Business

નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો

By GS TEAM
6 Dec 20252 mins read
નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો

નવી દિલ્હી : નવેમ્બરમાં ભારતની વીજળીની માંગ ૦.૩% ઘટીને ૧૨૩ અબજ યુનિટ (બીયુ) થઈ છે, જે એક વર્ષ પહેલા નીચા તાપમાનને કારણે ૧૨૪ અબજ યુનિટ હતી. ક્રિસિલ ઇન્ટેલિજન્સ અનુસાર, ઓક્ટોબરમાં લગભગ ૬% માસિક ઘટાડા પછી આ ચિત્ર જોવા મળ્યું છે.

દેશની વીજળીની માંગ એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં વાર્ષિક ધોરણે આશરે ૦.૧% ઘટી હોવાનો અંદાજ છે. જોકે, ભારતે નવેમ્બર ૨૦૨૫માં ૨૧૬ ગીગાવોટની ટોચની વીજળી માંગ નોંધાવી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૧૬ પછી સૌથી વધુ છે. 

હાજર બજારમાં વીજળીના ભાવમાં પણ નવેમ્બરમાં ઘટાડો થયો હતો. હાઈડ્રો, પવન અને સૌર ઉત્પાદનમાં વધારો થવાને કારણે એક્સચેન્જ પ્લેટફોર્મ પર સપ્લાય લિક્વિડિટીમાં વધારો થયો હતો, જેના કારણે ડે અફ્રેન્ડ માર્કેટ અને રીઅલ ટાઇમ માર્કેટ ભાવમાં ઘટાડો થયો હતો.

રીઅલ ટાઇમ માર્કેટમાં, નવેમ્બરમાં સરેરાશ માર્કેટ ક્લિયરિંગ પ્રાઈસ વાર્ષિક ધોરણે ૯% ઘટીને રૂ. ૩.૧૩/યુનિટ થઈ છે, જે ઓછી વીજળીની જરૂરિયાતો વચ્ચે પૂરતી ઉપલબ્ધતા દર્શાવે છે. ડે અફ્રેન્ડ માર્કેટ માટે માર્કેટ ક્લિયરિંગ પ્રાઈસ પણ વાષક ધોરણે આશરે ૭% ઘટીને રૂ. ૩/યુનિટ થઈ ગઈ હતી. આ કિંમતોએ વિતરણ કંપનીઓ અને વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને સ્પર્ધાત્મક ભાવે માંગ પૂરી કરવા અને એક્સચેન્જ દ્વારા ખરીદી કરીને મોંઘી વીજળીને બદલવા સક્ષમ બનાવ્યા છે.

વીજળીની માંગને ધ્યાનમાં રાખીને, નવેમ્બરમાં વીજળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૦.૫% વધીને ૧૩૪ અબજ યુનિટ થયું હતું. રિન્યુએબલ એનર્જી આધારિત ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૭% વધ્યું હોવાનો અંદાજ છે, જે આ નાણાકીય વર્ષમાં આઠમી વખત વધ્યું છે. ક્રિસિલે નોંધ્યું છે કે આ ઉત્પાદન વૃદ્ધિ ક્ષમતા વધારાને આભારી છે, જેમાં હાઇડ્રો પાવરમાં નવેમ્બરમાં વાર્ષિક ધોરણે ૨૭.૬%નો વિકાસ દર નોંધવામાં આવ્યો છે, જે સામાન્યથી ઉપર અને વિસ્તૃત દક્ષિણપશ્ચિમ ચોમાસાને કારણે છે.