Business

ચાંદીની આયાતમાં નોંધાયેલો ધરખમ ઘટાડો

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં નવી લાયસન્સિંગ પદ્ધતિને કારણે જૂનમાં ભારતની ચાંદીની આયાતમાં ભારે ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં 747 ટન સામે જૂનમાં માત્ર 29 ટન આયાત થઈ. મોટાભાગની બેન્કોને હજુ લાયસન્સ મળ્યા નથી. સરકારે ફોરેક્સ રિઝર્વ જાળવવા આ નીતિ કડક બનાવી છે, જેનાથી બજારમાં ચાંદીના પ્રીમિયમ ભાવ 2019 પછી સૌથી ઊંચા બોલાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદીની આયાતમાં નોંધાયેલો ધરખમ ઘટાડો

નવી લાયસન્સિંગ પદ્ધતિને પરિણામે જૂનમાં જોવા મળેલી અસર
વાર્ષિક આંકના એક ટકા કરતા પણ ઓછી સત્તાવાર આયાત થયાનો દાવો
મુંબઈ : નવી લાયસન્સિંગ પદ્ધતિને પરિણામે જૂનમાં ભારતની ચાંદીની આયાતમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ૭૪૭ ટનની સરખામણીએ જૂનની આયાત જોરદાર ઘટી માત્ર ૨૯ ટન રહ્યાનું એક રિસર્ચ પેઢીએ અનુમાન મૂકયું છે.
મોટાભાગની બેન્કોએ ચાંદીની આયાત માટે આવશ્યક લાયસન્સ મેળવવાના હજુ બાકી છે. વિશ્વમાં ભારત ચાંદીનો મોટો વપરાશકાર દેશ છે અને દેશમાં ચાંદીના વાસણો, જ્વેલરી, ઓદ્યોગિક ઉપયોગ તથા ગિફ આઈટેમ્સ બનાવવામાં ચાંદીનો મોટેપાયે વપરાશ થાય છે. ૨૦૨૫માં દેશની ચાંદીની આયાત અંદાજે ૭૧૬૦ ટન રહી હતી. ઘરઆંગણે સામાન્ય ઉત્પાદન થતું હોવાથી ચાંદી માટે મોટેભાગે આયાત પર નિર્ભર રહેવું પડે છે. આ આયાત કરવા બેન્કો તથા રજિસ્ટર્ડ એજન્સીઓ મારફત થાય છે.
રૂપિયા પર તાજેતરમાં આવી ગયેલા દબાણને ધ્યાનમાં રાખી સરકારે ફોરેકસ રિઝર્વની જાળવણી કરવા લાયસન્સ નીતિ સખત બનાવી ચાંદીની આયાતમાં ઘટાડો કરવાના પગલાં હાથ ધર્યા છે.
જૂનની આયાત ગયા સંપૂર્ણ વર્ષની આયાતના ેએક ટકા કરતા પણ નોંધપાત્ર ઓછી છે. આયાતમાં ઘટાડાને કારણે ચાંદીના બેન્ચમાર્ક ભાવ પર ે દેશની બજારોમાં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. હાલના પ્રીમિયમ ભાવ ૨૦૧૯ બાદ સૌથી ઊંચા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. આયાત અંકૂશને કારણે ઘરઆંગણે હાજર ચાંદીની અછત વર્તાવા લાગી છે.
લાયસન્સ જારી કરવા માટેની કમિટિ મહિનામાં એક અથવા બે વખત જ મીટિંગ કરતી હોય છે, જેને પરિણામે લાયસન્સમાં ઢીલ થઈ રહી હોવાનો પણ ક બેન્કરે દાવો કર્યો હતો. મુકત વેપાર કરાર સાથેના દેશો ઉપરાંત અન્યત્ર ખાતેથી ચાંદીની આયાતમાં ઘટાડો કરવા સરકારે નવી પદ્ધતિ દાખલ કરી છે. ચોક્કસ પ્રકારની ચાંદીની આયાત હવે પ્રતિબિંધિત શ્રેણીમાં મૂકી દેવાઈ છે. અગાઉ તે મુકત આયાતની યાદીમાં હતી. સરકાર પાસેથી લાયસન્સ વગર આયાત કરાતી ચાંદીને કસ્ટમ્સ ક્લિઅરન્સ મળતું નથી. મુકત વેપાર કરારને કારણે પણ કેટલાક દેશો ખાતેથી ચાંદીની આયાતમાં તાજેતરમાં જોરદાર વધારો થયાનું જોવા મળ્યું હતું.