Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 567 પોઈન્ટ ઉછળી 76405 : સ્મોલ મિડ કેપમાં ગાબડાં

By GS Team
23 Jan 20254 mins read
This article was originally published on 23 Jan 2025
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 567 પોઈન્ટ ઉછળી 76405 : સ્મોલ  મિડ કેપમાં ગાબડાં

મુંબઈ : અમેરિકામાં ટ્રમ્પ સરકારે સત્તા સંભાળતાની સાથે અનેક આકરાં પગલાં લેવા માંડી પ્રથમ મેક્સિકો અને કેનેડા પર ફેબુ્રઆરીથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાનું જાહેર કર્યા બાદ હવે ચાઈના પર ટેરિફ લાદવાના આપેલા સંકેતે એડવાન્ટેજ ઈન્ડિયા સમજીને ફંડોએ આજે ઘટાડે સેન્સેક્સ, નિફટી બેઝડ ઝડપી રિકવરી બતાવી હતી. અલબત ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીએ આજે પણ ઘણા ખેલંદાઓની પોઝિશન ખરાબ કરી હતી. મંગળવારની અસાધારણ વોલેટીલિટીમાં અનેક ખેલાડીઓ ટ્રેપમાં આવી ગયા બાદ આજે મિડ કેપ, સ્મોલ કેપ શેરોની માર્જિન ફંડિંગની મોટી પોઝિશન ફૂંટયાના પરિણામે શેરોમાં વ્યાપક કડાકો બોલાઈ ગયો હતો. કોર્પોરેટ પરિણામો એકંદર નબળા રહ્યાની નેગેટીવ અસર અને કેન્દ્રિય બજેટની તૈયારીને લઈ સાવચેતીમાં નવી તેજીની પોઝિશન લેવાથી દૂર રહી ફંડોએ હળવા થવાનું પસંદ કર્યું હતું. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટા ધોવાણ બાદ અમેરિકાના પોઝિટીવ સમાચારે આજે ફંડો  આરંભથી લેવાલ રહેતાં મોટું ધોવાણ અટક્યું હતું.

આરંભિક વોલેટીલિટી બાદ સેન્સેક્સ ઝડપી તેજી : ઈન્ટ્રા-ડે ૭૬૪૬૩ અને નિફટી ૨૩૧૬૯ સુધી ઉછળ્યા

સેન્સેક્સ આરંભિક સાંકડી વધઘટમાં આગલા બંધ ૭૫૮૩૮.૩૬ સામે ૭૬૧૧૪.૪૨ મથાળે ખુલીને ૩૦૦થી ૩૧૫ પોઈન્ટનો સુધારો બતાવ્યા બાદ આંચકામાં ટાટા ગુ્રપ શેરો ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ સાથે બેંક શેરો સ્ટેટ બેંક, એક્સિસ બેંક તેમ જ લાર્સન, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી સહિતમાં વેચવાલીએ સુધારો ધોવાઈ નીચામાં ૭૫૮૧૬.૫૦ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળે પોણા બે વાગ્યા બાદ આવેલી ઝડપી રિકવરીમાં આઈટી શેરો ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી તેમ જ સન ફાર્મા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, મારૂતી સુઝુકી, ઝોમાટો, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ સહિતમાં આકર્ષણે ઘટાડો પચાવી ઉછળીને ઉપરમાં ૭૬૪૬૩.૧૩ સુધી જઈ અંતે ૫૬૬.૬૩ પોઈન્ટ વધીને ૭૬૪૦૪.૯૯ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આગલા બંધ ૨૩૦૨૪.૬૫ સામે ૨૩૦૯૯.૧૫ મથાળે ખુલીને નીચામાં ૨૨૯૮૧.૩૦ સુધી આવી વધીને ઉપરમાં ૨૩૧૬૯.૫૫ સુધી જઈ અંતે ૧૩૦.૭૦ પોઈન્ટ વધીને ૨૩૧૫૫.૩૫ બંધ રહ્યો હતો.

ટ્રમ્પ શાસનમાં ફાયદાની અપેક્ષાએ આઈટી શેરોમાં વેલ્યુબાઈંગ : કેસોલ્વસ, સાસ્કેન, ટીસીએસમાં તેજી

અમેરિકામાં ટ્રમ્પ સરકારના શાસનમાં અમેરિકાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં સુપરપાવર બનાવવાના લક્ષ્યને લઈ ભારતીય આઈટી-સોફ્ટવેર ટેકનોલોજી ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષાએ આજે ફંડોએ આઈટી શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. વિપ્રો રૂ.૧૦.૭૫ વધીને રૂ.૩૦૯.૦૫, ઈન્ફોસીસ રૂ.૫૬.૮૦ વધીને રૂ.૧૮૫૬.૬૦, ટીસીએસ રૂ.૧૧૯.૬૫ વધીને રૂ.૪૧૫૪, ટેક મહિન્દ્રા રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૬૭૭.૬૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૫.૭૦ વધીને રૂ.૧૮૨૭.૪૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૭૮.૯૫ વધીને રૂ.૫૮૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૭૭.૮૫ પોઈન્ટ ઉછળીને ૪૨૧૧૩.૫૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં સતત ગાબડાં : કેઈન્સ રૂ.૬૨૯ તૂટી રૂ.૫૩૫૪ : આઈનોક્સ વિન્ડ, ટીટાગ્રહ તૂટયા

અમેરિકામાં રિન્યુએબલ એનજીૅ ક્ષેત્રે પ્રોત્સાહનો આપવાનું ટ્રમ્પ સરકારે બંધ કરવા લાગતાં નેગેટીવ અસરે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સતત ફંડોએ મોટું સેલિંગ કરતાં ગાબડાં પડવાનું ચાલુ રહ્યું હતું. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૬૯.૦૬ પોઈન્ટ તૂટીને ૬૩૨૧૫.૩૧ બંધ રહ્યો હતો.પાવર ઈન્ડિયા રૂ.૭૦૦.૯૦ તૂટીને રૂ.૧૨,૧૭૫.૪૫, ટીટાગ્રહ રૂ.૫૪.૦૫ ઘટીને રૂ.૧૦૦૦.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૬૨.૫૫ ઘટીને રૂ.૧૨૧૬.૫૦, થર્મેક્સ રૂ.૧૫૮.૫૫ ઘટીને રૂ.૩૭૪૦.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૪૯.૯૫ ઘટીને રૂ.૩૯૦૧.૯૦, આરવીએનએલ રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૪૦૮ રહ્યા હતા.

રિયાલ્ટી શેરોમાં સતત ગાબડાં : લોઢા ડેવલપર્સ રૂ.૬૭ તૂટયો : ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય, પ્રેસ્ટિજ ઘટયા

શેરોમાં કડાકા વચ્ચે દેશના અનેક શહેરોમાં પ્રોપર્ટીની ખરીદીમાં પણ મોટો ઘટાડો થવાની ધારણાએ આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં સતત વેચવાલી રહી હતી. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૩૨૨.૬૬ પોઈન્ટ તૂટીને ૬૮૦૨.૪૨ બંધ રહ્યો હતો. લોઢા ડેવલપર્સમાં મોટાભાઈ અભિષેક લોઢાએ નાના ભાઈ અભિનંદન લોઢા સામે ટ્રેડમાર્ક મામલે મુંબઈ હાઈકોર્ટમાં દાવો માંડયાના અહેવાલ વચ્ચે શેર રૂ.૬૭.૧૫ ઘટીને રૂ.૧૦૭૯.૯૦ રહ્યો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૨૨.૬૦ તૂટી રૂ.૨૨૪૩.૪૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૯૨.૮૦ ઘટીને રૂ.૧૭૬૪, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૬૬.૬૫ ઘટીને રૂ.૧૩૨૧.૬૫, શોભા ડેવલપર્સ રૂ.૫૮.૬૦ ઘટીને રૂ.૧૨૨૩, બ્રિગેડ રૂ.૪૨.૩૫ ઘટીને રૂ.૧૦૭૨.૩૦, ડીએલએફ રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૭૧૪.૯૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં વેચવાલી : ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૪૦ તૂટીને રૂ.૩૨૩૨ : ટાટા મોટર્સ, ઉનો મિન્ડા ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૪૦.૪૫ ઘટીને રૂ.૩૨૩૨.૫૫, ટાટા મોટર્સ રૂ.૧૭ ઘટીને રૂ.૭૪૨.૯૫, અપોલો ટાયર રૂ.૮.૩૫ ઘટીને રૂ.૪૩૯.૩૫, ઉનો મિન્ડા રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૯૭૮.૨૫, ટીવીએસ મોટર રૂ.૨૪.૨૫ ઘટીને રૂ.૨૨૬૮, એમઆરએફ રૂ.૮૪૦.૯૫ ઘટીને રૂ.૧,૧૧,૨૬૯.૫૫ રહ્યા હતા.

ફંડોમાંથી રોકાણ પાછું ખેંચવા લાગ્યું :  સ્મોલ, મિડ કેપમાં અસાધારણ ગાબડાં : ૨૮૦૨ શેરો નેગેટીવ બંધ

શેરોમાં સતત પડી રહેલા ગાબડાં સાથે છેલ્લા કેટલાક દિવસોથી મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણકારો રોકાણ પાછું ખેંચવા માંડયાના વાવડે ફંડો આ રિડમ્પશન પ્રેશરમાં રોકાણ પોર્ટફોલિયો હળવો કરવાની ફરજ પડી રહ્યાના અહેવાલ વચ્ચે આજે નવા ગાબડાં પડયા હતા. માર્કેટબ્રેડથ  પોઝિટીવમાંથી સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૪૨  અને ઘટનારની સંખ્યા ૨૮૦૨રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૦૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૬૪૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  બુધવારે કેશમાં રૂ.૪૦૨૬.૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૯૩૬.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૯૬૨.૮૯ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૬૪૦.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૪૩૭.૧૮  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૭૯૬.૯૬ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૯ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૨૧.૮૮ લાખ કરોડ

સ્મોલ,મિડ કેપ, રોકડાના શેરોમાં આજે અસાધારણ મોટા ગાબડાં પડતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં વધુ રૂ.૨.૧૯  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૧.૮૮  લાખ કરોડ રહી ગયું હતું.