ટેરિફની અસર:સપ્ટેમ્બરમાં વેપાર પ્રવૃત્તિ ધીમી

મુંબઈ : ભારતના માલસામાન તથા સેવા પર અમેરિકા દ્વારા ૫૦ ટકા ટેરિફ લાગુ કરાયા બાદ તેની સંપૂર્ણ હેઠળના પ્રથમ મહિનામાં દેશની એકંદર વેપાર પ્રવૃત્તિ ઓગસ્ટની સરખામણીએ મંદ પડી હોવાનું પ્રાથમિક અંદાજો પરથી જણાય છે.
દેશનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓગસ્ટમાં ૬૩.૨૦ રહ્યો હતો તે સપ્ટેમ્બરમાં પ્રાથમિક અંદાજ મુજબ ૬૧.૯૦ જોવાઈ રહ્યો છે.
માગ નબળી રહેતા ઉદ્યોગોને નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે અને રોજગાર નિર્માણમાં ઝડપ લાવવામાં નિષ્ફળતા મળી છે, એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલ એચએસબીસી પીએમઆઈ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે પ્રાથમિક અંદાજમાં સંયુકત પીએમઆઈ છેલ્લા બે વર્ષનો બીજો મોટો જોવા મળી રહ્યો છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રન વિસ્તરણ કહેવામાં આવે છે.
ઓગસ્ટની સરખામણીએ વર્તમાન સપ્ટેમ્બરમાં ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રની પ્રવૃત્તિ ગયા મહિનાની સરખામણીએ મંદ પડી છે. ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે ઓગસ્ટમાં ૫૯.૩૦ હતો તે પ્રાથમિક અંદાજમાં સહેજ ઘટી ૫૮.૫૦ રહ્યો છે, જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૬૨.૯૦ પરથી ઘટી ૬૧.૬૦ જોવા મળી રહ્યો છે.
નવા વેપારમાં વધારો થયો છે, પરંતુ તેની ગતિ ધીમી પડી છે. તીવ્ર સ્પર્ધાને કારણે કંપનીઓને નવા ઓર્ડર મળવામાં મુશકેલ બની ગયું છે.
નિકાસ માગ પણ નબળી જોવા મળી રહી છે અને નિકાસ ઓર્ડરોમાં વૃદ્ધિ છ મહિનાની નીચી સપાટીએ રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા ક્ષેત્રના ઓર્ડરોને મોટો ફટકો પડયો છે.
રોજગાર નિર્માણની માત્રા પણ જોરદાર ધીમી પડી છે. ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારમાં ૩ ટકા જ્યારે સેવા ક્ષેત્રમાં પાંચ ટકા વધારો થયો છે. કંપનીઓ પર કર્મચારીબળ વધારવા સામે દબાણ આવી રહ્યું છે.
ફુગાવાજન્ય દબાણ મિશ્ર રહ્યું છે. કાચા માલની કિંમતમાં એકંદર વધારો ધીમો પડયો છે પરંતુ ઉત્પાદન ક્ષેત્રએ વેચાણ કિંમતમાં છેલ્લા ૧૩ વર્ષનો સૌથી મોટો વધારો કર્યો છે. કપાસ તથા સ્ટીલના ભાવ વધી જતા વેચાણ કિંમત વધારવી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે સેવા ક્ષેત્રમાં ફુગાવો ધીમો પડતા ઉત્પાદન ક્ષેત્રની અસર ભરપાઈ થઈ શકી છે.
ભાવિ બિઝનેસ આશાવાદ સાત મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. માગમાં મજબૂતાઈ આવવાની અને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાથી માગને ટેકો મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.








