Business

સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે

By GS TEAM
25 Sep 20252 mins read
સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે

એચએસબીસી દ્વારા ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટ કરાઇ 

મુંબઈ : બજારના ઊંચા મૂલ્યાંકનો, સરકાર દ્વારા સાનુકૂળ પહેલો તથા ઘરઆંગણે રોકાણકારોના  સહભાગમાં સ્થિરતાને ધ્યાનમાં રાખી એચએસબીસીએ ભારતીય ઈક્વિટીસ માટેના સ્ટેટસને ન્યુટ્રલમાંથી ઓવરવેઈટ કર્યું છે અને સાથોસાથ ૨૦૨૬ના અંત સુધીમાં એટલે  કે આગામી  સવાવર્ષમાં સેન્સેકસ ૯૬૦૦૦ની સપાટીએ પહોંચવાની ધારણાં મૂકી છે.

સેન્સેકસ હાલના સ્તરેથી ૧૩ ટકાથી વધુ વધવાની શકયતા છે એમ જણાવી એચએસબીસીએ ૨૦૨૬ના અંત સુધીમાં સેન્સેકસ ૯૬૦૦૦ પહોંચવા અંદાજ મૂકયા છે. 

એશિયાના બદલાતા વાતાવરણમાં ભારતીય ઈક્વિટીસ આશાસ્પદ જણાઈ રહી છે એવો પણ એચએસબીસીના રિપોર્ટમાં મત વ્યકત કરવામાં આવ્યો છે. 

ભારતની ઈક્વિટીસમાંથી વિદેશી રોકાણકારોના પલાયન છતાં ઘરેલું રોકાણકારોએ પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે જેને પરિણામે બજારને સ્થિરતા મળી છે, એમ એચએસબીસીએ આ અગાઉ પણ એક રિપોર્ટમાં જણાવ્યું હતું. એશિયાના અન્ય દેશો ખાસ કરીને તાઈવાન તથા કોરિઆની સરખામણીએ ભારતીય ઈક્વિટીસ પ્રમાણમાં સ્થિર છે. એશિયાની માર્કેટસમાં નોંધપાત્ર વોલેટિલિટી જોવા મળી રહી છે. 

ભારતમાં ટેકારૂપ નીતિઓ તથા મજબૂત બૃહદ આર્થિક પરિબળોને કારણે ભારતીય ઈક્વિટીસમાં સ્થિરતા જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો તરફથી મર્યાદિત ઈન્વેસ્ટમેન્ટ જોખમો અને સુધારા આગળ ધપાવવા સરકારની કટિબદ્ધતા ઉપરાંત મૂડીખર્ચ આધારિત વિકાસને કારણે પણ ભારત આકર્ષક મથક બની રહ્યું હોવાનું એચએસબીસી દ્વારા નોંધવામાં આવ્યું છે. 

ચીન તથા હોંગકોંગ માટે ઓવરવેઈટ વલણ જાળવી રખાયો છે, જ્યારે કોરિઆને અન્ડરવેઈટ કરાયું છે. 

ભારતીય ઈક્વિટીસની વાત કરીએ તો વર્તમાન વર્ષમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીસ ખરીદીનો આંક ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષ કરતા પણ ઊંચો રહ્યો છે. જો કે વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી વચ્ચે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલીથી બજારને આવશ્યક ટેકો મળી રહ્યો છે.