Get The App

IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો

- રોકાણકારોની સંપતિમાં રૂ.૪.૯૦ લાખ કરોડનું ધોવાણ : FPIs/FIIની કેશમાં રૂ.૮૮૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી

- જે.પી. મોર્ગને નિફટી ટાર્ગેટ ઘટાડતાં શેરોમાં કડાકો સપ્તાહના અંતે પોઝિશન ખંખેરી હળવા થતાં ફંડો :ફાર્મા, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો 1 - image

સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ ગબડીને ૭૬૬૬૪ : નિફટી ૨૭૫ પોઈન્ટ ખાબકી ૨૩૮૯૮

મુંબઈ : વિશ્વ એક તરફ ઈરાન-અમેરિકા યુદ્વના જીઓપોલિટીકલ ટેન્શનમાંથી બહાર આવવા મથી રહ્યું છે, ત્યારે અમેરિકાએ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે ત્રણ અઠવાડિયા માટે સીઝફાયર-યુદ્વ વિરામ લંબાવવા સમજૂતી કરાવ્યા સામે બીજી તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી ભારત સાથે વિશ્વનો આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ પડી ભાંગવાના એંધાણે આઈટી કંપનીઓના બિઝનેસ વૃદ્વિના અંદાજો નબળા રજૂ થવા લાગતાં આજે આઈટી શેરો પાછળ બજારમાં કડાકો બોલાઈ ગયો હતો. ક્રુડ ઓઈલના ભાવ પણ મજબૂત રહેતાં અને સપ્લાય અનિશ્ચિતતાને લઈ ફંડો, મહારથીઓએ આજે સપ્તાહના અંતે ઈન્ડેક્સ બેઝડ શેરોમાં ઓલ રાઉન્ડ ધબડકો બોલાવી દીધો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ  એક તરફ સીઝફાયર અને બીજી બાજુ ઈરાનને ઘેરીને ઓઈલ ઉત્પાદન, વેચાણ થકી થતી આવક અટકાવી દઈ આર્થિક રીતે પાયમાલ કરવાના વ્યુહ સાથે પાકિસ્તાન દ્વારા બન્ને પક્ષો વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા સપ્તાહના અંતમાં યોજવાના વિશ્વાસને લઈ અસમંજસની પરિસ્થિતિએ ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ વેપારમાં રાતવાસો નહીં કરવાનું મુનાસીબ સમજી તેજીના ઊભા ઓળિયા ખંખેર્યા હતા. જે.પી. મોર્ગન દ્વારા પણ ભારતીય શેરોને ડાઉનગ્રેડ કરીને નિફટી માટે ટાર્ગેટમાં ૧૦ ટકા ઘટાડો કર્યાની નેગેટીવ અસર બજાર પર જોવાઈ હતી. આઈટી શેરો સાથે હેલ્થકેર, ઓટો, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ઓઈલ-ગેસ, એફએમસીજી શેરોમાં પણ વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૯૯૯.૭૯ પોઈન્ટ તૂટીને ૭૬૬૬૪.૨૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૭૫.૧૦ પોઈન્ટ ગબડીને ૨૩૮૯૭.૯૫ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૧૪૯૬ પોઈન્ટ તૂટયો

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઉદ્યોગના એઆઈના કારણે સંકટના એંધાણે ફંડોએ મોટું હેમરિંગ કરતાં કડાકો બોલાઈ ગયો હતો. ઈન્ફોસીસના ગઈકાલે ત્રિમાસિક પરિણામ સાથે એકંદર ગાઈડન્સ નબળું રહેતાં શેર રૂ.૮૮.૧૫ તૂટીને રૂ.૧૧૫૪.૪૫ રહ્યો હતો. સિએન્ટ રૂ.૬૩.૬૫ તૂટીને રૂ.૮૭૨.૨૫, ટીસીએસ રૂ.૧૨૫.૨૫ તૂટીને રૂ.૨૩૯૭.૩૦, ટેક મહિન્દ્રા રૂ.૬૦.૩૫ ઘટીને રૂ.૧૩૬૦.૦૫, મેપમાય ઈન્ડિયા રૂ.૨૬.૧૦ ઘટીને રૂ.૯૨૨.૨૫, ક્વિક હિલ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૬૨.૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૯૫.૭૩ પોઈન્ટ તૂટીને ૨૭૬૪૮.૭૪ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં તેજી અટકી

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ગઈકાલે મોટી તેજી થયા બાદ આજે ફંડો, મહારથીઓએ સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ કરી હળવા થવાનું પસંદ કર્યું હતું. ગ્લેન્ડ રૂ.૮૩.૭૫ ઘટીને રૂ.૧૭૧૪.૨૫, અકુમ્સ રૂ.૨૪.૮૫ તૂટીને રૂ.૫૧૪.૩૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૫૩૯.૨૫ તૂટીને રૂ.૧૪,૪૦૮.૯૫, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯.૯૦ ઘટીને રૂ.૧૬૧૯.૯૫, કોપરાન રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૫૫.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૯૭.૫૨ પોઈન્ટ તૂટીને ૪૩૬૧૬.૯૨ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સતત ધોવાણ

ક્રુડ ઓઈલના મજબૂત ભાવ અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારાને લઈ ચિંતાએ ઓટોમોબાઈલ ઉદ્યોગનું સંકટ વધવાની ધારણાએ ફંડોએ ઓટો શેરોમાં સતત વેચવાલી કરી હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૫૯.૮૦ તૂટીને રૂ.૧૭૮૪.૫૫, ઉનો મિન્ડા રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૧૧૦૭.૯૫, બોશ રૂ.૭૫૪.૯૦ ઘટીને રૂ.૩૬,૬૮૦.૯૫, એમઆરએફ રૂ.૨૫૧૯.૯૦ તૂટીને રૂ.૧,૩૨,૧૩૩, અપોલો ટાયર રૂ.૭.૭૫ ઘટીને રૂ.૪૨૪.૫૫, હીરો મોટોકોર્પ રૂ. ૬૯.૬૦ ઘટીને રૂ.૪૯૬૩.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૪૪.૧૨ પોઈન્ટ ઘટીને ૫૬૬૮૧.૬૮ બંધ રહ્યો હતો.

પાવર શેરોમાં ફંડો હળવા થયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પાછલા દિવસોમાં તેજી કર્યા બાદ આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. હોનટ રૂ.૧૩૨૫.૫૦ તૂટીને રૂ.૩૧,૩૩૩.૮૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૪૩.૨૦ ઘટીને રૂ.૭૩૨૭, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૮૭.૮૫ ઘટીને રૂ.૧૧,૫૪૧.૩૦, જયોતી સીએનસી રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૭૩૬.૭૫, ટીમકેન રૂ.૮૩.૮૫ ઘટીને રૂ.૩૫૧૯, સિમેન્સ રૂ.૫૯.૪૦ ઘટીને રૂ.૩૮૦૭ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૫૯.૨૭ પોઈન્ટ ઘટીને ૭૭૦૮૯.૦૬ બંધ  રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં વેચવાલી

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ સતત વેચવાલી કરી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૪૦૫.૧૫,  હવેલ્સ રૂ.૨૧.૨૦ ઘટીને રૂ.૧૨૩૮.૫૦, બર્જર પેઈન્ટ રૂ.૭.૬૫ ઘટીને રૂ.૪૬૦.૭૫, એશીયન પેઈન્ટ રૂ.૩૮.૧૫ ઘટીને રૂ.૨૪૮૪.૩૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૩૦ ઘટીને રૂ.૨૫૦.૧૫, ટાઈટન રૂ.૪૯.૯૫ ઘટીને રૂ.૪૪૦૮.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૧૦.૬૨ પોઈન્ટ ઘટીને ૫૯૦૮૩ બંધ રહ્યો હતો.

DIIની રૂ.૪૭૦૦ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૮૨૭.૮૭  કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૯૮૩૭.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૬૬૫.૦૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૪૭૦૦.૭૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૧,૫૬૦.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૮૫૯.૪૫ કરોડની વેચવાલી કરી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૪.૯૦ લાખ કરોડ ઘટી

સેન્સેક્સ, નિફટીમાં કડાકાની હેટ્રિક સાથે આજે સ્મોલ, મિડ કેપ,એ ગુ્રપના શેરોમાં મોટું ધોવાણ થતાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૯૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૧.૪૯ લાખ કરોડ રહી ગયું હતું.

આઈટી શેરોમાં રોકાણકારોની સંપતિમાં એક દિવસમાં રૂ.૧,૩૩,૮૦૫ કરોડનું જંગી ધોવાણ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે વ્યાપક કડાકો બોલાઈ જતાં શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે આઈટી શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨૯,૦૫,૪૧૭ કરોડથી રૂ.૧,૩૩,૮૦૫ કરોડ ધોવાઈ જઈ રૂ.૨૭,૭૧,૬૧૨ કરોડ રહી ગયું હતું.

મોટી મંદીના એંધાણ ઃ કડાકાની હેટ્રિક : સ્મોલ, મિડ કેપમાં વધુ ધોવાણ : ૩૦૦૦ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત ત્રીજા દિવસે કડાકા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓએ મોટું ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ વધુ નેગેટીવ  બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૮૧થી ઘટીને ૧૨૪૧ અને ઘટનારની સંખ્યા ૨૬૦૨થી વધીને ૩૦૦૦  રહી હતી.