નવા સપ્તાહમાં સેન્સેક્સ 76076 તૂટતા 75444 જોવાશે

નિફટીમાં ૨૩૨૨૨ અને સેન્સેક્સમાં ૭૭૪૪૪ના પ્રતિકારક લેવલ
મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ અંતની સંમતિના કારણે વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ પરિબળ અને અમેરિકામાં ડોનાલ્ડ ટમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે રોજગારીમાં વૃદ્વિ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આગમી દિવસોમાં ફરી વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકી હતી. ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં કેશમાં સતત નેટ વેચવાલીના આવી રહેલાં આંકડા અને અમેરિકામાં નાસ્દાકમાં ધોવાણ સાથે ઘર આંગણે કોર્પોરેટ પરિણામોમાં સપ્તાહના અંતે ઈન્ફોસીસના રિઝલ્ટ પાછળ આઈટી શેરોમાં ધબડકો થયો છે. એક્સિસ બેંકના રિઝલ્ટ પાછળ બેંકિંગ શેરોમાં ધોવાણે બજારમાં પ્રત્યાઘાતી સુધારાને બ્રેક લાગી છે. અલબત રિલાયન્સના અપેક્ષાથી સારા રિઝલ્ટે બજારનું મોટું ધોવાણ અટકાવ્યું છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે બે દિવસ રિકવરી જોવાયા બાદ ફરી માંડ નુકશાનીમાંથી છુટી શકાશે એવું માનનારો ભયભીત વર્ગ ભાવો વધ્યા કે વેચીને હળવો થતો જોવાયો છે. બજારમાં પાછલા દિવસોમાં મોટા ધોવાણ બાદ રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. હવે આગામી સપ્તાહમાં અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની થનારી તાજપોશી પર વિશ્વની નજર મંડાયેલી હોઈ ઓવરનાઈટ તેજીનો વેપાર જાળવવાથી ખેલંદાઓ દૂર રહ્યા છે. જ્યારે ઘર આંગણે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટ રજૂ કરવાની કવાયત શરૂ થઈ ગઈ હોઈ નવી કેવી જોગવાઈ આવશે એની અનિશ્ચિતતાએ પણ તેજીનો વેપાર હળવો થતો જોવાઈ રહ્યો છે. કોર્પોરેટ પરિણામો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૨૦, જાન્યુઆરી સુકાન સંભાળનાર હોઈ એના પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૨૨૨ના પ્રતિકારક લેવલે ૨૩૦૨૩ તૂટતાં ૨૨૮૮૮ અને સેન્સેક્સ ૭૭૪૪૪ના પ્રતિકારે ૭૬૦૭૬ તૂટતાં ૭૫૪૪૪ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે :
(1) KCP SUGAR & INDUSTRIES CORP. LTD.
બીએસઈ(૫૩૩૧૯૨) અને એનએસઈ (KCPSUGIND) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, કેસીપી સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(KCP SUGAR INDUSTRIES CORPORATION LIMITED), વર્ષ ૧૯૯૫માં શરૂ થયેલી કંપની સુગર મેન્યુફેકચરીંગ અને અલાઈડ બિઝનેસોમાં સક્રિય છે. કંપની આંધ્ર પ્રદેશના ક્રિષ્ના જિલ્લામાં દૈનિક ૭૫૦૦ ટન શેરડી પિલાણ (ટીસીપીડી) ક્ષમતા, ૫૦ કેએલપીડી ડિસ્ટીલરી અને ૧૫ મેગાવોટ કોજનરેશન પાવર પ્લાન્ટ ધરાવે છે. કંપની આ સાથે કાર્બન ડાયોક્સાઈડ, માયકોરહિઝાના વાર્ષિક ૧૪૦૦ ટન ઉત્પાદન માટે અલાઈડ સવલતો ધરાવે છે. જ્યારે વાર્ષિક ૫૦૦ ટનની કાર્બન ડાયોક્સાઈડ, ફાર્મા ગ્રેડના કેલ્શિયમ લેક્ટેટની ક્ષમતા ધરાવે છે. કંપની આ સાથે એન્જિનિયરીંગ યુનિટ અને અડદ દાળના પ્રોસેસીંગનું એકમ પણ ધરાવે છે.
કંપનીના ઉત્પાદનોમાં સુગર, એનજીૅ, રેક્ટિફાઈડ સ્પિરીટ, ઈથેનોલ, કેલ્શિયમ લેક્ટેટ, બાયો-ફર્ટિલાઈઝર્સ અને કાર્બન ક્રેડિટ્સનો સમાવેશ છે. કંપનીએ નાણા વર્ષ ૨૦૨૩માં ૪,૬૮,૭૪૩ મેટ્રિક ટન શેરડીનું પિલાણ, ૪,૨૨,૭૫૭ બેગ સુગર, ૪૪.૭૬ લાખ લીટર ઈન્ડસ્ટ્રીયલ/એનહાઈડ્રસ આલ્કોહોલનું ઉત્પાદન અને ૨૧,૧૨૦ મેગાવોટ પાવર કોજનરેશનનું ઉત્પાદન કર્યું છે.
કંપનીએ નાણા વર્ષ ૨૦૨૩માં તેના દૈનિક ૪૦૦૦ ટન પિલાણ ક્ષમતાના લક્ષ્મીપુરમ પ્લાન્ટને રૂ.૪૩ કરોડમાં વેચી દીધો છે. જે પ્લાન્ટ શેરડીની ઓછી ઉપલબ્ધિના કારણે વર્ષ ૨૦૨૦થી બંધ પડેલો હતો. કંપનીએ વાર્ષિક ૨૨,૦૦૦ ટન અડદ દાળના પ્રોસેસીંગનું યુનિટ શરૂ કર્યું છે. જે નવા ડિવિઝને નાણા વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ.૮ કરોડ જેટલી આવક કરી હતી. નાણા વર્ષ ૨૦૨૩માં કંપનીએ કુલ આવકના ૭૯ ટકા પ્રોડક્ટસ વેચાણ થકી, બે ટકા સર્વિસિઝ વેચાણ, ચાર ટકા ફાઈનાન્શિયલ એસેટના ફેર વેલ્યુમાં બદલાવ અને ૧૧ ટકા રોકાણ વેચાણ પર નફા અને ચાર ટકા અન્ય આવક તરીકે મેળવી હતી. સેગ્મેન્ટ મુજબ વેચાણમાં કંપની સુગરમાંથી ૫૯ ટકા, કેમિકલ્સમાંથી ૯ ટકા, પાવર અને ફયુલમાંથી ૭ ટકા, એન્જિનિયરીંગમાંથી ૨૩ ટકા, અન્યમાંતી બે ટકા મેળવી છે. કંપનીએ નાણા વર્ષ ૨૦૨૩માં સ્થાનિક આવક ૯૪ ટકા અને નિકાસમાંથી ૬ ટકા મેળવી છે.
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના રૂ.૧.૬૯, માર્ચ ૨૦૨૨ના રૂ.૦.૧૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૪.૩૭, માર્ચ ૨૦૨૪ના રૂ.૫.૮૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૭.૧૦
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૪૧૪ કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬૬.૧૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઇપીએસ રૂ.૫.૮૩ નોંધાવી હતી.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૨૫ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૮.૯૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૦.૫૦ કરોડ થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭.૧૦ અપેક્ષિત છે.
સુગર ઉત્પાદન પાંચથી છ મહિનાનું સીઝનલ હોવાથી અહીં ત્રિમાસિક પરિણામ સમીક્ષા આપવામાં આવી નથી.
(2) RAJSHREE SUGARS & CHEMICALS LTD.
બીએસઈ (૫૦૦૩૫૪), એનએસઈ(RAJSREESUG) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૮૫માં શરૂ થયેલી, રાજશ્રી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ સુગર(RAJSHREE SUGARS & CHEMICALS LTD.), ડિસ્ટીલરી, પાવર અને બાયોટેકનોલોજી ક્ષેત્રે સક્રિય છે. કંપનીના બિઝનેસ ડિવિઝનોમાં સુગર, પાવર કો-જનરેશન, આલ્કોહોલ અને બાયો પ્રોડક્ટસનો સમાવેશ છે. કંપની તમિલનાડુમાં થેની-વિલુપુરમ ખાતે ત્રણ યુનિટ અને જિન્જી ખાતે યુનિટ ધરાવે છે. કંપની દૈનિક ૧૧,૫૦૦ ટન શેરડી પિલાણ (ટીસીડી) અને ૧૨૫ કેએલપીડી ડિસ્ટીલરી(થેની યુનિટમાં ૪૫ કેએલપીડી અને જિન્જી ખાતે ૮૦ કેએલપીડી) ક્ષમતા ધરાવે છે.
ઉત્પાદન : નાણા વર્ષ ૨૦૨૩માં ઉત્પાદનમાં કંપનીએ સુગર ડિવિઝનમાં ૧૭,૮૧,૨૨૧ ટન શેરડીનું પિલાણ કરી૧,૫૮,૦૪૨ ટન સુગરનું ઉત્પાદન કર્યું છે. જ્યારે કોજનરેશન ડિવિઝનમાં કુલ ૨૦૪૨ લાખ યુનિટનું ઉત્પાદન કરી ૧૨૫૩ લાખ યુનિટની નિકાસ કરી છે. ડિસ્ટિલરી ડિવિઝનમાં ૨૨૩.૩૫ લાખ લીટર આલ્કોહોલનું ઉત્પાદન કર્યું છે.
આવક : નાણા વર્ષ ૨૦૨૩માં કંપનીએ કુલ આવકના ૯૯ ટકા પ્રોડક્ટસ વેચાણમાંથી, એક ટકા અન્ય આવક મેળવી છે. સેગ્મેન્ટમાં સુગરમાંથી ૭૩ ટકા, કોજનરેશનમાંથી ૧૧ ટકા અને ડિસ્ટીલરીમાંથી ૧૬ ટકા મેળવી છે.
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના માઈનસ-નેગેટીવ રૂ.૫.૯૫, માર્ચ ૨૦૨૨ના રૂ.૦.૯૬, માર્ચ ૨૦૨૩ના માઈનસ-નેગેટીવ રૂ.૨.૭૧, માર્ચ ૨૦૨૪ના રૂ.૪.૧૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના ૬.૩૫
નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૭૭૭ કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧.૭૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩.૭૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪.૧૫ હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૭૫૦ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૨.૮૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૧ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૩૫ અપેક્ષિત છે.
કંપનીનું પ્રમુખ ઉત્પાદન સુગર હોવાથી અને એના સીઝનલ પાંચથી છ મહિના ઉત્પાદનના હોવાથી અહીં પરિણામની ત્રિમાસિક સમીક્ષા આપવામાં આવી નથી.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૧) કેસીપી સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ પૂર્ણ વર્ષ ૨૦૨૪-૨૫ની અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭.૧૦ સામે એનએસઈ, બીએસઈ પર રૂ.૪૫ ભાવે માત્ર ૬.૩૪ના પી/ઈએ અને (૨) રાજશ્રી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ પૂર્ણ વર્ષ ૨૦૨૪-૨૫ની અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૩૫ સામે એનએસઈ, બીએસઈ પર રૂ.૬૦ના ભાવે ૯.૪૫ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.




