નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૧૩૭૭થી ૭૩૫૬૬ વચ્ચે અથડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૨૧૭૭થી ૨૨૮૬૬ વચ્ચે અથડાશે
વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા અને ઘર આંગણે વધતી મોંઘવારીના પરિબળો પેનીક લાવી શકે
મુંબઈ : વિશ્વ પર થોપવામાં આવેલા બે યુદ્વ ઈરાન-અમેરિકા અને યુક્રેન-ઈઝરાયેલના પરિણામે અને અમેરિકાના ટેરિફ યુદ્વના કારણે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે આર્થિક સંકટમાં ઘેરાઈ રહ્યું છે. યુદ્વના પરિણામે એક તરફ ક્રુડ ઓઈલના વધતાં ભાવો અને વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા સાથે હવે અલનીનોની અસરે દુષ્કાળના જોખમે મોંઘવારી-ફુગાવો વધતો જઈ ભારત સહિતના દેશો માટે મોટા પડકારો ઊભા થયા છે. ક્રુડના ભાવનું વધતું જોખમ અને ભારતીય રૂપિયો ગત સપ્તાહમાં ૯૭ ની સપાટી તોડી નવા તળીયે ઉતરી જવો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત વેચીને એક્ઝિટને કારણે ભારતીય શેર બજારોમાં ગુરૂવારે જે કડાકા બોલાયા એ આવનારા સમયના સારા સંકેત આપતું નથી. જો કે, શુક્રવારે આઈટી શેરોના જોરે બજારને સપોર્ટ આપીને ફરી વધતું જરૂર બતાવાયું છે. પરંતુ વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા અને ઘર આંગણે વધતી મોંઘવારીના પરિબળો શકય છે કે, ભારતીય બજારોમાં રોકાણકારોને નેગેટીવ વળતરે વધુ નિરાશામાં ધકેલી મળ્યા ભાવે શેરો વેચવાનું પેનીક લાવી શકે છે. જેથી શેરોમાં હાલ તુરત ખરીદીમાં ખૂબ જ સાવચેત રહી સિલેક્ટિવ રહેવું સલાહભર્યું છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૧૩૭૭થી ૭૩૫૬૬ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૨૧૭૭થી ૨૨૮૬૬ વચ્ચે અથડાઈ શકે છે.
અર્જુનની આંખે : APTUS VALUE HOUSING FINANCE INDIA LTD.
બીએસઈ(૫૪૩૩૩૫), એનએસઈ (APTUS) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડિયા લિમિટેડ(APTUS VALUE HOUSING FINANCE LIMITED), એક હોમ લોન કંપની છે. એપ્ટસની સ્થાપના મુખ્યત્વે અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સ્વરોજગારી કરતા લોકો અને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોની હાઉસિંગ ફાઈનાન્સની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવી છે. કંપની એવા પ્રથમ વખતના ઘર ખરીદનારાઓને લક્ષ્ય બનાવે છે, જેમાં ગીરો તરીકે પોતાના રહેઠાણ માટે ઉપયોગમાં લેવાતી રહેણાંક મિલકત રાખવામાં આવે છે.
કંપનીની પ્રોડક્ટસની વિગતો :(૧) હાઉસિંગ લોન :ગ્રાહકની પોતાની જમીન પર સ્વતંત્ર મકાન અથવા એપોર્ટમેન્ટ બાંધવા, નવું અથવા જૂનું મકાન ખરીદવા તથા મકાનના નવીનીકરણ માટે લોન આપવામાં આવે છે. (૨) બિઝનેસ લોન :પોતાના વ્યવસાય માટે નાણાકીય સહાયની જરૂર હોય તેવા વ્યક્તિઓને પોતાની રહેણાંક મિલકત ગીરો મૂકીને લોન આપવામાં આવે છે. લોનની મહત્તમ મર્યાદા મિલકતની કિંમતના ૬૦ ટકા સુધી હોય છે. (૩) ક્વાઝી હોમ લોન :મકાન બાંધકામમાં કરવામાં આવેલા રોકાણને ફરીથી નાણાકીય સ્વરૂપ આપવા અથવા રૂ.૨૫ લાખ સુધીનું મકાન ખરીદવા માટે આ લોન આપવામાં આવે છે. (૪) વીમા સહાય :કંપનીએ ક્રેડિટ શીલ્ડ ઈન્સ્યોરન્સ અને પ્રોપર્ટી ઈન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવવા માટે વીમા કંપનીઓ સાથે સહયોગ કર્યો છે.
ટાર્ગેટ માર્કેટ :કંપની રિટેલ ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે, જે મુખ્યત્વે ઓછી અને મધ્યમ આવક ધરાવતા ગ્રાહકોને સર્વિસ આપે છે. કંપની બિલ્ડરોને અથવા કોમર્શિયલ રિયલ એસ્ટેટ માટે લોન આપતી નથી, તે એવા પ્રથમ વખતના ઘર ખરીદનારાઓને લક્ષ્ય બનાવે છે, જેમની ગીરો મૂકવામાં આવતી મિલકત પોતાના રહેઠાણ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. કંપની ભારતના ગ્રામીણ અને અર્ધશહેરી બજારોમાં કાર્યરત છે, જેમાં દક્ષિણ ભારત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઓછી આવક ધરાવતા જૂથ (એઆઈજી)ના ગ્રાહકો કંપનીના કુલ એયુએમના ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. સ્વરોજગારી કરતા ઉધાર-ઋણ લેનારાઓ કંપનીના કુલ એયુએમના ૮૦ ટકા હિસ્સો ધરાવે છે.
એયુએમનું વિભાજન :નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ મુજબ કંપનીનું કુલ એયુએમ રૂ.૧૩,૧૦૭ કરોડ છે, જેનું વિભાજન આ મુજબ છે. જેમાં એચએફસી રૂ.૯૩૦૬ કરોડ, એનબીએફસી રૂ.૩૮૦૧ કરોડ, હોમ લોન ૬૭ ટકા, ક્વાઝી લોન ૨૫ ટકા, વીમા લોન ૪ ટકા, ટોપ-અપ લોન ૩ ટકા છે.
પ્રમુખ ફાઈનાન્સ રેશિયો :જીએનપીએ નાણા વર્ષ ૨૦૨૬માં ૧.૫૨ ટકા (નાણા વર્ષ ૨૦૨૫માં ૧.૧૯ ટકા), નેટ એનપીએ નાણા વર્ષ ૨૦૨૬માં ૧.૧૫ ટકા (નાણા વર્ષ ૨૦૨૫માં ૦.૮૯ ટકા), એનઆઈએમ નાણા વર્ષ ૨૦૨૬માં ૧૩.૩ ટકા (નાણા વર્ષ ૨૦૨૫માં ૧૩ ટકા), આરઓએ નાણા વર્ષ ૨૦૨૬માં ૭.૯ ટકા (નાણા વર્ષ ૨૦૨૫માં ૭.૭ ટકા).
ઈન-હાઉસ કામગીરી :કંપની ધિરાણની તમામ કામગીરી પોતાની અંદર જ કરે છે. જેમાં ગ્રાહકો પાસેથી લોનની અરજીઓ મેળવવી, ક્રેડિટ મૂલ્યાંકન, મિલકતનું મૂલ્યાંકન, ગીરો રાખવામાં આવતી મિલકતની કાનૂની તપાસ અને લોનની વસૂલાતનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાથી કંપની ગ્રાહકો સાથે સીધો સંપર્ક જાળવી શકે છે, પ્રક્રિયાનો સમય ઘટાડી શકે છે અને છેતરપિંડીનું જોખમ ઓછું કરી શકે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ મુજબ કંપનીમાં કાર્યરત કર્મચારીઓની વિગતમાં બિઝનેસ ઓરિજિનેશનમાં ૨૧૮૧ કર્મચારીઓ, ક્રેડિટ વિભાગમાં ૩૪૨ કર્મચારીઓ, કાનૂની અને ટેકનિકલ વિભાગમાં ૩૦૦ કર્મચારીઓ, વસૂલાત વિભાગમાં ૭૫૧ કર્મચારીઓ, હેડ ઓફિસ અને ઓપરેશન્સમાં ૨૩૩ કર્મચારીઓ છે.
ભૌગોલિક હાજરી :નાણા વર્ષ ૨૦૨૬ મુજબ કંપનનીની આ રાજયોમાં કુલ ૩૩૯ શાખાઓ છે. જેમાં આંધ્ર પ્રદેશમાં ૪૩ ટકા એયુએમ, તમિલનાડુમાં ૩૧ ટકા એયુએમ, તેલંગાણામાં ૧૭ ટકા એયુએમ, કર્ણાટકમાં ૮ ટકા એયુએમ અને ઓડિશા તેમ જ મહારાષ્ટ્રમાં એક ટકા એયુએમ.
ધિરાણ આપતી સંસ્થાઓ સાથે જોડાણ :કંપનીએ નાણા એકત્ર કરવા માટે આઈએફસી, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક વગેરે સહિતની વિવિધ સંસ્થાઓ સાથે ૨૫થી વધુ જોડાણો કર્યા છે.
ઉધાર લીધેલા નાણાનું(બોરોઈંગ)વિભાજન :બેંકો ૫૮ ટકા, એનએચબી ૧૫ ટકા, એનસીડીઝ ૧૮ ટકા અને અન્ય (સિક્યોરિટાઈઝેશન/ડીએ) ૯ ટકા છે.
વૃદ્વિની યોજનાઓ :એપ્ટસનો નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં રૂ.૨૫,૦૦૦ કરોડનું એયુએમ હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં કંપનીનું એયુએમ રૂ.૧૩,૧૦૭ કરોડ હતું અને કંપનીએ ૨૬ ટકા સીએજીઆર હાંસલ કર્યો હતો. મેનેજમેન્ટ નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ૨૨ ટકાથી ૨૪ ટકા વૃદ્વિનું લક્ષ્ય ધરાવે છે અને ૬૦થી ૭૦ નવી શાખાઓ ખોલવાની યોજના ધરાવે છે.
નવા રાજ્યોમાં વિસ્તરણ :કંપની મહારાષ્ટ્ર અને ઓડિશામાં વિસ્તરણ કરી રહી છે અને ત્યાં નવી શાખાઓ શરૂ કરી રહી છે. આ રાજ્યોમાં કંપનીને અત્યાર સુધી પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. આ રાજ્યોમાં એયુએમમાં વાર્ષિક ધોરણે ૧૬૫ ટકાનો વધારો થઈને રૂ.૧૪૩ કરોડ થયું છે. કંપની આ વિસ્તરણ માટે તબક્કાવાર અને સાવચેતીભરી વ્યુહરચના અપનાવી રહી છે.
નાણાકીય અપેક્ષાઓ અને વૃદ્વિના અંદાજ (નાણા વર્ષ ૨૦૨૬-૨૭) :(૧) મેનેજમેન્ટનો એયુએમ લક્ષ્યાંક :મેનેજમેન્ટ મધ્યમ ગાળામાં કોન્સોલિડેટેડ એયુએમમાં ૨૮થી ૨૯ ટકા વૃદ્વિનો લક્ષ્યાંક ધરાવે છે. ૩૧, માર્ચ ૨૦૨૬ના રોજ કંપનીનું કોન્સોલિડેટેડ એયુએમ રૂ.૧૩,૧૦૭ કરોડ હતું, તેમાં ૫૨ ટકા હાઉસિંગ લોન અને ૪૮ ટકા નોન-હાઉસિંગ લોનનો સમાવેશ થાય છે. (૨) પ્રથમ ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૭ની કામગીરી :નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં એપ્ટસે રૂ.૨૬૦૯.૪૧ મિલિયનનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે પ્રથમ ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૬ના રૂ.૨૧૯૨.૫૧ મિલિયનની સરખામણીએ વધુ હતો. કંપનીની આવક રૂ.૪૧૯૪.૮૯ મિલિયન રહી હતી અને ચોખ્ખા નફાનું માર્જિન ૬૨.૨ ટકા હતું. (૩) ભૌગોલિક અને કામગીરીની વ્યુહરચના :વૃદ્વિ મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા ઓછા પ્રવેશ ધરાવતા ટિયર-૩ અને ટિયર-૪ બજારોમાં શાખાઓના વિસ્તરણ દ્વારા હાંસલ કરવાની અપેક્ષા છે. આ વિસ્તરણને ડિજિટલ સોર્સિંગ ટુલ્સ અને દક્ષિણ ભારતના સ્વરોજગારી કરતા અનેઓછી અને મધ્યમ આવક ધરાવતા અનૌપચારિક ક્ષેત્રના ગ્રાહકોની માંગનો ટેકો મળશે. (૪) મુખ્ય પ્રેરક પરિબળો અને જોખમો :ધિરાણ ખર્ચમાં ઘટાડો, મકાનોની અછત અને પીએમએવાય યોજનાનો વધતો લાભ કંપની માટે વૃદ્વિના મુખ્ય પ્રેરક પરિબળો છે. બીજી તરફ, ચોક્કસ પ્રદેશો પર વધુ નિર્ભરતા અને ખર્ચનું યોગ્ય સંચાલન ન થવાથી ઓપરેટિંગ માર્જિન પર અસર થવાનું જોખમ છે.
વેલ્યુએશન :વિવિધ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓના પી/ઈ રેશિયોની સરખામણીમાં બજાજ હાઉસિંગ ફાઈનાન્સ ૨૬, હોમ ફર્સ્ટ ફાઈનાન્સ ૧૯, આધાર હાઉસિંગ ફાઈનાન્સ ૨૨, આવાસ ફાઈનાન્સ ૧૫, હાઉસિંગ ફાઈનાન્સ ઉદ્યોગનો સરેરાશ પી/ઈ ૧૩ અને એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સનો અપેક્ષિત કમાણીએ ૯.૨૩ પી/ઈ. જે ઉદ્યોગના સરેરાશ પી/ઈ કરતા ઓછો છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો ઃ
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :ચોખ્ખી આવક ૨૫ ટકા વધીને રૂ.૨૨૪૬ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૪ ટકા વધીને રૂ.૧૨૧૧ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪૨ ટકા થકી ચોખ્ખો નફો૨૫ ટકા વધીને રૂ.૯૪૩કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૮.૮૫ નોંધાવી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ :ચોખ્ખી આવક૧૫ ટકા વધીને રૂ.૬૧૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૩૪ ટકા વધીને રૂ.૩૨૯ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪૩ ટકા થકી ચોખ્ખો નફો ૧૯ ટકા વધીને રૂ.૨૬૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૨૧ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ ઃઅપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૭૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૪૫૮ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧૬૧ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૩.૧૮ અપેક્ષિત છે.
બુક વેલ્યુ :માર્ચ ૨૦૨૨ના રૂ.૫૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૬૨, માર્ચ ૨૦૨૪ના રૂ.૬૮, માર્ચ ૨૦૨૫ના રૂ.૭૯, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૦૦.૭૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૨૩
ડિવિડન્ડ :નાણા વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦૦ ટકા, નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨૫ ટકા, નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨૫ ટકા, નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨૫ ટકા
કોન્સોલિડેટેડ નેટ એનપીએ :વર્ષ ૨૦૨૨માં ૧.૧૬ ટકા, વર્ષ ૨૦૨૩માં ૦.૯૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૦.૮૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૦.૮૯ ટકા, વર્ષ ૨૦૨૬માં ૧.૦૯ ટકા
શેર દીઠ કમાણી-ઈપીએસ :માર્ચ ૨૦૨૨ના રૂ.૭.૪૫, માર્ચ ૨૦૨૩ના ૧૦.૧૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨.૨૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૫.૦૩, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૮.૮૩ અને અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૩.૧૮
શેર ભાવ સીએજીઆર :છેલ્લા પાંચ વર્ષમાં નેગેટીવ ૮ ટકા, છેલ્લા ત્રણ વર્ષમાં નેગેટીવ ૧૦ ટકા, છેલ્લા એક વર્ષમાં નેગેટીવ ૩૦ ટકા.
ઈક્વિટી પર વળતર (આરઓઈ) :છેલ્લા ૧૦ વર્ષમાં ૧૭ ટકા, છેલ્લા પાંચ વર્ષમાં ૧૮ ટકા, છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯ ટકા, છેલ્લા વર્ષમાં ૨૦ ટકા.
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ :છેલ્લા પાંચ વર્ષમાં ૨૯ ટકા, છેલ્લાત્રણ વર્ષમાં ૨૩ ટકા, ટીટીએમ ૨૩ ટકા.
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ :છેલ્લા પાંચ વર્ષમાં ૨૮ ટકા, છેલ્લા ત્રણ વર્ષમાં ૨૬ ટકા, ટીટીએમ ૨૧ ટકા.
શેર હોલ્ડિંગ પેટર્ન :પ્રમોટર્સ હસ્તક ૨૩.૮૬ ટકા, નાણા સંસ્થાઓ પાસે ૩૦ ટકા, એફપીઆઈઝ પાસે ૨૮.૫૦ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૭.૮૭ ટકા અને એચએનઆઈ, અન્યો પાસે ૯.૭૭ ટકા છે.
શાખાઓની સંખ્યા :વર્ષ ૨૦૨૨માં ૨૦૮, વર્ષ ૨૦૨૩માં ૨૩૧, વર્ષ ૨૦૨૪માં ૨૬૨, વર્ષ ૨૦૨૫માં ૩૦૦ અને વર્ષ ૨૦૨૬માં ૩૩૯.
ગ્રાહકોની સંખ્યા :વર્ષ ૨૦૨૨માં ૮૩,૫૬૫, વર્ષ ૨૦૨૩માં ૧,૦૭,૧૬૫, વર્ષ ૨૦૨૪માં ૧,૩૩,૪૯૯, વર્ષ ૨૦૨૫માં ૧,૬૧,૫૯૭, વર્ષ ૨૦૨૬માં ૧,૮૭,૮૮૯.
પ્રતિ શાખા એયુએમ :વર્ષ ૨૦૨૨માં ૨૪.૯૦, વર્ષ ૨૦૨૩માં ૨૯.૨૦, વર્ષ ૨૦૨૪માં ૩૩.૩૦, વર્ષ ૨૦૨૫માં ૩૬.૨૦, વર્ષ ૨૦૨૬માં ૩૮.૭૦
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડિયા લિમિટેડ, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૨૩ સામે રૂ.૨ પેઈડ-અપ શેર રૂ.૨૧૬ ભાવે, હાઉસિંગ ફાઈનાન્સ ઉદ્યોગના સરેરાશ ૧૩ના પી/ઈ સામે ૯.૩૧ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.




