Business

ચોમાસા બાદ બાંધકામ ક્ષેત્રની માંગ વધવા સાથે સ્ટીલના ભાવમાં તોળાતો વધારો

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: કોકિંગ કોલના ભાવ વધતા સ્ટીલનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આગામી દિવસોમાં દેશમાં સ્ટીલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. ચોમાસુ સમાપ્ત થતા બાંધકામ અને ઓટો ક્ષેત્રની મજબૂત માંગને કારણે સ્ટીલના ભાવ પ્રતિ ટન 3000 રૂપિયા સુધી વધવાની ધારણા છે. આ ભાવવધારો સ્ટીલ મિલોને ફાયદો કરાવશે, પરંતુ અન્ય ઉદ્યોગો માટે ખર્ચ વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસા બાદ બાંધકામ ક્ષેત્રની માંગ વધવા સાથે સ્ટીલના ભાવમાં તોળાતો વધારો

કોકિંગ કોલના ભાવ વધતાં ઉત્પાદન ખર્ચ પણ ઊંચો
મુંબઈ : ચોમાસુ સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે માળખાકીય અને બાંધકામ ક્ષેત્ર તરફથી માગમાં સૂચિત વધારા ઉપરાંત ઓટો ક્ષેત્રની મજબૂત માગને પરિણામે આવનારા દિવસોમાં દેશમાં સ્ટીલના ભાવમાં વધુ વધારો થવાની શકયતા છે. કોકિંગ કોલના ભાવ વધી જતા સ્ટીલના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે તેને કારણે પણ ભાવમાં વધારો તોળાઈ રહ્યો હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
ભાવ વધારાથી સ્ટીલ મિલોને માર્જિન પરનું દબાણ હળવુ કરવામાં મદદ મળશે. જો કે સ્ટીલના ભાવ વધારાથી માળખાકીય, બાંધકામ તથા ઓટો ક્ષેત્રની કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની ચિંતા રહેલી છે. ચીન બાદ ભારત ક્રુડ સ્ટીલનું બીજુ મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે. ચોમાસામાં માગ મંદ રહેતા સ્ટીલ ઉત્પાદકોએ જૂન તથા જુલાઈની વચ્ચે હોટ રોલ્ડ કોઈલ (એચઆરસી)ના ભાવમાં સાધારણ ઘટાડો કર્યો હતો. પરંતુ ત્યારબાદ ભાવમાં ટન દીઠ ૪૦૦૦ રૂપિયાનો વધારો આવી પડયો છે અને આવનારા સપ્તાહોમાં તેમાં વધુ ૩૦૦૦ રૂપિયા સુધીનો વધારો જોવા મળવાની અપેક્ષા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
કોકિંગ કોલ સ્ટીલ ઉત્પાદનમાં એક મુખ્ય કાચો માલ છે અને ઉત્પાદન ખર્ચમાં તેનો હિસ્સો નોંધપાત્ર રહે છે.
જો કે ચીન ખાતેથી સસ્તા સ્ટીલની આયાતને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્ટીલ ઉત્પાદકો ભાવમાં વધારો મર્યાદિત કરશે તેવો પણ બજારમાં મત પ્રવર્તી રહ્યો છે.
વર્તમાન વર્ષના એપ્રિલથી જુલાઈના ગાળામાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત ૩૬ ટકા વધી હોવાનું સરકારી ડેટામાં તાજેતરમાં જણાવાયું હતું. ભારતની સ્ટીલ આયાતમાં ચીનનો હિસ્સો ૩૦ ટકા જેટલો રહ્યો હતો.
સળિયા તથા એચઆરસીના ભાવમાં મજબૂતાઈ ભાવનું વાતાવરણ અગાઉની અપેક્ષા કરતા વધુ સાનુકૂળ હોવાનું સૂચવે છે, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયુ હતું.
સળિયાના ભાવમાં નોંધપાત્ર રિકવરી અને એચઆરસી ભાવમાં સ્થિતિસ્થાપકતા સાથે આઉટલુક વધુ રચનાત્મક બન્યુ છે. આયર્ન ઓરના ઊંચા ભાવ તથા કોકિંગ કોલના ખર્ચ સદર ઉદ્યોગમાં ભાવ શિસ્તતાને ટેકો આપી રહ્યા છે.