Business

રેટિંગ એજન્સીઓ દ્વારા અર્થતંત્ર અંગે પોઝિટિવ સૂર છતાં શેરબજાર અઢી મહિનાના તળિયે

By GS Team
25 Sep 20264 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં ગુરુવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.65 લાખ કરોડનો ઘટાડો થયો. સેન્સેક્સ 1247 પોઈન્ટ અને નિફ્ટી 383 પોઈન્ટ તૂટ્યો. ક્રૂડના વધતા ભાવ, અમેરિકી યીલ્ડની ઊંચી સપાટી, પ્રોફિટ બુકિંગ અને રૂપિયાની નબળાઈ જેવા કારણોસર બજારમાં મોટું ધોવાણ થયું. વીમા અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

રેટિંગ એજન્સીઓ દ્વારા અર્થતંત્ર અંગે પોઝિટિવ સૂર છતાં  શેરબજાર અઢી મહિનાના તળિયે

સેન્સેકસમાં ૧૨૪૭ જ્યારે નિફટીમાં ૩૮૩ પોઈન્ટનું ગાબડું રોકાણકારોની સંપતિમાં રૂ. ૨.૬૫ લાખ કરોડનો ઘટાડો
મુંબઈ : વિવિધ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય અર્થતંત્ર અંગે પોઝિટિવ સૂર દર્શાવ્યો હોવા છતાં દેશના શેરબજારે ગુરુવારે અઢી મહિનાની નબળી કામગીરી દર્શાવી હતી. ક્રુડ તેલના ભાવમાં ફરી ઉછાળો, અમેરિકાના બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડની ૨૦૦૭ પછીની ઊંચી સપાટી, પ્રોફિટ બુકિંગ તથા રૂપિયામાં નબળાઈ જેવા કારણોસર ભારતીય ઈક્વિટીસમાં ગુરુવારે જોરદાર ધોવાણ થયું હતું. નાણાંકીય ક્ષેત્રની આગેવાની હેઠળ બેન્ચમાર્ક સેન્સેકસ નીચામાં ૭૩૫૬૩.૯૨ અને ઉપરમાં ૭૪૩૬૨.૨૯ વચ્ચે અથડાઈ છેવટે ૧૨૪૭.૭૧ પોઈન્ટ તૂટી ૭૩૫૮૦.૫૪ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૩૨૮૧.૯૫ અને નીચામાં ૨૩૦૪૬ વચ્ચે રમી છેવટે ૩૮૩.૭૦ ગબડી ૨૩૦૬૩.૧૦ બંધ રહ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૨.૬૫ લાખ કરોડ ઘટી રૂપિયા ૪૮૦.૮૯ લાખ કરોડ રહી હતી. બીએસઈ ુપર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૩૬૨ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૩૦૧૩ શેરોના ભાવ ઘટયા હતા અને ૨૦૯ના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા. વિતરકો તથા વીમા કંપનીઓ માટે ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડાઈ)ના સખત ધોરણોની દરખાસ્તને પરિણાણે વીમા તથા નાણાંકીય ક્ષેત્રની કંપનીના સ્ટોકસમાં વ્યાપક ધોવાણ જોવા મળ્યું હતું. ક્રુડ તેલના ભાવ ફરી વધવા લાગતા ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરોમાં વેચવાલી આવી હતી. વિવિધ રેટિંગ એજન્સીઓ એસએન્ડપી, ફીચ, ઓઈસીડી તથા એડીબીએ બુધવારે ભારતના આર્થિક વિકાસ દર બાબતે પોઝિટિવ સૂર દર્શાવ્યો હતો. બહુચર્ચિત એનએસઈનો શેર તેના ઈશ્યુ ભાવથી એક ટકા કરતા પણ નીચા ભાવે લિસ્ટ થયો હતો. જો કે ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ ભાવ ઊંચકાઈને રૂપિયા ૩૩ના સુધારા સાથે ૧૮૧૮ બંધ આવ્યો હતો.
ઈરડાની દરખાસ્તને પરિણામે વીમા ક્ષેત્રની કંપનીઓના સ્ટોકસ દબાણ હેઠળ
વીમા કંપનીઓના વિતરકો તથા વીમા કંપનીઓ પોતાના વેપાર ચલાવવા માટે કેવી રીતે ખર્ચ કરી શકે અને વિતરકોને કમિશનની ચૂકવણી સંદર્ભના ધોરણો સખત બનાવવાની દરખાસ્તને પરિણામે વીમા કંપનીઓના શેરો દબાણ હેઠળ આવી ગયા હતા. એલઆઈસી રૂપિયા ૧.૫૦ ઘટી રૂપિયા ૪૦૬, એસબીઆઈ લાઈફ ઈન્સ્યૂરન્સ રૂપિયા ૫.૦૦ ઘટી રૂપિયા ૧૭૫૫.૦૦, એચડીએફસી લાઈફ રૂપિયા ૩૪.૬૦ ઘટી રૂપિયા ૫૨૬.૯૦, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિઅલ રૂપિયા ૪૬૪.૫૦ ઘટી રૂપિયા ૨૦.૦૦, જનરલ ઈન્સ્યૂરન્સ રૂપિયા ૪.૯૦ ઘટી રૂપિયા ૩૩૯.૨૫ બંધ રહ્યા હતા.
વ્યાજ દરની ચિંતા તથા ક્રુડ તેલના ભાવ ઊંચકાતા ઓટો શેરોમાં વેચવાલી
ફુગાવાને કાબૂમા રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વ્યાજ દરમાં વધારો કરશે તેવી ચિંતાએ તથા ક્રુડ તેલના ભાવ ફરી વધવા લાગતા ઓટો શેરોમાં વેચવાલી આવી હતી. અશોક લેલેન્ડ રૂપિયા ૫.૫૯ ઘટી રૂપિયા ૧૫૭.૩૦, ટીએમપીવી રૂપિયા ૫.૫૦ ઘટી રૂપિયા ૨૯૫.૦૦, હીરો મોટોકોર્પ રૂપિયા ૯૮.૦૦ ઘટી રૂપિયા ૫૨૯૬.૦૦, ટીવીએસ મોટર રૂપિયા ૪૪.૦૦ ઘટી રૂપિયા ૪૦૯૧.૦૦, મધરસન રૂપિયા ૧.૯૦ ઘટી રૂપિયા ૧૬૨.૫૦ બંધ રહ્યો હતો. તહેવારો દરમિયાન વ્યાજ દરમાં વધારાની સ્થિતિમાં વાહનો માટેની માગ પર અસર પડવાની શકયતા જોવાઈ રહી છે.
બીજા ત્રિમાસિક પરિણામોની મોસમ શરૂ થવા પહેલા આઈટી શેરોમાં આકર્ષણ ઘટયુ
ઓકટોબરથી શરૂ થનારી બીજા ત્રિમાસિક પરિણામોની મોસમ પહેલા ઈનફરમેશન અને ટેકનોલોજી (આઈટી) કંપનીઓની મેનેજમેન્ટ તરફથી જોવાતા સાવચેતીના સૂરને પરિણામે આઈટી શેરોમાં આકર્ષણ ઘટયુ હતુ અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. એચસીએલ ટેક રૂપિયા ૧૩.૧૦ ઘટી રૂપિયા ૧૨૪૩.૬૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૪.૦૦ ઘટી રૂપિયા ૧૫૪૩.૦૦, વિપ્રો રૂપિયા ૧.૨૬ ઘટી રૂપિયા ૧૬૩.૬૪, ઈન્ફોસિસ રૂપિયા ૬.૦૦ ઘટી રૂપિયા ૧૦૧૪.૫૦, ટીસીએસ રૂપિયા ૨.૬૦ ઘટી રૂપિયા ૨૦૮૭.૦૦ બંધ રહ્યો હતો. કોફોર્જ રૂપિયા ૩.૫૦ વધી રૂપિયા ૧૭૮૫.૯૦ જ્યારે પરસિસ્ટન્ટ રૂપિયા ૩૭.૦૦ વધી રૂપિયા ૫૨૭૭.૦૦ બંધ રહ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારમાં માગમાં મંદ રિકવરીના અહેવાલે એફએમસીજી શેરોમાં નબળાઈ
અલ નિનોને કારણે કૃષિ ક્ષેત્ર પર અસરને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં માગમાં મંદ રિકવરી તથા શહેરી ઉપભોગતા દ્વારા સસ્તી કિંમતના એફએમસીજી માલસામાન તરફ બદલાવને કારણે કંપનીઓના ટર્નઓવર પર અસર પડવાની ગણતરીએ એફએમસીજી શેરોમાં નબળાઈ જોવા મળી હતી. નેસ્લે રૂપિયા ૩૬.૨૦ ઘટી રૂપિયા ૧૩૫૧.૦૦, કોલગેટ રૂપિયા ૩૧.૯૦ ઘટી રૂપિયા ૧૮૫૪.૮૦, પતંજલિ ફૂડસ રૂપિયા ૪.૬૦ ઘટી રૂપિયા ૪૦૪.૮૫, વરુણ બિવરેજિસ રૂપિયા ૪.૯૦ ઘટી રૂપિયા ૪૩૧.૨૫, ટાટા કન્ઝયૂમર પ્રોડકટસ રૂપિયા ૮.૦૦ ઘટી રૂપિયા ૯૮૬.૩૦, આઈટીસી રૂપિયા ૨૧.૫૦ ઘટી રૂપિયા ૨૬૮.૦૦ બંધ રહ્યો હતો.
બેન્ક શેરોમાં ખાનાખરાબી:નિફટી બેન્ક ઈન્ડેકસ ૧૧૧૦ પોઈન્ટ ગબડયો
અમેરિકાના બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડની ૨૦૦૭ પછીની ઊંચી સપાટી તથા ઘરઆંગણે વીમાપ્રોડકટસ સાથે સંકળાયેલી બેન્કોની આવક પર અસર પડવાની ચિંતાએ બેન્ક શેરોમાં ધબડકો થયો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક રૂપિયા ૪.૧૪ ઘટી રૂપિયા ૮૩.૭૬, એક્સિઝ બેન્ક રૂપિયા ૫૬.૭૦ ઘટી રૂપિયા ૧૧૮૬.૫૦, ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૩૯.૮૦ ઘટી રૂપિયા ૯૧૯.૫૦, યસ બેન્ક રૂપિયા ૦.૮૦ ઘટી રૂપિયા ૨૨.૪૪, કોટક મહિન્દ્રા રૂપિયા ૮.૨૫ ઘટી રૂપિયા ૪૦૫.૦૦ બંધ રહ્યો હતો. વિતરકોને કમિશન બાબતે ઈરડાના સખત ધોરણની દરખાસ્તથી વીમા પ્રોડકટસ વેચતી બેન્કોની આવક પર અસર પડવાની ચિંતાએ બેન્ક શેરોમાં ધબડકો બોલાઈ ગયો હતો.
બહુચર્ચિત એનએસઈનું મંદ લિસ્ટિંગ બાદ સાધારણ સુધારા સાથે બંધ
બહુચર્ચિત એનએસઈ સ્ટોકસ ગુરુવારે બીએસઈ પર ઈશ્યુ ભાવથી એક ટકા કરતા પણ ઓછા પ્રીમિયમે લિસ્ટ થયો હતો. એનએસઈ ઉપરમાં ૧૮૭૮.૦૦ અને નીચામાં ૧૮૦૦.૦૦ થઈ છેવટે રૂપિયા ૧૮૧૮ બંધ આવ્યો હતો. કંપનીનો ઈશ્યુ ભાવ રૂપિયા ૧૭૮૫ નિશ્ચિત કરાયો હતો. લિસ્ટિંગ ભાવ રૂપિયા ૧૮૦૦ રહ્યો હતો. ંકંપનીની માર્કેટ કેપ રૂપિયા ૪.૪૯ લાખ કરોડ જોવા મળી છે અને માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની ટોચની દસ કંપનીઓમાં તેનો સમાવેશ થયો છે.
એફપીઆઈની રૂપિયા ૫૦૨૭ કરોડની નેટ વેચવાલી જ્યારે ડીઆઈઆઈની રૂ.૪૩૦૧ કરોડની નેટ ખરીદી
ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) ભારતીય ઈક્વિટીસમાં રૂપિયા ૧૮૧૩૮.૫૮ કરોડની વેચવાલી સામે રૂપિયા ૧૩૧૧૧.૨૨ કરોડની ખરીદી સાથે નેટ રૂપિયા ૫૦૨૭.૩૬ કરોડની વેચવાલી કરી હતી. બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ રૂપિયા ૧૮૧૯૬.૯૦ કરોડની ખરીદી સામે રૂપિયા ૧૩૮૯૫.૭૨ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૪૩૦૧.૧૮ કરોડની ખરીદી કરી હતી.