Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76588 તૂટતા 75822 જોવાશે

By GS Team
12 Jan 20256 mins read
This article was originally published on 12 Jan 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 76588 તૂટતા 75822 જોવાશે

મુંબઈ : વિક્રમી તેજી ભારતીય શેર બજારોમાં જાણે કે હવે ઈતિહાસ બની ગઈ છે. પાછલા કેટલાક વર્ષોમાં શેરોમાં સાર્વત્રિક તેજીનું અવિરત તોફાન જોવાઈ બેફામ વધી ગયેલા શેરોના ભાવો તેના વાસ્તવિક લેવલ તરફ ધસતાં જોવાઈ રહ્યા છે. રોજ બરોજ નવા વિક્રમી ઊંચા શિખરો સર્જનારા સેન્સેક્સ, નિફટી હવે તળીયાની શોધમાં નીકળ્યા હોય એમ મહત્વના સપોર્ટ લેવલ ગુમાવી રહ્યા છે. આ ઘટાડો ક્યાં જઈને અટકશે એ કળવું ભલભલા સમીક્ષકો માટે મુશ્કેલ બની રહ્યું છે. વૈશ્વિક પરિબળોથી વિશેષ અત્યારે કોરોના બાદના નવા વાઈરસના ફફડાટના નામે બજારમાં જાણે કે ફંડો, મહારથીઓ કરેકશન આપીને પોર્ટફોલિયોમાંથી શેરો હળવા કરી રહ્યા છે. જેના કારણે અનેક રિટેલ રોકાણકારોનો પોર્ટફોલિયો ડામાડોળ બની રહ્યા છે. નફો બુક કરવાનું  ચૂકી ગયેલા અનેક રોકાણકારોના પોર્ટફોલિયોમાં શેરોમાં નેગેટીવ વળતર દેખાવા લાગતાં  ફફડાટ સાથે નિરાશા છવાઈ છે. હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળવાની તૈયારીમાં છે, ત્યારે તેમની નીતિ વિશ્વને ક્યા નવા સંકટમાં મૂકશે એ બાબતે પણ બજારનો વર્ગ ચિંતિત હોઈ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યો છે.

માથું ઉંચકતા નેગેટીવ પરિબળો : ક્રુડના ભાવમાં તીવ્ર વધારો, રૂપિયાના તૂટતાં મૂલ્યના પરિબળો ચિંતાજનક

ઘર આંગણે હવે ફેબુ્રઆરીમાં કેન્દ્રિય બજેટ રજૂ થનાર હોઈ નવા લેણમાં ઈન્વેસ્ટરો સાવચેત રહેવાની શકયતા છે. સરકાર  તો ઈચ્છશે કે અત્યારે ઈન્વેસ્ટરો તેમના નફાના શેરો વેચીને નફો બુક કરે અને સરકારને કેપિટલ ગેઈન ટેક્ષ અને એસટીટીની આવક કરાવી તિજોરી છલકાવે. ફોરેન ફંડોની શેરોમાં સતત નેટ વેચવાલી સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની દરેક ભાવે શેરોમાં થતી ખરીદી પણ ક્યાં  સુધી ચાલુ રહેશે અને શું રિટેલ રોકાણકારોની મૂડીના જોરે મ્યુચ્યુઅલ ફંડોની દાવ પર લાગતી મૂડી પર આગામી દિવસોમાં  વધુ કડાકાના સંજોગોમાં મોટું રિડમ્પશન દબાણ આવશે તો શું પરિસ્થિતિ થશે. એ વિચારવું રહ્યું.   આ સાથે  અમેરિકામાં રોજગારીમાં ડિસેમ્બરમાં ૨,૫૬,૦૦૦ વૃદ્વિના મજબૂત આંકડા અને બેરોજગારીનો દર ઘટીને ૪.૧ ટકા થતાં ફુગાવો વધવાના અંદાજોએ અમેરિકી શેર બજારોમાં શુક્રવારે ડાઉ જોન્સમાં ૬૯૬ પોઈન્ટનો અને નાસ્દાકમાં ૩૧૭ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. અમેરિકાએ રશીયાના ઓઈલ પર વધુ આર્થિક પ્રતિબંધ મૂકવાનું જાહેર કરતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલો તીવ્ર વધારો અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૮૬ની નજીક વિક્રમી નીચી સપાટીએ આવી ગયો હોઈ ક્રુડ ઓઈલની મોટી આયાત પર નિર્ભર ભારત માટે આ આર્થિક આફતના પરિબળો છે. જેને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. જેથી શેરોમાં નવી ખરીદીમાં હજુ સાવચેત રહેવું જરૂરી છે. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૬૬૬ના પ્રતિકારક લેવલે ૨૩૧૮૮ તૂટતાં ૨૨૯૫૫ અને  સેન્સેક્સ ૭૮૧૫૫ના પ્રતિકારે ૭૬૫૮૮તૂટતાં ૭૫૮૨૨ જોવાઈ શકે

અર્જુનની આંખે : U.P. HOTELS LTD.

માત્ર બીએસઈ(૫૦૯૯૬૦) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, યુ.પી.હોટલ્સ લિમિટેડ(U.P. HOTELS   LIMITED), ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલ્સ બ્રાન્ડ હેઠળ પાંચ ફાઈવ સ્ટાર રેટીંગ ધરાવતી હોટલો ૬૫ એકર વિસ્તારમાં ૭૫૫ રૂમોની ક્ષમતા સાથે ધરાવતી કંપની છે. ક્લર્ક્સ ગુ્રપ હોટલ્સમાં કંપની જયપુર, ખજુરાહો, લખનૌ અને આગ્રામાં પ્રીમિયમ ફાઈવ-સ્ટાર હોટલો ધરાવે છે. જેમાં જયપુરમાં ક્લર્કસ આમેર, ખજુરાહોમાં ક્લર્કસ ખજુરાહો, લખનૌમાં ક્લર્કસ અવધ અને આગ્રામાં ક્લર્કસ સિરાઝ હોટલો ધરાવે છે.  ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે જયપુર અને લખનૌની ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલો ૨૦૦૦ સુધી મહેમાનોની સગવડ ધરાવતી હોવા ફાઈવ સ્ટાર સવલતો ધરાવે છે. ૨૦ વર્ષથી વધુ જૂની આ ૬૫ એકર વિસ્તારમાં ફેલાયેલી પ્રોપર્ટીઝનું હજુ રીવેલ્યુએશન થયું નથી.

ફાઈવસ્ટાર હોટલ્સ પ્રોપર્ટીઝ ૬૫.૫ એકરમાં ૭૫૫ રૂમોની સવલત: 

ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલ્સમાં કંપની ક્લર્કસ આમેર-જયપુરમાં ૧૧ એકર, ૨૨૦ રૂમોની સવલત, ધ ક્લર્કસ-વારાણસીમાં ૧.૫ એકરમાં ૧૦૦ રૂમોની સવલત, હોટલ ક્લર્કસ સિરાઝ-આગ્રામાં ૬ એકરમાં ૨૩૭ રૂમોની સવલત, ધ ક્લર્કસ ખજુરાહો-ખજુરાહોમાં ૨૨ એકરમાં ૧૦૦ રૂમો અને  હોટલ ક્લર્કસ અવધ-લખનૌમાં ૨૫ એકરમાં ૯૮ રૂમોની સવલત મળીને કુલ પાંચ ફાઈવ સ્ટાર હોટલ્સ પ્રોપર્ટીઝ ૬૫.૫ એકર વિસ્તારમાં ૭૫૫ રૂમોની સવલત ધરાવે છે.

ડિલિસ્ટિંગ ઉમેદવાર અથવા પ્રમોટર્સ હોલ્ડિંગ ઘટાડી ૭૫ ટકા કરવું જરૂરી :

કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૮૮.૩૯ ટકા હોવાથી ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના સેબી ધોરણો મુજબ આ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ ઘટાડીને ૭૫ ટકા કરવું આવશ્યક હોઈ યુ.પી.હોટલ્સ લિમિટેડ ડિલિસ્ટિંગ ઉમેદવાર પણ છે. કંપનીમાં પ્રમોટર્સના ૮૮.૩૯ ટકા હોલ્ડિંગ અને પબ્લિક હોલ્ડિંગ ૧૧.૬૧ ટકા છે. પ્રમોટર્સ દ્વારા પબ્લિક પાસેથી ૬.૬૧ ટકા હિસ્સો ખરીદી કંપનીને ડિલિસ્ટ કરવાના પણ અગાઉ પ્રયાસ થયો હતો. ડિલિસ્ટિંગ માટે પ્રમોટર હોલ્ડિંગ ૯૫ ટકા થવું જરૂરી હોઈ પબ્લિક પાસેથી ૬.૬૧ ટકા હોલ્ડિંગ ખરીદવાના પ્રયાસમાં પ્રમોટરે પબ્લિક પાસેથી ૩,૭૬,૨૨૪ શેરો ખરીદવા જરૂરી હતા, પરંતુ આ પૈકી ઓફરમાં શેર દીઠ સરેરાશ રૂ.૯૦૩ ભાવે ૧,૭૩,૯૪૪ શેરોની જ ઓફર મળી શકી હતી. જેથી ડિલિસ્ટિંગનો પ્રમોટરનો આ પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જેના આધાર પર એક અનુમાન મુજબ ડિલિસ્ટિંગ માટે શેર દીઠ અંદાજીત ન્યુનતમ ભાવ રૂ.૧૨૫૦ યોગ્ય ગણી શકાય.

હોટલ પ્રોપર્ટીઝ ૬૫ એકરથી વધુ વિસ્તારમાં હોવા સાથે ૭૫૫ રૂમોની સવલત ધરાવતી કંપનીના પ્રમોટર્સ ડિલિસ્ટિંગ અથવા હોલ્ડિંગ ઘટાડીને ૭૫ ટકા કરવાના વિકલ્પ અપનાવવાના કિસ્સામાં બન્નેમાં ઊંચું વળતર મળી શકે એવી એસેટ્સનું ફેરમૂલ્યાંકન નહીં ધરાવતી ફાઈવ સ્ટાર પાંચ હોટલ્સ પ્રોપર્ટીઝ ધરાવતી કંપનીનો શેર અત્યારે માત્ર બીએસઈ પર રૂ.૧૬૨૯ના ભાવે ૩૮ના પી/ઈએ ઉપલબ્ધ છે. જે કંપની હસ્તકની ૬૫ એકર હોટલ નિર્માણના ઉપયોગ માટેની લેન્ડ બેન્કનું અનલોકિંગ કંપનીના શેરના વર્તમાન ભાવ રૂ.૧૬૨૯થી ઉપર ૭૦થી ૯૦ ટકાએ શક્ય છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ ક્લર્ક ગુ્રપ ઓફ હોટલ્સ અને ગુપ્તા પરિવાર હસ્તક ૮૮.૩૯ ટકા, પબ્લિક પાસે ૧૧.૬૧ ટકા છે.

બુક વેલ્યુ :  માર્ચ ૨૦૨૧ના રૂ.૧૬૬, માર્ચ ૨૦૨૨ના રૂ.૧૭૮, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૨૨, માર્ચ  ૨૦૨૪ના રૂ.૨૮૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૩૨૨

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૦માં ૪:૫ શેર, વર્ષ ૧૯૯૩માં ૧:૧ શેર, વર્ષ ૨૦૧૩માં ૩૧:૨૦ શેર બોનસ. આમ બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૭૨.૨૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના માઈનસ રૂ.૧૪.૨૨(માઈનસ), માર્ચ ૨૦૨૨ના રૂ.૧૨.૪૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૩.૨૭, માર્ચ ૨૦૨૪ના રૂ.૫૮.૯૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૪૨

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૧૫૨ કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૨૧  ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઇપીએસ  રૂ.૫૮.૯૨ નોંધાવી હતી.

(૨) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૪ થી સપ્ટેમ્બર ૨૦૨૪ : ચોખ્ખી આવક ૫.૫ ટકા ઘટીને રૂ.૫૦.૭૭ કરોડ મેળવીને  ચોખ્ખો નફો ૯૧ ટકા ઘટીને રૂ.૪૬ લાખ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૦.૮૬ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક ૮ ટકા ઘટીને રૂ.૧૪૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૨૦ કરોડ થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૨ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૧) ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલ્સ બ્રાન્ડ હેઠળ ૬૫ એકરથી વધુ વિસ્તારમાં ૭૫૫ રૂમોની સવલત સાથે પાંચ ફાઈવ સ્ટાર પાંચ હોટલ્સ પ્રોપર્ટીઝ ધરાવતી  (૨) પ્રમોટર્સ હસ્તક ૮૮.૩૯ ટકા હોલ્ડિંગની અને ન્યુનમત પબ્લિક શેર હોલ્ડિંગના સેબી ધોરણો મુજબ પ્રમોટર્સ હોલ્ડિંગ ઘટાડી ૭૫ ટકા કરવું અથવા પબ્લિક પાસેથી શેરો ખરીદી ડિલિસ્ટિંગ કરાવવું જરૂરી છે, એ મુજબ સેબીએ કંપનીને આ માટે ૨, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ડિલિસ્ટિંગ માટે અલ્ટિમેટમ આપ્યું હોઈ  ડિલિસ્ટિંગ ઉમેદવાર(૩) પ્રથમ ડિલિસ્ટિંગ પ્રયાસમાં સરેરાશ શેર દીઠ રૂ.૯૦૩ ભાવે માત્ર ૧,૭૩,૯૪૪ શેરોની ઓફર મેળવી શકી ડિલિસ્ટિંગ માટે પર્યાપ્ત-આવશ્યક શેરો મેળવવામાં નિષ્ફળતા (૪)અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૪૨  અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૨૨  સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર અત્યારે (૧૦,જાન્યુઆરી, ૨૦૨૫ના) માત્ર બીએસઈ પર રૂ.૧૬૨૯ના  ભાવે ઉદ્યોગના સરેરાશ ૬૦ના પી/ઈ સામે ૩૮ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.