બજાર અસ્થિર છતાં STT કલેક્શનમાં થયેલો 75 ટકાનો નોંધપાત્ર વધારો

અમદાવાદ : શેરબજારમાં ભારે અસ્થિરતા હોવા છતાં ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) કલેક્શન ૭૫ ટકાથી વધુ વધીને રૂ. ૪૪,૫૩૮ કરોડ થયું છે. ૨૦૨૪ના સમાન સમયગાળામાં એસટીટીકલેક્શન રૂ. ૨૫,૪૧૫ કરોડ હતું.
એસટીટીમાં વધારાનું કારણ સિક્યોરિટીઝ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) પર એસટીટીમાં વધારો છે. વાયદા બજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે એસટીટીમાં વધારો કરવામાં આવ્યો હતો.
સિક્યોરિટીઝ અને ફ્યુચર્સ-ઓપ્શન્સ પર એસટીટી અનુક્રમે ૦.૦૨ ટકા અને ૦.૧ ટકા કરવામાં આવ્યો છે. ઇક્વિટી શેરમાં ડિલિવરી ટ્રેડ પર એસટીટી દર ૦.૧ ટકા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ રજૂ કરેલા બજેટમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી એફ એન્ડ ઓ પર એસટીટી બમણું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના રૂ. ૩૭,૦૦૦ કરોડના બજેટ અંદાજ કરતાં પણ એસટીટી વધી ગયું છે.
જુલાઈ મહિનાથી એસટીટીકલેક્શનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે અને જ્યારે શેરબજારમાં તીવ્ર તેજી અને પછી જુલાઈ અને ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે મોટું કરેક્શન જોવા મળ્યું હતુ તે સમયે પણ આ વૃદ્ધિ ચાલુ રહી હતી.
ઉદાહરણ તરીકે, ૧૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ એસટીટી રૂ. ૧૬,૬૩૪ કરોડ હતુ, જે ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ વધીને રૂ. ૩૦,૬૩૦ કરોડ, ૧૦ નવેમ્બરના રોજ રૂ. ૩૫,૯૨૩ કરોડ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રૂ. ૪૦,૧૧૪ કરોડ થયો છે.
૨૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ બીએસઈ સેન્સેક્સ ૮૦,૪૨૯ પર હતો, જે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ૮૫,૯૭૮ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો અને ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૭૬,૫૦૦ પર ગગડયો છે.




