Business

અનસિકયોર્ડ રિટેલ લોન પરની તાણ 2025માં બેન્કો માટે પડકારરૂપ બનશે

By GS Team
30 Jan 20252 mins read
This article was originally published on 30 Jan 2025
અનસિકયોર્ડ  રિટેલ લોન પરની તાણ 2025માં બેન્કો માટે પડકારરૂપ બનશે

મુંબઈ : અનસિકયોર્ડ રિટેલ લોન પોર્ટફોલિઓમાં વધી રહેલી તાણ દેશની બેન્કોની એસેટ કવોલિટી સામે ૨૦૨૫માં પડકારરૂપ બની શકે છે એમ ફીચ રેટિંગ્સ દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. 

બેન્કિંગ ક્ષેત્રમાં નબળી લોનના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતા, નવી બેડ લોન્સમાં નોધપાત્ર વધારો થવાની શકયતા રહેલી છે.

વર્તમાન નાણાં વર્ષના અંતે દેશની બેન્કોની નબળી લોનનું પ્રમાણ ઘટી ૨.૪૦ ટકા રહેવાની શકયતા હોવા છતાં, નાણાં વર્ષ ૨૦૨૬માં તેમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો તોળાઈ રહ્યો છે. અનસિકયોર્ડ રિટેલ ધિરાણમાં ડીફોલ્ટના વધી રહેલા પ્રમાણને કારણે બેડ લોન્સમાં વધારો જોવા મળશે. 

રિટેલ ધિરાણ ખાસ કરીને અનસિકયોર્ડ લોન્સમાં ઝડપી વધારાને કારણે મધ્યમ ગાળે જોખમો વધી ગયા હોવાનું ફીચ દ્વારા નોંધવામાં આવ્યું છે. 

નાણાં વર્ષ ૨૦૨૪ના અંતે સમાપ્ત થયેલા ત્રણ વર્ષમાં અનસિકયોર્ડ પરસનલ લોન તથા ક્રેડિટ કાર્ડ બોરોઈંગમાં અનુક્રમે ૨૨ ટકા અને ૨૫ ટકા ચક્રવૃદ્ધિ જોવા મળી છે. જો કે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં આ દર ધીમો પડી ૧૧ ટકા અને ૧૮ ટકા રહ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલા ચોક્કસ પગલાંને કારણે આ ઘટાડો જોવાયો છે.

જૂન ૨૦૨૪ના અંતે ભારતમાં પારિવારિક દેવાનું પ્રમાણ જીડીપીના ૪૨.૯૦ ટકા જેટલું હોવા છતાં, નાણાં વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં નવી રિટેલ બેડ લોન્સમાં અનસિકયોર્ડ લોનની માત્રા ૫૨ ટકા રહી હતી. 

અનસિકયોર્ડ લોનના અંદાજે પચાસ ટકાએ હાઉસિંક અથવા વાહન જેવી સિકયોર્ડ લોન પણ પ્રાપ્ત કરી છે ત્યારે ડિફોલ્ટના કિસ્સામાં આ લોન પર પણ અસર પડી શકે છે, એવી પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે.