થાપણ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેતા બેન્કોને બિઝનેસ પ્લાન્સ બદલવા સૂચન

મુંબઈ : ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચે વધી રહેલા અંતર પ્રત્યે ચિંતા વ્યકત કરી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દેશની બેન્કોને તેમની વેપાર પદ્ધતિમાં બદલાવ લાવવા સૂચન કર્યું છે. બેન્કિગ વ્યવસ્થામાં થાપણ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે.
૧૭મી મેના સમાપ્ત થયેલા પખવાડિયાના આંક પ્રમાણે, ધિરાણમાં ૧૯.૫૦ ટકા વૃદ્ધિ જ્યારે થાપણમાં ૧૩.૩૦ ટકા વૃદ્ધિ રહી હતી. થાપણોમાં વધારો કરવા છેલ્લા એક વર્ષથી બેન્કો પ્રયત્નશીલ હોવા છતાં થાપણમાં અપેક્ષિત વધારો જોવા મળતો નથી.
થાપણની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેતા બેન્કોએ લિક્વિડિટીની સમશ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી બેન્ક બોર્ડસે તેમના વેપાર પ્લાન્સમાં ફેરબદલ કરવા વિચારવું જોઈએ એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ં જણાવ્યું હતું. થાપણથી ધિરાણનું પ્રમાણ હાલમાં ૮૦ ટકા સાથે એક દાયકાની ઊંચી સપાટીએ રહ્યા કરે છે.
જે બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણની સરખામણીએ થાપણમાં વૃદ્ધિ થતી નહીં હોવાનું સૂચવે છે.અનસિકયોર્ડ રિટેલ લોન્સ તથા એનબીએફસી દ્વારા ભંડોળ માટે બેન્કો પર વધુ પડતી નિર્ભરતા પર રિઝર્વ બેન્ક દ્વારા લવાયેલા અંકૂશોના થોડાઘણાં પરિણામો જોવા મળી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.




