નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૫૪૪૪થી ૭૩૫૫૫ વચ્ચે અથડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૩૬૬૬થી ૨૩૧૧૧ વચ્ચે અથડાશે : બજારમાં હજુ વિશ્વાસની કટોકટી જોવાઈ રહી છે
મુંબઈ : ભારત, ચાઈના, રશીયાની ત્રિપુટીએ પાછલા સપ્તાહમાં બ્રિક્સ સમિટમાં બતાવેલી એકતા અને ઈરાનનું સમર્થન કરતાં હોય એમ અમેરિકાના ટ્રમ્પ શાસનને હંફાવવા એક થયા હોવાનો માહોલ બનાવીને અમેરિકાને છંછેડયું હતું. ઈરાન મામલે અમેરિકાને જોઈતું યુદ્વ પરિણામ નહીં મળતાં અને રશીયા પાસેથી ઓઈલની આયાત કરનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફનું શસ્ત્ર ફરી ઉગામીને ભારત, ચાઈના પરની ભીંસ વધારવાના પગલાં અમેરિકાએ લીધા છે. જ્યારે બીજી તરફ સાઉદીની પાઈપલાઈનને હુમલામાં નુકશાનને લઈ સાઉદીએ ઓઈલનો ભારતને પુરવઠો અટકાવ્યાના અહેવાલો વચ્ચે પાછલા સપ્તાહમાં ક્રુડ ઓઈલના ભાવો ભભૂકી ઉઠયા હતા. જે ભારત સહિતના મહત્તમ આયાતકાર દેશો માટે સંકટના એંધાણ છે. ક્રુડ ઓઈલના ભાવ ૧૧૦ ડોલર સુધી પહોંચી જવાના આ પરિબળ સાથે ભારતીય રૂપિયો નબળો પડવાને કારણે અને બીજી તરફ અલનીનોની અસરે દુકાળની સ્થિતિ સર્જાઈ રહી હોવાના અહેવાલોએ મોંઘવારીનો દાનવ આ વખતે દેશની જનતાનું બજેટ બગાડી મૂકનાર નીવડશે એવા સ્પષ્ટ મળી રહેલા સંકેતોએ બજારનું સેન્ટીમેન્ટ પણ ડહોળાયું છે. પ્રાઈમરી માર્કેટમાં મેગા ઈસ્યુને લઈ હાલ યેનકેન પ્રકારે બજારને ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસ સાથે સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો સળવળાટ ફરી શરૂ કરાયો છે. અલબત પાછલા સપ્તાહની શરૂઆતમાં મોટો કડાકો બોલાવીને મોટા ખેલાડીઓ પોતાની મોટી તેજીની પોઝિશન ખંખેરી લેતાં વિક્લી ધોરણે છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત સતત છઠ્ઠા સપ્તાહમાં નેગેટીવ રહેલા બજારમાં હજુ વિશ્વાસની કટોકટી જોવાઈ રહી છે. હવે આગામી સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાઈનાના પ્રમુખ જિનપિંગ વચ્ચે અમેરિકામાં યોજાનારી મહત્વની મીટિંગ પર બજારોની નજર રહેશે. હાલ આ અનિશ્ચિત પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૫૪૪૪થી ૭૩૫૫૫ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૩૬૬૬થી ૨૩૧૧૧ વચ્ચે અથડાઈ શકે છે.
અર્જુનની આંખે : GALAXY SURFACTANTS LTD.
બીએસઈ(૫૪૦૯૩૫), એનએસઈ (GALAXYSURF) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ગેલેક્સી સર્ફેકટન્ટસ લિમિટેડ(GALAXY SURFACTANTS LIMITED), કંપનીની સ્થાપના ૧૯૮૬માં થઈ હતી. જે પર્ફોર્મન્સ સર્ફેકટન્ટસ અને સ્પેશ્યાલિટી કેર પ્રોડક્ટસની અગ્રણી ઉત્પાદક છે, જેની પાસે ૨૦૫થી વધુ પ્રોડક્ટ ગ્રેડ્સ છે. આ ઉત્પાદનોનો ઉપયોગ હેર કેર, ઓરલ કેર, સ્કિન કેર, કોસ્મેટિક્સ, સોપ, શેમ્પૂ, લોશન, ડિટર્જન્ટ, ક્લિનિંગ પ્રોડક્ટસ વગેરે જેવા કન્ઝયુમર કેન્દ્રિત હોમ અને પર્સનલ કેર પ્રોડક્ટસમાં થાય છે. કંપની અગ્રણી એમએનસીઝ, પ્રાદેશિક અને લોકલ એફએમસીજી બ્રાન્ડસની પ્રીફર્ડ સપ્લાયર છે. કંપની હોમ કેર અને પર્સનલ કેર ઉદ્યોગો માટે ઓલિઓ-કેમિકલ આધારિત સર્ફેકટન્ટસ અને સ્પેશ્યાલિટી કેર પ્રોડક્ટ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદક છે.
કંપની ૨૧૫થી વધુ પ્રોડક્ટસ ગ્રેડ્સ, ૪૭થી વધુ પર્ફોમન્સ સર્ફેકટન્ટ્સ, ૧૬૮થી વધુ સ્પેશ્યાલિટી કેર પ્રોડકેટ્સ, ૧૫૦૦થી વધુ ગ્રાહકો, ૯૫થી વધુ દેશોમાં હાજરી, ૭ વ્યુહાત્મક રીતે સ્થિત સવલતો ઈન-હાઉસ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ક્ષમતા, ભારતમાં પાંચ અને ઈજિપ્તમાં એક તેમ જ યુ.એસ.એ.માં એક ધરાવે છે. કંપની આવકના પર્ફોમન્સ સર્ફેકટન્ટસમાંથી ૬૦ ટકાથી વધુ અને સ્પેશ્યાલિટી કેર પ્રોડક્ટસમાંથી ૪૦ ટકા મેળવે છે.
બિઝનેસ સેગ્મેન્ટ્સ : (૧) પર્ફોર્મન્સ સર્ફેકટન્ટસ (૪૭થી વધુ પ્રોડ્ક્ટસ ) : કંપની એનીઓનિક, નોન-આયોનિક, એમ્ફોટેરિક અને કેટીઓનિક સર્ફેકટન્ટસ ઓફર કરે છે, જેમાં ફેટ્ટી આલ્કોહોલ ઈથર સલ્ફેટ્સ (એફએઈએસ), ફેટ્ટી આલ્કોહોલ સલ્ફેટ્સ (એફએએસ), લાઈનર આલ્કાઈલબેન્ઝિન સલ્ફોનેટ (એલએબીએસએ) અને બિટેઈન્સ જેવા મુખ્ય ઈન્ગ્રેડિયન્ટસનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો હોમ અને પર્સનલ કેર પ્રોડક્ટસ ફોમિંગ, ક્લિન્સિંગ અને ઈમલ્સિફાઈંગ માટે જરૂરી છે. (૨) સ્પેશ્યાલિટી કેર પ્રોડક્ટસ (૧૬૮થી વધુ પ્રોડક્ટસ ) : કંપની પ્રિઝર્વેટિવ્ઝ, કન્ડિશનિંગ એજન્ટસ, યુવી ફિલ્ટર્સ (સનસ્ક્રિન એજન્ટસ), પ્રોટેઈન્સ અને સર્ફેકટન્ટસ બ્લેન્ડ્સ ઓફર કરે છે. જેમાં ફિનોક્સિઈથેનોલ, પોલીક્વેટ્સ, અમાઈન ઓક્સાઈડ્સ અને માઈલ્ડ સર્ફેકટન્ટસ જેવા મુખ્ય ઈન્ગ્રેડિયન્ટસનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો મોઈસચરાઈઝિંગ, એન્ટિમાઈક્રોબિયલ પ્રોપર્ટીઝ તથા હેર અને સ્કિન સ્ટ્રેન્થનિંગ અને પ્રોટેક્શન માટે બનાવવામાં આવ્યા છે. (૩) પેટન્ટ પ્રોડક્ટસ : ૨૦૦૦થી કંપનીને વૈશ્વિક સ્તરે ૧૧૦ પેટન્ટ મળ્યા છે અને વધુ ૨૯ પેટન્ટ માટે અરજી કરવામાં આવી છે. નાણા વર્ષ ૨૦૨૪માં ૬ પેટન્ટ મંજૂર થયા હતા, જેમાં પાંચ ભારતમાં હતા. પેટન્ટ : ભારતમાં ૨૮, યુ.એસ.એ.માં ૨૨, યુરોપમાં ૧૧ અને બાકી અન્ય દેશોમાં છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની પાસે ઈન-હાઉસ પ્રોટેકશન એક્ઝિક્યુશન સક્ષમતા સાથે સાત સવલતો ધરાવે છે. મેન્યુફેકચરીંગ ક્ષમતા : (એ) તારાપુર-મહારાષ્ટ્રમાં વાર્ષિક ૩૪,૭૪૭ ટન (ત્રણ સવલતો), (બી) તલોજા-મહારાષ્ટ્રમાં વાર્ષિક ૧,૫૬,૭૪૧ ટન, (સી) ઝઘડિયા-ગુજરાતમાં વાર્ષિક ૧,૩૨,૭૫૦ ટન, (ડી) આંતરરાષ્ટ્રીય સવતોમાં સુએઝ-ઈજિપ્તમાં વાર્ષિક ૧,૧૭,૫૦૦ ટન અને ન્યુ હેમ્પશાયર-યુ.એસ.એ.માં વાર્ષિક ૬૦૦ ટનની ધરાવે છે.
વિસ્તરણ યોજના : કંપનીને ઝઘડિયા-ગુજરાત અને સુએઝ (ઈજિપ્ત)ના વિસ્તરણ માટે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળ્યું છે, જેમાં ક્ષમતા વધારવા અને નવી પ્રોડક્ટસ લાઈન્સ શરૂ કરવાની યોજના છે. કંપની તારાપુર ખાતે એક નવો મીનિ પ્લાન્ટ પણ બનાવીરહી છે, જે સ્પેશ્યાલિટી પ્રોડક્ટસના મેન્યુફેકચરિંગને સર્પોટ કરશે.
પ્રમુખ ગ્રાહકો : કંપની પાસે ૮૦થી વધુ દેશોમાં ૧૩૮૦થી વધુ ગ્રાહકો છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં યુનીલિવર, રેક્ટિ બેન્કશાયર, પી એન્ડ જી, લોરિઅલ, હિમાલયા, કોલગેટ પામોલિવ, ઈમામી અને અન્ય કેટલાક ગ્રાહકોનો સમાવેશ થાય છે. કંપનીએ તેના ટોચના ૧૦ ગ્રાહકો સાથે લાંબા સમયથી સંબંધો જાળવી રાખ્યા છે. એમએમસી ગ્રાહકો તરફથી આવક હિસ્સો ૫૮ ટકા, પ્રાદેશિક ગ્રાહકો પાસેથી ૧૨ ટકા અને લોકલ સાહસિકો પાસેથી ૩૦ ટકા મેળવે છે.
કંપનીની સંપૂર્ણ માલિકીની સબસીડિયરીઓ : (૧) ટીઆઆઈ-કે ઈન્ડસ્ટ્રીઝ-યુ.એસ.એ., જે કોસ્મેટિક એપ્લિકેશન્સ માટે પ્રોટેઈન્સમાં વિશેષતા ધરાવે છે. (૨) ગેલેક્સી કેમિકલ્સ ઈજીપ્ત એસ.એ.ઈ. ઈજીપ્ત, જે એએમઈટી, યુરોપ અને અમેરિકાના બજારોને સર્વિસ પૂરી પાડતું એક મહત્વપૂર્ણ પ્રોડક્શન હબ છે. ભૌગોલિક મુજબ આવક : ભારતમાંથી ૪૦ ટકા, એએમઈટી-આફ્રિકા, મિડલ ઈસ્ટ અને તુર્કીમાંતી ૨૪ ટકા અને વિશ્વના બાકી ભાગોમાંથી ૩૬ ટકા મેળવે છે.
યુનીલિવર અને ગેલેક્સી સર્ફેકટન્ટ્સ વચ્ચે ઈન્નોવેશન અને ગ્રોથને વેગ આપવા માટે પાર્ટનરશીપ વધુ મજબૂત : ૧૯, ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યુનીલિવર અને ગેલેક્સી સર્ફેકટન્ટસએ પાર્ટનરશીપ ગ્રોથ ચાર્ટર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ ચાર્ટર ૪૫ વર્ષ જૂની પાર્ટનરશીપમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને ઈન્નોવેશન, રેઝિલિયન્સ, કોમ્પિટીટીવનેશ અને ગ્રોથ આપવા માટે સહ-રોકાણ અને ટેકનોલોજી આધારિત કોલોબ્રેશનના નવા તબક્કાની શરૂઆત કરે છે. ગેલેક્સીની સર્ફેકટન્ટ સાયન્સ અને વેલ્યુ-એન્જિનિયરીંગ સક્ષમતાને યુનીલિવરની ફોર્મ્યુલેશન અને ઈન્નોવેશન નિપૂણતા તથા ગ્રાહક સમજ સાથે જોડીને આ ચાર્ટરનો હેતુ નેક્સ્ટ-જનરેશન સર્ફેકટન્ટ ટેકનોલોજીસ અને નવી કેમેસ્ટ્રીઝના વિકાસને ઝડપી બનાવવાનો છે, જેથી સાયન્ટિફિક એડવાન્સિસને વધુ ઝડપથી સુપિરીયર પ્રોડક્ટસ અને ગ્રાહક અનુભવમાં રૂપાંતરિત કરી શકાય. યુનીલિવર અને ગેલેક્સી સર્ફેકટન્ટ્સ વચ્ચેની પાર્ટનરશીપ પરસ્પર વિશ્વાસ, તકનીકિ નિપૂણતા અને સફળતાની આપલે પર આધારિત છે.
કો-ક્રિએટેડ ઈન્નોવેશન અને ગ્રોથના ઉદ્દાહરણોમાં (૧) ગેલેક્સીની સર્ફેકટન્ટ સાયન્સ ડોવના બોડી વોશના પર્ફોમન્સ-એન્હાન્સિંગ રીફોર્મ્યુલેશન્સમાં મહત્વપૂર્ણ રહી છે. બન્ને કંપનીઓએ સ્કિન ક્લિન્સિંગ ટેકનોલોજીને વિકસાવી છે. જેથી ગ્રાહકોને સેન્સિટિવ સ્કિન માટે સુપિરીયર ક્લિન્સિંગ અને એક્સપેશનલ માઈલ્ડનેસ મળી શકે. (૨) લાઈફબોય સોપ બાર્સના રીફોર્મ્યુલેશન દરમિયાન ગેલેક્સીના હાઈ-ફોમિંગ સર્ફેકટન્ટ્સએ સસ્ટેનિબિલિટી ગોલ્સ અને ગ્રાહકોની અપેક્ષા મુજબ ક્લિન્સિંગ તથા લેધર વચ્ચે સંતુલન બનાવવામાં મદદ કરી. (૩) ગેલેક્સીની પાવડર સર્ફેકટન્ટની સક્ષમતાએ ઈન્નોવેશન પાવડર-ટુ-લિક્વિડ હેન્ડવોશ ફોર્મેટ્સને શક્ય બનાવવામાં મદદ કરી, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને પેકેજિંગ ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ મળી અને ગ્રાહકોને ઘરે ડાઈલ્યુશન કરવાની સુવિધા મળી. (૪) તાજેતરમાં નોર્થ અમેરિકામાં યુનીલિવર અનને ગેલેક્સી પ્રથમ વખત ગ્રાહકોની નજીક શેર્ડ ક્ષમતા ઊભી કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૨૪ ટકા વધીને રૂ.૫૨૪૮ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૧૦ ટકા ઘટીને રૂ.૩૪૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૦૯ ટકા થકી ચોખ્ખો નફો ૧૨ ટકા ઘટીને રૂ.૨૬૭કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૭૫.૩૪ નોંધાવી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ : ચોખ્ખી આવક ૩૯ ટકા વધીને રૂ.૧૭૮૨ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૧૦૯ ટકા વધીને રૂ.૨૦૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૩૨ ટકા થકી ચોખ્ખો નફો ૧૦૯ ટકા વધીને રૂ.૧૬૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૬.૮૦ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક ૨૨ ટકા વધીને રૂ.૬૪૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૫૯૨ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૯૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૪૪ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૨૬ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૫૩૮, માર્ચ ૨૦૨૩ના રૂ.૬૧૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૬૬૪, માર્ચ ૨૦૨૫ના રૂ.૭૦૭, માર્ચ ૨૦૨૬ના રૂ.૭૭૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૯૦૦
શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૭૪, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૦૭, માર્ચ ૨૦૨૪ના રૂ.૮૫, માર્ચ ૨૦૨૫ના રૂ.૮૬, માર્ચ ૨૦૨૬ના રૂ.૭૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૨૬
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨માં ૧૮૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૨૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૨૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૨૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૨૨૦ ટકા
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૭૦.૯૦ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૩.૫૨ ટકા, એફઆઈઆઈઝ પાસે ૩.૮૨ ટકા, એચએનઆઈઝ પાસે ૨.૩૩ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૬.૮૩ ટકા અને અન્ય પાસે ૨.૫૮ ટકા છે.
આરઓસીઈ : વર્ષ ૨૦૨૨માં ૧૯ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૪ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૭ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૬ ટકા અને વર્ષ ૨૦૨૬માં ૧૪ ટકા
ઈક્વિટી પર વળતર-આરઓઈ : ૧૦ વર્ષમાં ૧૮ ટકા, પાંચ વર્ષમાં ૧૫ ટકા, ત્રણ વર્ષમાં ૧૩ ટકા અને ટીટીએમ ૧૧ ટકા
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૧ ટકા, પાંચ વર્ષમાં ૧૪ ટકા, ત્રણ વર્ષમાં ૬ ટકા, ટીટીએમ ૨૭ ટકા
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૦ ટકા, પાંચ વર્ષમાં નેગેટીવ બે ટકા, ત્રણ વર્ષમાં નેગેટીવ ૧૦ ટકા અને ટીટીએમ ૧૯ ટકા
શેર ભાવ સીએજીઆર : પાંચ વર્ષમાં નેગેટીવ ૯ ટકા, ત્રણ વર્ષમાં નેગેટીવ ૭ ટકા, એક વર્ષમાં નેગેટીવ ૧૦ ટકા
ઉદ્યોગની અન્ય કંપનીઓ (પીયર)સાથે તુલના : બાસ્ફ ઈન્ડિયા ૬૫નો પી/ઈ, આરતી સર્ફેકટન્ટસ લિ. ૨૩નો પી/ઈ, ગોદરેજ કન્ઝયુમર્સ પ્રોડક્ટસ લિ. ૪૩નો પી/ઈ, આરતી ઈન્ડસ્ટ્રીઝ ૩૩નો પી/ઈ. કેમિકલ ઉદ્યોગનો સરેરાશ ૨૮નો પી/ઈ અને પર્સનલ કેર ભારતીય કંપનીઓનો સરેરાશ ૪૬નો પી/ઈ. બન્ને ઉદ્યોગ ઉત્પાદનોમાંથી આવક લગભગ સમાન હોવાથી, આપણે બન્ને ઉદ્યોગોનો સરેરાશ ૩૭નો પી/ઈ ગણી શકીએ.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)૭૧ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી, ગેલેક્સી સર્ફેકટન્ટસ લિમિટેડ,પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૨૬ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૯૦૦ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર રૂ.૨૨૧૩ ભાવે, મિક્સ રેવન્યુ ઉદ્યોગના સરેરાશ ૩૭ના પી/ઈ સામે ૧૭.૫૬ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.




