ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું, AGM પહેલા જ અચાનક લીધો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tata Sons Chairman N Chandrasekaran Resigned: ટાટા સન્સની આગામી 18 ઑગસ્ટના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા(AGM) પહેલા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને રાજીનામું આપી દીધું છે. ચંદ્રશેખરને જણાવ્યું છે કે, ‘મેં ટાટા ગ્રૂપમાં મારી વ્યાવસાયિક કારકિર્દીના 40 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રતિષ્ઠિત સંસ્થામાં યોગદાન આપવાની અમૂલ્ય તક મળવા બદલ હું કૃતજ્ઞ છું. છેલ્લા એક દાયકાથી ટાટા સન્સનું નેતૃત્વ કરવું એ મારા માટે મોટું સન્માન અને મોટી જવાબદારી રહી છે.’
ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી 2027 સુધીનો છે. તેમણે કહ્યું છે કે, ‘મેં આ હોદ્દા માટે યોગ્ય ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરવા બોર્ડને ટૂંક સમયમાં જ ઉત્તરાધિકારી નક્કી કરવા કહ્યું છે. હું કોઈ જ રિ-એપોઇન્ટમેન્ટ નથી ઇચ્છતો.’
ચંદ્રશેખરન 1987માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા, 2009માં ટીસીએસના સીઈઓ બન્યા હતા અને 2017માં ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન જૂથે એર ઇન્ડિયા દુર્ઘટના, ટીસીએસ પર કિંમતોનું દબાણ અને જેગ્યુઅર લેન્ડ રોવર પર સાયબર હુમલા જેવા મોટા સંકટોનો સામનો કર્યો હતો.
રાજીનામું આપવાનું કારણ શું?
આ રાજીનામું શેરધારકો સાથેના તણાવ અને ચંદ્રશેખરન તથા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચેના મતભેદો વચ્ચે આવ્યું છે. ચંદ્રશેખરને કહ્યું છે કે ‘બોર્ડના એક સભ્યે 2027 પછી મારો કાર્યકાળ લંબાવવા સમર્થન કર્યું ન હતું. મને સર્વાનુમતે સમર્થન ન મળવાના કારણે રાજીનામું આપી રહ્યો છું.’
સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટે તેમના આગામી પાંચ વર્ષના કાર્યકાળના લંબાણ માટે સર્વાનુમતે ભલામણ કરી હતી, પરંતુ બોર્ડની બેઠકમાં એક સભ્ય દ્વારા વિરોધ થવાને કારણે આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો.
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચેનો વિવાદ
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે બોર્ડમાં પ્રતિનિધિત્વ, જૂથની વ્યૂહનીતિ અને લઘુમતી શેરધારક શાપૂરજી પાલનજીની એક્ઝિટ અંગે મતભેદો છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા દ્વારા ચંદ્રશેખરનની પુનઃ નિયુક્તિના પ્રસ્તાવનો વિરોધ કર્યા બાદ આ તણાવ વધુ તીવ્ર બન્યો હતો.









