યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Silver Price : મિડલ ઈસ્ટમાં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાત કરવામાં આવતાં જ વૈશ્વિક બજારોમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. આ પોઝિટિવ સેન્ટિમેન્ટની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. જ્યાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા છે.
સેન્સેક્સમાં 1100 પોઇન્ટની તેજી
સોમવારે 1836 પોઇન્ટના કડાકા સાથે બંધ થયેલું બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સ 1800 પોઇન્ટ સુધી ઉછળી ગયો હતો. સવારે 9:54 વાગ્યે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ +1157.58 પોઇન્ટની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, શરૂઆતની 15 મિનિટમાં સામાન્ય પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ 996 પોઇન્ટના વધારા સાથે 73,677.10 પર પહોંચ્યો હતો.
તેજી પાછળના મુખ્ય કારણો
ટ્રમ્પની જાહેરાત અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં નરમી આવતા રોકાણકારોનો ભરોસો વધ્યો છે. ગ્લોબલ સંકેતોને પગલે ગિફ્ટ નિફ્ટીમાં 355 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે જાપાન અને કોરિયાના બજારો પણ 1થી 2% મજબૂત થયા છે. ટોપ ગેઇનર્સમાં નિફ્ટી 50 પર શ્રીરામ ફાયનાન્સ, આઇશર મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિગો અને ટાઇટન જેવા શેરો લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.
બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ગાબડું
એક તરફ શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે, તો બીજી તરફ બુલિયન માર્કેટ (સોના-ચાંદી) પર દબાણ વધ્યું છે. સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ ઘટતા મંગળવારે સોનાના ભાવમાં અંદાજે 2081 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે, જ્યારે ચાંદી પણ આશરે 8549 રૂપિયા જેટલી ગગડી છે.
MCX પર વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ ( 24 માર્ચ, સવારે 9.45 વાગ્યે )
સોનું: 1,37,179 પ્રતિ 10 ગ્રામ (2081 રૂપિયાનો ઘટાડો )
ચાંદી: 2,16,618 પ્રતિ કિલો (8549 રૂપિયાનો ઘટાડો )









