Business

ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો: કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

By GS TEAM
2 Nov 20252 mins read
ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો:  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટતા જોવા મળ્યા હતા જ્યારે સોનાના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા.

 વિશ્વબજારમાં ચાંદીના ભાવ ફરી ઘટાડા પર રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૦૦૦ ડોલર ઉપરના મથાળે સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૦૦૦ તૂટી રૂ.૧૫૦૦૦૦ રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ શુક્રવારે રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા તે આજે ફરી રૂ.૨૦૦૦ તૂટી ગયા હતા.

અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૨૪૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૪૫૦૦ના મથાળે જોકે જળવાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૪૮.૬૯ ડોલર છેલ્લે રહ્યાના સમાચાર મળ્યા હતા. જોકે વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૦૦૨થી ૪૦૦૩ ડોલર આસપાસ જળવાઈ રહ્યા હતા. 

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૦૨૮૬ વાળા રૂ.૧૨૦૪૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૦૭૭૦ વાળા રૂ.૧૨૦૯૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી  વગર રૂ.૧૪૯૧૨૫ વાળા ઘટી રૂ.૧૪૮૫૦૦ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૬૪.૭૭ ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ ૬૦.૯૮ ડોલર રહ્યા હતા. 

આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૭૯ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં સરકારે સોના પર ટેક્સ મુક્તિ પાછી ખેંચી લીધી છે તથા ત્યાં હવે નવેમ્બરથી સોના પર ૧૩ ટકા ટેક્સ લાગુ કરવામાં આવતાં વિશ્વબજારમાં ખેલાડીઓમાં આજે અજંપો દેખાયો હતો.

ભારતમાં સરકારે આયાત થતા સોના- ચાંદીની ટેરીફ વેલ્યુ ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં નવેમ્બર માટે ઘટાડો કર્યા છે. આવી ટેરીફ વેલ્યુ સોનામાં ૧૦ ગ્રામથી ડોલરના સંદર્ભમાં ૧૩૨૭થી ઘટી ૧૨૮૫ ડોલર થઈ છે જ્યારે ચાંદીમાં  ૧૬૬૩થી ઘટી ૧૫૫૬ ડોલર થઇ છે.