Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૩૪૪ ઉપર બંધ થતાં ૭૯૧૩૩ જોવાશે

By GS Team
12 Jul 20266 mins read
TukuTouch Logo
મુંબઈ: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના વધતા તણાવથી વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉથલપાથલ જોવા મળી. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોથી વૈશ્વિક ઈક્વિટી અને કોમોડિટી બજારોમાં અસ્થિરતા સર્જાઈ. જોકે, ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાથી બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું. વિદેશી રોકાણકારો પણ ભારતીય બજારોમાં રોકાણ કરી રહ્યા છે. સેન્સેક્સ 78344 અને નિફ્ટી 24444 ઉપર બંધ થતાં તેજીનો દોર જોવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૩૪૪ ઉપર બંધ થતાં ૭૯૧૩૩ જોવાશે

ફરી મોટું યુદ્વ શરૂ કરવાના સંજોગોમાં જ આગામી દિવસોમાં બજારના સેન્ટીમેન્ટને આંચ આવવાનું જોખમ
નિફટી ૨૪૪૪૪ ઉપર બંધ થતાં ૨૪૬૮૮ ૭૯૧૩૩ જોવાશે
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના ફરી ટેન્શન અને હોર્મુઝ માર્ગે વેપાર ફરી થંભાવી દઈને વિશ્વના બજારોમાં ખાસ ક્રુડ ઓઈલના ભાવોમાં મોટી ઉથલપાથલ કરાવીને લખલૂંટ તારવણી કરવાનો વેપાર જાણે વૈશ્વિક રાજકારણીઓની આદત બની ગઈ છે. સપ્તાહના અંતે યુદ્વનું ઉંબાડયંા અને ફરી નવું વીક શરૂ થતાં વાટાઘાટનું નિવેદન કરીને ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથે કોમોડિટી બજારોમાં જે અફડાતફડી સજીૅ રહ્યા છે, એનાથી અત્યારે વિશ્વ ત્રસ્ત છે. કોઈ ટ્રેન્ડ પારખવા નહીં દઈ એકાએક કરાતી ઉથલપાથલને કારણે ઘણા બજારોમાં અસ્થિરતા ફરી જોવાઈ રહી છે. અલબત ભારતમાં પાછલા સપ્તાહમાં અલ-નીનોનું જોખમ ટળતું હોય એમ દેશભરના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિએ ભારતના બજારોમાં સેન્ટીમેન્ટને સુધાર્યું છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ સહિતની મુલાકાતો અને એ મુલાકાત દરમિયાન મહત્વના ટ્રેડ એગ્રીમેન્ટ તેમ જ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી રાહતોના પગલાંએ સેકન્ડરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો છે. ભારતની ઔદ્યોગિક-આર્થિક પ્રગતિની દૂરંદેશી જાણી ગયેલા વિદેશી રોકાણકારો ફરી ભારતીય બજારોમાં ડોલરિયું નવું રોકાણ ઠાલવતા થયા છે. ટૂંકાગાળા માટે ક્રુડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવાયા બાદ ઉભરો શમતો જોવાયો છે. અમેરિકા અને ઈઝરાયેલ મળીને ઈરાન પર આગામી દિવસોમાં ફરી મોટું યુદ્વ શરૂ કરવાના સંજોગોમાં જ આગામી દિવસોમાં બજારના સેન્ટીમેન્ટને આંચ આવવાનું જોખમ રહેશે. અન્યથા સપ્તાહના અંતે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં નેટ ખરીદી અને મ્યુચ્યુઅલ ફંડોમાં જૂન મહિનામાં ઈક્વિટી ફંડોમાં ફરી ધસમસતા થયેલા પ્રવાહને ધ્યાનમાં લેતાં તેજીનો દોર આગળ વધતો જોવાઈ શકે છે. આ સાથે ચોમાસાની પ્રગતિ પણ પ્રમુખ પરિબળ રહેશે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૩૪૪ ઉપર બંધ થતાં ૭૯૧૩૩ અને નિફટી સ્પોટ ૨૪૪૪૪ ઉપર બંધ થતાં ૨૪૬૮૮ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : BHARAT BIJLEE LTD.
બીએસઈ (૫૦૩૯૬૦), એનએસઈ (BBL) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, ISO 9001: 2015, ISO 14001: 2015, ISO 45001:2018 Certified, ભારત બિજલી લિમિટેડ(BHARAT BIJLEE LIMITED), ત્રણ બોનસ શેર ઈસ્યુઓ થકી કુલ પેઈડ-અપ ઈક્વિટીમાં ૮૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી. ભારતમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં અગ્રણી છે અને અત્યારે ઉદ્યોગમાં સૌથી વિશ્વસનીય નામોમાં એક છે. ૧૯૪૬માં સ્થપાયેલી, કંપની પાસે બે પ્રાઈમરી બિઝનેસ ડિવિઝન છે. પાવર સિસ્ટમ : જેમાં ટ્રાન્સફોર્મર્સ અનેપ્રોજેક્ટ્સ વિભાગોનો સમાવેશ છે અને ઈન્ડસ્ટ્રીયલ સિસ્ટમ્સ ડિવિઝન : જેમાં ઈલેક્ટ્રિક મોટર્સ, ડ્રાઈવ્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને મેગ્નેટ ટેકનોલોજી મશીનોનો સમાવેશ છે. કંપની ઉદ્યોગોના અને રાષ્ટ્રના ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માતાઓના સ્પેક્ટ્રમને સવલત પૂરી પાડે છે. પાવર, રિફાઈનરીઓ, સ્ટીલ, સિમેન્ટ, રેલવે, મશીનરી, કન્સ્ટ્રકશન અને ટેક્સટાઈલ ઉદ્યોગનો સમાવેશ છે. જે ટર્નકી પ્રોજેક્ટો (સ્વિચયાર્ડસ) પણ હાથ ધરે છે અને કમિશનિંગ સર્વિસિઝનો સંપૂર્ણ કોન્સેપ્ટ પ્રદાન કરવા માટે સારી સ્થિતિમાં છે. મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી કંપની ભારતભરમાં વ્યાપક વેચાણ અને સર્વિસિઝ નેટવર્ક ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સર્વિસ આપે છે.
કંપનીની મેન્યુફેકચરીંગ સવલતો ઐરોલી-નવી મુંબઈમાં ૧,૭૦,૩૨૧ ચોરસ મીટરના કેમ્પસમાં સ્થિત છે, જેનું કાર્યક્ષેત્ર આશરે ૫૦,૦૦૦ ચોરસ મીટરમાં છે, ઐરોલી-નવી મુંબઈમાં કંપની ૧,૨૦,૦૦૦ ચોરસ મીટર વધારાની જમીન ધરાવે છે. જેની પાસે તેના પાવર ટ્રાન્સફોર્મર અને ઈલેક્ટ્રિક મોટર્સ માટે અત્યાધુનિક પ્લાન્ટ છે. એશિયા બેસ્ટ અંડર અ બિલિયન કંપની એવોર્ડ શ્રેષ્ઠ કામગીરી માટે નવાજીત, નવીનતા અને ગ્રાહક કેન્દ્રિતતાના ઈતિહાસનો પુરાવો છે.સાત દાયકાથી વધુ સમયથી, ભારત બિજલી ભારતીય ઉદ્યોગની તાકાત અને ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની વધતી જતી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જે તેની ઉત્પાદન કેટેગરી અને ક્ષમતાઓના વિસ્તરણ, સંબંધિત વૈવિધ્યિકરણ અને વ્યુહાત્મક ભાગીદારી દ્વારા નવા બજારોમાં પ્રવેશ દ્વારા વૃદ્વિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે.
ક્ષમતા વિસ્તરણ : કંપની રૂ.૨૩૫ કરોડના ખર્ચે તબક્કાવાર ક્ષમતા વિસ્તરણ કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના આ ત્રિમાસિકમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જે ભારતીય બજારમાં ટ્રાન્સફોર્મરની વધતી જતી માંગને પહોંચી વળવા માટે પ્રારંભિક ૧૮,૦૦૦ એમવીએ થી ૩૫,૦૦૦ એમવીએ સુધી વિસ્તરણ કરશે. રોકાણ અને ફંડિંગ : ચાલુ વિસ્તરણ પ્રારંભિક રૂ.૧૭૦ કરોડ બોર્ડ મંજૂરી પછી, ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૨૫માં વધારાના રૂ.૬૫ કરોડ મૂડી ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ વિસ્તરણ સંપૂર્ણપણે આંતરિક નાણા સ્ત્રોત દ્વારા કરશે.
૪૦૦ કેવી ટ્રાન્સફોર્મર્સ અને સ્પેશ્યલ પ્રોજેક્ટો : કંપની તેની પ્રોડક્ટ ઓફરિંગ ૪૦૦ કેવી ટ્રાન્સફોર્મર્સ અને એસ્ટર ઓઈલ ટ્રાન્સફોર્મર્સ સહિત વિસ્તારી છે.નાણાકીય સ્થિતિ : કંપનીના તાજેતરના નાણાકીય પરિણામમાં રૂ.૭૬૭ કરોડની આવક અને રૂ.૩૪.૭૭ની ઈપીએસ-શેર દીઠ કમાણી તેની હજુ પૂર્ણ કરવાની બાકી ઓર્ડર બુકમાં ૪૦ ટકાની મજબૂત વૃદ્વિ થકી સમર્થિત છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
ચોખ્ખી આવક રૂ.૨૨૭૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૬૦ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૨૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨૦ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૦૬.૨૪ હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૭૦૦ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૩૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૪૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૭૩ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૫૩ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : માર્ચ, ૨૦૨૩ના રૂ.૧૨૧૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૬૫૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૭૧૭, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૭૯૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૨૪૮
બોનસ ઈસ્યુ : વર્ષ ૧૯૭૭માં ૧:૩, વર્ષ ૧૯૯૨માં ૧:૧, વર્ષ ૧૯૯૫માં ૧:૩ શેર બોનસ થકી કુલ ઈક્વિટીમાં ૮૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨માં ૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૪૦૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૭૦૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૭૦૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૭૦૦ ટકા
શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૭૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૧૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧૮, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૦૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૫૩
વેચાણ : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૨૬૬ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૪૧૮ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૮૭૨ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૯૦૨ કરોડ,માર્ચ ૨૦૨૬ના રૂ.૨૨૭૪ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૭૦૦ કરોડ
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૪ ટકા, પાંચ વર્ષમાં ૨૫ ટકા, ત્રણ વર્ષમાં ૨૭ ટકા, ટીટીએમ ૨૦ ટકા
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૩૩ ટકા, પાંચ વર્ષમાં ૩૭ ટકા, ત્રણ વર્ષમાં ૧૩ ટકા, ટીટીએમ ૧૦ ટકા
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૧૯ ટકા, પાંચ વર્ષમાં ૩૩ ટકા, ત્રણ વર્ષમાં ૧૮ ટકા, એક વર્ષમાં ૧૦ ટકા
ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૬ ટકા, પાંચ વર્ષમાં ૭ ટકા, ત્રણ વર્ષમાં ૭ ટકા, એક વર્ષમાં ૬ ટકા
ડિવિડન્ડ પે-આઉટ રેશિયો : ૨૦૨૨માં ૩૦ ટકા, ૨૦૨૩માં ૨૭ ટકા, ૨૦૨૪માં ૩૦ ટકા, ૨૦૨૫માં ૩૦ ટકા, ૨૦૨૬માં ૩૩ ટકા
આરઓસીઈ : ૨૦૨૨માં ૮ ટકા, ૨૦૨૩માં ૯ ટકા, ૨૦૨૪માં ૧૧ ટકા, ૨૦૨૫માં ૧૦ ટકા, ૨૦૨૬માં ૮ ટકા
શેર હોલ્ડિંગ પેટર્ન : ૩૪ ટકા પ્રમોટર્સ, ૧૧ ટકા મ્યુચ્યુઅલ ફંડો-સંસ્થાઓ, ૭ ટકા ઈન્સ્યોરન્સ કંપનીઓ, ૪ ટકા એફઆઈઆઈઝ પાસે, ૧૦ ટકા એચએનઆઈ હસ્તક અને૩૪ ટકા રિટેલ શેરધારકો પાસે છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ભારત બિજલી લિમિટેડ, ઐરોલી, નવી મુંબઈ ખાતે ૧,૨૦,૦૦૦ ચોરસ મીટર જમીન ધરાવતી, ટ્રાન્સફોર્મર ઉત્પાદન ક્ષમતા વધારીને ૩૫,૦૦૦ એમવીએ કરવા રૂ.૨૩૬ કરોડના ખર્ચે ક્ષમતા વિસ્તરણ કરતી, ત્રણ બોનસ ઈસ્યુ થકી ૮૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, આવકમાં સરેરાશ ૨૫ ટકા સીએજીઆર મેળવનાર, વિસ્તરણનો ૧૦૦ ટકા ફાયદો નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત, વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૫૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૨૪૮ સામે શેર રૂ.૨૭૫૩ ભાવે, ટ્રાન્સફોર્મર ઉદ્યોગના સરેરાશ ૩૬ના પી/ઈ સામે ૧૮ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.