Business

શેરોમાં ધબડકો બોલાયો : સેન્સેક્સ ૩૬૪ પોઈન્ટ તૂટીને ૭૬૩૯૧

By GS Team
24 Jul 20263 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં FPIની રૂ. 819 કરોડની વેચવાલી અને ઈરાન-યુએસ યુદ્ધના કારણે ક્રૂડના ભાવ 99 ડોલરે પહોંચતા સેન્સેક્સ 363 પોઈન્ટ અને નિફ્ટી 127 પોઈન્ટ ઘટ્યા હતા. પરિણામે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.32 લાખ કરોડનું ધોવાણ થયું હતું. બેન્કિંગ અને મેટલ શેરોમાં પણ ગાબડાં પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરોમાં ધબડકો બોલાયો : સેન્સેક્સ ૩૬૪ પોઈન્ટ તૂટીને ૭૬૩૯૧

ક્રૂડમાં ભડકો : ભારત સહિત આયાત નિર્ભર દેશોની હાલત કફોડી બનશે : નિફટી ૧૨૭ પોઈન્ટ ઘટીને ૨૩૮૭૦
FPIની રૂ.૮૧૯ કરોડની વેચવાલી : સ્મોલ, મિડ કેપમાં વેચવાલી : રોકાણકારોની સંપત્તિમાં રૂ.૩.૩૨ લાખ કરોડનું ધોવાણ
મુંબઈ : અમેરિકાએ ઈરાન પર અત્યંત ઘાતક હુમલા કરીને ફરી હોર્મુઝ માર્ગે વેપાર ઠપ્પ કર્યા સાથે હવે ઈરાન સમર્થિત હુથ્થીઓએ રાતા સમુદ્ર માર્ગે પણ જહાજોનું વહન અટકાવી વિશ્વ વેપારને થંભાવી દેવાના આપેલા સંકેતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં સતત ભડકો થઈ ભાવ વધુ પાંચ ટકા જેેટલા વધીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૯૯ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૯૧ ડોલર પહોંચી જતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. ક્રુડ ઓઈલના ભાવ તીવ્ર ઝડપે વધી રહ્યા હોઈ આગામી દિવસોમાં આયાત પર નિર્ભર દેશોની હાલત કફોડી બનવાના સ્પષ્ટ એંધાણે આજે ફંડોએ શેરોમાં સેલ, સેલ કરી મૂક્યું હતું. આ સાથે દેશમાં ચોમાસાની સારી પ્રગતિ બાદ અલ-નીનોની અસર અને દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિનો ખતરો ઊભો થતાં ફંડો, ઈન્વેસ્ટરો સાવચેતીમાં હળવા થયા હતા. વિશ્વ વિખ્યાત ભવિષ્યવેતાએ વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ પડી ભાંગવાની કરેલી આગાહીની પણ વૈશ્વિક બજારો પર અસર જોવાઈ હતી. સેન્સેક્સ ૩૬૩.૬૬ પોઈન્ટ ઘટીને ૭૬૩૯૧.૩૯ અને નિફટી ૫૦ સ્પોટ ૧૨૬.૬૫ પોઈન્ટ તૂટીને ૨૩૮૬૯.૬૦ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૬૩૦ તૂટયો
બેેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની અવિરત ધૂમ વેચવાલી થતાં નવા ગાબડાં પડયા હતા. એક્સિસ બેંક રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૧૨૨૨.૯૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૨૦ ઘટીને રૂ.૧૬૮.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૧૦૧૨.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૪૩ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૩૦.૪૪ પોઈન્ટ તૂટીને ૬૪૧૮૧.૪૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ઈન્ડેક્સ ૬૬૩ ગબડયો
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી વધતી જોવાઈ હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧૬.૯૫ તૂટીને રૂ.૧૩,૪૦૮.૬૫, કેઈઆઈ રૂ.૭૮.૭૫ ઘટીને રૂ.૪૮૯૫.૮૫, ભેલ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૪૦૯.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૬૨.૭૨ પોઈન્ટ ગબડીને ૭૭૭૩૭.૬૧ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરો તૂટયા
ઈરાન યુદ્વને લઈ ક્રુડ ઓઈલના ભાવ સતત વધતા રહી આજે વધુ પાંચ ટકા વધીને ૧૦૦ ડોલર નજીક પહોંચી જતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં સતત વેચવાલી રહી હતી. એચપીસીએલ રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૩૮૫.૨૦, બીપીસીએલ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૩૦૯.૯૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૩૯.૯૫ રહ્યો હતો.
મેટલ શેરો ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ પાછલા દિવસોમાં કરેલો તેજીનો વેેપાર સંકલવા માંડતા આજે શેરોમાં નવા ગાબડાં પડયા હતા. ટાટા સ્ટીલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૮૪.૨૫, સેઈલ રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૬૦.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૪.૪૦ ઘટીને રૂ.૫૩૧.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૮૯.૦૨ પોઈન્ટ તૂટીને ૪૦૦૮૬.૬૭ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરો વધુ તૂટયા
રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ મંદીના ભયે આજે રિયાલ્ટી શેરોમાં વધુ વેેચવાલી થઈ હતી. પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૯.૨૫ ઘટીને રૂ.૧૬૨૨.૯૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૮.૪૦ ઘટીને રૂ.૨૦૪૨.૨૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૨૫.૪૫ પોઈન્ટ ઘટીને ૬૯૨૦.૧૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વેચવાલી
અમેરિકા દ્વારા જીનેરિક દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાના સ્ફોટક નિવદને હેલ્થકેર-ફાર્મા શેરોમાં સાવચેતીમાં ફંડો, મહારથીઓ સતત વેચવાલ રહ્યા હતા. વિમતા લેબ્સ રૂ.૨૦.૭૦ ઘટીને રૂ.૫૬૩.૨૦, આરપીજી લાઈફ રૂ.૧૦૩.૧૫ ઘટીને રૂ.૨૯૦૨.૩૫, પેનેશિયા બાયો રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૪૪૬.૮૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૬૪.૪૭ પોઈન્ટ ઘટીને ૪૯૫૫૬.૭૬ બંધ રહ્યો હતો.
DIIની રૂ.૨૯૪૭ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૨૯૯૯.૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૨૯૪૭.૧૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
રોકાણકારોની સંપત્તિનું ધોવાણ
શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સતત નરમાઈ સાથે ફંડોની બેંકિંગ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર શેરોમાં વેચવાલી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેેચવાલી વધતાં રોકાણકારોની એક્ત્રિત સંપત્તિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૩૨લાખ કરોડ ધોવાઈને રૂ.૪૭૬.૭૩ લાખ કરોડ રહી ગયું હતું.