપીને આ મુદત 31મી માર્ચ 2027 સુધી લંબાવવામાં આવી છે.
ફોર્મ 169 અને ફોર્મ 171 હેઠળ કડક ડિસ્ક્લોઝર
વેલ્યુઅર્સ માટેના ફોર્મ 169 હેઠળ અરજદારે શૈક્ષણિક લાયકાત, અનુભવ, મિલકતની શ્રેણી અને હિતોના સંઘર્ષ ન હોવાની વિગતો આપવી પડશે. જ્યારે આવકવેરા પ્રેક્ટિશનર્સ માટેના ફોર્મ 171 હેઠળ વ્યવસાયિક ગેરવર્તણૂક, નાદારી કે કોઈપણ છેતરપિંડીના ગુના અંગેની ચોક્કસ જાહેરાત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
આવકવેરાના કરદાતાઓને કેવા કિસ્સાઓમાં રાહત મળી શકશે
ટીડીએસ જમા કરાવવામાં વિલંબ અથવા હિસાબી ભૂલ: એક નાના વેપારીથી ટેકનિકલ ખામી કે નાણાકીય અગવડતાને કારણે સમયસર ટીડીએસની રકમ સરકારમાં જમા કરાવી શકાઈ ન હતી અથવા હિસાબી ચોપડાં રજૂ કરવામાં વિલંબ થયો હતો. આ સ્થિતિમાં જૂના નિયમો હેઠળ આવકવેરા અધિકારીઓ કરદાતા સામે કડક કાર્યવાહી કરીને અટકાયત કે ધરપકડની પ્રક્રિયા હાથ ધરી શકતા હતા. કેન્દ્રીય બજેટ 2026-27ના 'ડિક્રિમિનાલાઈઝેશન' અને નવા રૂલ 225 મુજબ, હવે આવી ટેકનિકલ કે ક્ષુલ્લક ભૂલો માટે વેપારીની ધરપકડ કે જેલની સજા થશે નહીં. માત્ર નિયમ મુજબ વ્યાજ કે નાણાકીય દંડ ભરીને મામલો ઉકેલી શકાશે.
કરદાતાના અચાનક અવસાનના કિસ્સામાં વારસદારોને મુક્તિ: એક કરદાતા પર ભૂતકાળની મોટી આવકવેરાની આકારણી બાકી હતી, અને તે રકમની વસૂલાત થાય તે પહેલાં જ તેમનું અચાનક અવસાન થાય છે. આ સ્થિતિમાં જૂના નિયમ હેઠળ કરદાતાના મૃત્યુ બાદ વસૂલાત અધિકારીઓ કાનૂની વારસદારો પર માનસિક દબાણ લાવતા અને કડક કાનૂની પગલાં કે અટકાયતની ધમકીનો સામનો કરવો પડતો હતો. નવા નોટિફિકેશન મુજબ, કરદાતાના અવસાનના કિસ્સામાં કાનૂની વારસદારો સામે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત અટકાયત કે કડક કાર્યવાહી કરી શકાશે નહીં. વસૂલાતની પ્રક્રિયા માત્ર કરદાતાની છોડેલી મિલકતના સીમિત સીમાડામાં જ કાયદાકીય રીતે થશે.
બાકી ટેક્સ લેણાંની વસૂલાત પ્રક્રિયા: કોઈ બિઝનેસમાં મોટું નુકસાન થવાના કારણે કરદાતા પોતાની કરોડો રૂપિયાની આવકવેરાની બાકી નીકળતી રકમ ભરી શકવામાં અસમર્થ રહે છે. ટેક્સ રિકવરી ઓફિસર પાસે કરદાતાની મિલકત જપ્ત કરવા ઉપરાંત તેની ધરપકડ કરીને સિવિલ જેલમાં મોકલવાની સત્તા હતી. નવા નિયમથી રાહત મળશે. પહેલી પહેલી એપ્રિલ 2026થી પૂર્વવર્તી અસરથી આ સત્તાઓ નાબૂદ કરાઈ છે. હવે ટેક્સ વિભાગ રિકવરી માટે કરદાતાની વ્યક્તિગત ધરપકડ કરી શકશે નહીં. વસૂલાત માત્ર 'પ્રોપર્ટી-બેઝ્ડ' રહેશે, એટલે કે કાયદા મુજબ મિલકત જપ્ત કરીને તે તેનું વેચાણ કરીને જ ટેક્સ વસૂલ કરી શકાશે.




