Get The App

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ

- બજેટમાં રજૂ કરાયેલી દરખાસ્તનો એક વર્ષ માટે અમલ શરૂ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
એસઈઝેડ એકમોને   નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ 1 - image

મુંબઈ : સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માંના એકમોને ઘરઆંગણે નીચી કસ્ટમ ડયૂટીએ પોતાના પ્રોડકટસનું વેચાણ કરવા છૂટ અપાઈ છે. નાણાં મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે આ પરવાનગી એક વર્ષ માટે અપાઈ છે.

વર્તમાન નાણાં વર્ષ માટેના બજેટની રજૂઆત કરતી વેળા જાહેર કરાયેલા આ પગલાંનો ૧લી એપ્રિલથી અમલ કરાયો છે. જો કે આ વેચાણ કેટલીક શરતોને આધારે કરવાનું રહેશે. 

સામાન્ય રીતે એસઈઝેડમાંના એકમોએ પોતાના ઉત્પાદનો વિદેશમાં જ વેચવાના રહે છે. 

 ઘરઆંગણેની બજારમાં વેચાણ માટે આ એકમો પાસેથી ૫થી ૧૨.૫૦ ટકા જેટલી ડયૂટી વસૂલવામાં આવશે એમ નોટિફિકેશનમાં જણાવાયું છે.

જે એકમોમાં ૩૧મી માર્ચ, ૨૦૨૫ કે તે પહેલા ઉત્પાદન શરૂ થયું છે તેવા એકમોને જ આ પરવાનગી અપાઈ છે. 

ઈરાન યુદ્ધને કારણે આજે વિશ્વભરની નિકાસ બજારોમાં ખલેલ પડી છે ત્યારે એસઈઝેડમાંના એકમોમાં માલ ભરાવો થવા ઉપરાંત તેમના કામકાજ અટકી પડયા છે ત્યારે ઘરઆંગણે નીચી ડયૂટીએ વેચાણ છૂટથી રાહત મળી રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

દેશના એસઈઝેડમાં અસંખ્ય એકમો એવા છે જેમની પાસે વધુ પડતી ક્ષમતા છે જેનો પૂરતો ઉપયોગ થતો નથી. 

ભારતમાં હાલમાં ૩૬૮ નોટિફાઈડ એસઈઝેડ છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના ડિસેમ્બર સુધીમાં એસઈઝેડસ ખાતેથી એકંદરે રૂપિયા ૧૧.૭૦ લાખ કરોડની નિકાસ થઈ હતી. જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના સમાન ગાળાની સરખામણીએ ૩૨.૦૨ ટકા વધુ હતી. 

વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી શકે માટે એસઈઝેડ એકમોને ડયૂટીમાં રાહત ઉપરાંત વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ સમયે પણ દેશમાં કાર્યરત એસઈઝેડસને રાહત પૂરી પાડવા બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી.