Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૫૪૭૭ ઉપર બંધ થતાં૭૬૨૩૩ જોવાય

By GS Team
18 Oct 20269 mins read
TukuTouch Logo
મુંબઈમાં ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિ અને હુથીઓના હુમલાથી વૈશ્વિક ક્રૂડ પુરવઠાની ચિંતા વધી છે. આના કારણે ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ભાવવધારો અનિવાર્ય બન્યો છે, જે મોંઘવારી વધારશે. શેરબજારમાં જિયો પ્લેટફોર્મ્સના મેગા આઈપીઓ અને વિદેશી રોકાણકારોની ખરીદીથી તેજી જોવા મળી રહી છે, જેમાં નિફ્ટી 23611 અને સેન્સેક્સ 76233 સુધી પહોંચી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૫૪૭૭ ઉપર બંધ થતાં૭૬૨૩૩ જોવાય

નિફટી ૨૨૮૮૮ સપોર્ટ અને સેન્સેક્સ ૭૩૯૭૭ ટેકાની સપાટી
નિફટી સ્પોટ ૨૩૩૭૭ ઉપર બંધ થતાં ૨૩૬૧૧ જોવાય
મુંબઈ : ઈરાન-અમેરિકા યુદ્વ બાદ જાણે ગલ્ફ હવે અશાંત ક્ષેત્ર બની તરફ ધકેલાઈ રહ્યું હોય એમ અમેરિકા સમર્થક રહેલા સાઉદી અરેબિયાની ઉંઘ હરામ કરી મૂકતાં ઈરાન સમર્થિત હુથીઓના ખતરનાક હુમલાઓને લઈ વૈશ્વિક ઓઈલ પુરવઠાની ચિંતા વધી છે. ક્રુડમાં એક તરફ હોર્મુઝ અને બીજી તરફ સાઉદી અરેબિયાથી પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિને લઈ વિશ્વ બજારમાં પહેલા જ ક્રુડ ઓઈલના ભાવ ગત સપ્તાહમાં ૧૦૭ ડોલરની સપાટીને આંબી ગયા હતા. આ પરિબળ ભારત સહિતના દેશો માટે મોટું જોખમી બન્યું છે.પેટ્રોલિયમ કંપનીઓ માટે ભાવ વધારો કરવો અનિવાર્ય બન્યો છે. ખાનગી પેેટ્રોલિયમ કંપનીઓએ ભાવ વધારો કરી દીધો છે. હવે જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે પણ આગામી દિવસોમાં ભાવ વધારો થશે એ નક્કી મનાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશમાં મોંઘવારીનો બોમ્બ ફાટવાની પૂરી શકયતા છે. ભારતીય શેર બજારોમાં પાછલા દિવસોમાં સેકન્ડરી માર્કેટમાં ધોવાણ સામે પ્રાઈમરી માર્કેટમાં અઢળક નાણા પ્રવાહ ઠલવાતો જોવાયો હતો. હવે પ્રાઈમરી માર્કેટમાં જિયો પ્લેટફોર્મ્સના ઈતિહાસ રચનારા મેગા આઈપીઓની તૈયારીએ પ્રાઈમરી માર્કેટ સાથે સેકન્ડરી માર્કેટમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી તેજી થનગનવા લાગી છે. વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારોમાં શુક્રવારે ફરી નેટ ખરીદદાર બન્યા છે. જે જોતાં અત્યારે ટૂંકાગાળા માટે તેજીનો દોર જોવાય એવી શકયતા છે. વૈશ્વિક નવા નેગેટીવ પરિબળો ન સર્જાય તો આગામી સપ્તાહમાં નિફટી ૨૨૮૮૮ના સપોર્ટે ૨૩૩૭૭ ઉપર બંધ થતાં ૨૩૬૧૧ અને સેન્સેક્સ ૭૩૯૭૭ ટેકાની સપાટીએ ૭૫૪૭૭ ઉપર બંધ થતાં ૭૬૨૩૩ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : RAMCO INDUSTRIES LTD.
બીએસઈ(૫૩૨૩૬૯), એનએસઈ (RAMCOIND) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, રામકો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RAMCO INDUSTRIES LIMITED), એક અબજ ડોલરના રામકો ગુ્રપનો એક ભાગ છે. આ ગુ્રપ સિમેન્ટ, ડ્રાયવોલ અને સીલિંગ પ્રોડક્ટસ, રૂફિંગ પ્રોડક્ટસ, કોટન યાર્ન, સર્જિકલ કોટન અને કોમ્પ્યુટર સોફ્ટવેર જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. દક્ષિણ એશિયામાં ૧૨ પ્લાન્ટ અને ૮૦૦૦ ભાગીદારોના મજબૂત નેટવર્ક સાથે, રામકો ઈન્ડસ્ટ્રીઝ દક્ષિણ એશિયાની અગ્રણી બિલ્ડિંગ મટિરિયલ્સ ઉત્પાદ કંપનીઓમાં એક છે. ઈન્નોવેશન્સ ક્ષેત્રમાં કંપની અગ્રેસર રહી છે અને વિવિધ જટિલ પડકારો માટે અસરકારક ઉકેલો પૂરા પાડે છે. રૂફિંગ શીટ્સનું ઉત્પાદન કરવા માટે રામકોનો પ્રથમ પ્લાન્ટ વર્ષ ૧૯૬૭માં તમિલનાડુના અરક્કોનમ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો.
અરક્કોનમ પ્લાન્ટ ઉપરાંત, કંપની હાલમાં ભારતમાં ઉચ્ચ ગુણવત્તાની ફાઈબર સિમેન્ટ રૂફિંગ શીટ્સનું ઉત્પાદન કરતા આઠ આધુનિક પ્લાન્ટ ચલાવે છે. જેમાં ગંગાઈકુંડન-તમિલનાડુ, કરૂર-કર્ણાટક, મક્સી-મધ્ય પ્રદેશ, સિલવાસા-દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ, ખડગપુર-પશ્ચિમ બંગાળ, વિજયવાડા-આંધ્ર પ્રદેશ, અંજાર-ગુજરાત, બિહિયા-બિહારનો સમાવેશ છે. ભારતમાં ફાઈબર સિમેન્ટ શીટ્સના ઉત્પાદનની વર્તમાન કુલ ક્ષમતા વાર્ષિક ૭ લાખ ટનથી વધુ છે.
રામકો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાપાનની એ એન્ડ એ કોર્પોરેશનની ટેકનોલોજીનો ઉપયોગ કરીને રામકો હિલક્સ કેલ્શિયમ સિલિકેટ બોર્ડ રજૂ કર્યું છે. આ એક બહુમુખી બાંધકામ સામગ્રી છે. તેની વિશિષ્ટ ઉપયોગિતા અને ગુણવત્તાને કારણે આ બોર્ડ આંતરરાષ્ટ્રીય બજારોમાં પરંપરાગત બાંધકામ સામગ્રી જેવી કે જિપ્સમ બોર્ડ, પ્લાયવૂડ અને પ્લાસ્ટર ઓફ પેરિસનું સ્થાન ઝડપથી લઈ રહ્યા છે. અનેક ઐતિહાસિક અને ભવ્ય ઈમારતોમાં હિલક્સની ગુણવત્તા જોવા મળે છે. આ બોર્ડ મજબૂત, સુરક્ષિત અને સૌંદર્યલક્ષી રીતે આકર્ષક ઈમારતોના નિર્માણમાં મદદરૂપ બને છે. રામકો હિલક્સ બોર્ડ અને ટાઈલ્સનું ઉત્પાદન રાજસ્થાનના કેશવાના ખાતે આવેલા આધુનિક પ્લાન્ટમાં થાય છે, જેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૪૮,૦૦૦ મેટ્રિક ટન છે.
ઉત્પાદનો-પ્રોડક્ટસ : (એ) રામકો હિલક્સ : રામકો હિલક્સ એ કેલ્શિયમ સિલિકેટ બોર્ડ છે, જે સિલિસિયસ અને કેલ્કેરિયસ સામગ્રીને સેલ્યુલોઝ ફાઈબર સાથે મજબૂત બનાવીને તૈયાર કરવામાં આવે છે. આ બોર્ડ લેમિનાર પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે અને ત્યારબાદ એચપીએસસી પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેને સ્થિર સ્ફટિકીય માળખું આપવામાં આવે છે. બજારમાં ઉપલબ્ધ પ્લાયવૂડ, જિપ્સમ, એમડીએફ બોર્ડ અને અન્ય વૂડ કમ્પોઝિટ બોર્ડની સરખામણીમાં રામકો હિલક્સ અનેક વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. ડ્રાય કન્સ્ટ્રકશન માટે- દિવાલો, પાર્ટિશન અને સીલિંગ બનાવવા માટે- તે એક આદર્શ વિકલ્પ છે. (બી) રામકો હાઈસેમ : વર્ષ ૨૦૧૬માં રજૂ કરાયેલ રામકો હાઈસેમ ફાઈબર સિમેન્ટ બોર્ડ, ટાઈલ્સ અને પ્લેન્ક્સ સિમેન્ટ, સેલ્યુલોઝ ફાઈબર અને વિશિષ્ટ ઉમેરણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની લેમિનાર પ્રક્રિયા સ્થિર સ્ફટિકીય માળખું પૂરું પાડે છે અને તેનું ઉત્પાદન આઈએસ: ૧૪૮૬૨:૨૦૦૦ ધોરણ અનુસાર કરવામાં આવે છે. આ માળખું રામકો હાઈસેમને વધુ ટકાઉ અને ગતિશીલ પરિસ્થિતિઓમાં સ્થિર રહેવાનો વધારાનો લાભ આપે છે. રામકો હાઈસેમ બાંધકામ ક્ષેત્રમાં ઉપલબ્ધ અન્ય સામગ્રી કરતાં વિવિધ માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી આપે છે. (સી) રામકો ગ્રીનકોર : રામકો ગ્રીનકોર એક ઉત્તમ રૂફિંગ પ્રોડક્ટ છે. તેનું ઉત્પાદન યુરોપિયન ટેકનોલોજી અને ખાસ વિકસાવેલા પીવીએ (પોલિવિનાઈલ આલ્કોહોલ) તથા પોલીપ્રોપીલીન ફાઈબરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. રામકો ગ્રીનકોર રૂફિંગ શીટ્સ ૧૦૦ ટકા એસ્બેસ્ટોસ મુક્ત છે. (ડી) રામકો પાવર રૂફ : રામકો પાવર રૂફ ઉચ્ચ ગુણવત્તાવાળા પોર્ટલેન્ડ સિમેન્ટ અને ઉચ્ચ ગુણવત્તાના આયાતી ક્રિસોટાઈલ ફાઈબરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ક્રિસોટાઈલની તાણ સહન કરવાની ક્ષમતા ૨૮,૦૦૦ કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટિમીટર છે, જે સ્ટીલ કરતાં આઠ ગણાથી વધુ હોવાનું કંપનીના વર્ણનમાં જણાવાયું છે. રામકો પાવર રૂફે લાખો ઘરો, શાળાઓ અને ઔદ્યોગિક એકમોને સુરક્ષિત આશ્રય, સ્વસ્થ વાતાવરણ અને હવામાનની અસરો સામે કાયમી રક્ષણ પૂરું પાડયું છે. (ઈ) રામકો હાઈડેન : રામકો હાઈડેન એ ઈંટ અને મોર્ટાર જેવી પરંપરાગત ભીની બાંધકામ પદ્વતિમાં વપરાતી સામગ્રીનો ઉત્તમ વિકલ્પ છે. તેની અસર સહન કરવાની ક્ષમતા ખૂબ ઊંચી છે, તેને સરળતાથી ઈન્સ્ટોલ કરી શકાય છે અને ઝડપી બાંધકામમાં મદદ મળે છે. રામકો હાઈડેનનું ઉત્પાદન હેટચેક, હાઈ પ્રેશર સ્ટીમ ક્યોરિંગ (એચપીએસસી) અને કમ્પ્રેશન ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. તેમાં હવામાનની અસરો સામે ઉત્તમ પ્રતિકાર અને ઊંચી અસર સહન કરવાની ક્ષમતા છે. તેમાં એસ્બેસ્ટોસ-મુક્ત સિમેન્ટ આધારિત મજબૂતી આપતા ફાઈબર અને કુદરતી ફાઈબરનો ઉપયોગ થાય છે. તેમાં ઝેરી અને હાનિકારક ઘટકો હોતા નથી. લાંબા સમય સુધી ભેજના સંપર્કમાં રહેવા છતાં આ બોર્ડ ઉત્તમ થર્મલ રેઝિસ્ટન્ટસ અને પરિમાણીય સ્થિરતા જાળવે છે. ઉપરાંત, તેમાં આગ અને પાણી સામે ઉત્તમ પ્રતિકાર છે. આ વિશેષતાઓને કારણે તે બાહ્ય ઉપયોગો જેવા કે ફસાડ અને ક્લેડિંગ, ફ્લોરિંગ તથા ભેજવાળા વિસ્તારોમાં પાર્ટિશન માટે આદર્શ વિકલ્પ છે. (એફ) રામકો હિલક્સ લાઈટ : રામકો હિલક્સ લાઈટ એ એસ્બેસ્ટોસ-મુક્ત, સિમેન્ટ રહિત અને હલકું કેલ્શિયમ સિલિકેટ સીલિંગ ટાઈલ છે. તે સુંદર દેખાવ અને સારી મજબૂતી ધરાવે છે. આ ટાઈલ્સ કુદરતી ફાઈબરથી મજબૂત બનાવવામાં આવે છે અને તેમાં હાનિકારક અથવા ઝેરી ઘટકો હોતા નથી. તેનો ઉપયોગ રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક બાંધકામમાં વ્યાપક રીતે થાય છે. (જી) એસેસરીઝ : જી.આઈ.ચેનલ્સ (ફ્લોર, સીલિંગ અને ઈન્ટરમીડિયેટ્સ), જી.આઈ. સ્ટડ સ્ક્રુઝ (સેલ્ફ-ડ્રિલિંગ અને ટેપિંગ), કનેક્ટિંગ ક્લિપ, સોફિટ ક્લિપ, જોઈન્ટિંગ કમ્પાઉન્ડ, ફાઈબર ટેપ, વૂલ મેટલ (મિનરલ, ગ્લાસ અને રોક વૂલ), રોલ પ્લગ, સેલ્ફ-ડ્રિલિંગ અને ટેપિંગ સ્ક્રૂઝ, જોઈન્ટિંગ કમ્પાઉન્ડ, ફાઈબર ટેપ મેશ વગેરે છે. (એચ) રામકો સ્માર્ટ બિલ્ડ ટેક સર્વિસિઝ : એક અગ્રણી પહેલ તરીકે, રામકો ઈન્ડસ્ટ્રીઝ, રામકો સ્માર્ટ બિલ્ડ સર્વિસિઝ શરૂ કરી છે. આ સર્વિઝ ગ્રીન ડ્રાય કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં ૩૬૦ ડિગ્રી સહાય પૂરી પાડે છે. જેમાં ડિઝાઈન એન્ડ મટિરિયલ કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન, સાઈટ ક્વોલિટી એસ્યોરન્સ, ડ્રાય કન્સ્ટ્રકશન પદ્વતિઓ અંગે તાલીમ સર્વિસિઝનો સમાવેશ છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૭ ટકા વધીને રૂ.૧૮૦૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૩૬ ટકા વધીને રૂ.૧૯૨ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૪૭ ટકા થકી ચોખ્ખો નફો૪૫ ટકા વધીને રૂ.૧૩૫ કરોડ, એસોસિયેટ કંપનીઓનો કરવેરા બાદનો નફો ૯૬ ટકા વધીને રૂ.૧૭૧ કરોડ અને એસોસિયેટેડ કંપનીઓનો મળીને કુલ ચોખ્ખો નફો ૬૯ ટકા વધીને રૂ.૩૦૬ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૩૫.૩૬ નોંધાવી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ : ચોખ્ખી આવક૧૬ ટકા વધીને રૂ.૬૧૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૬૯ ટકા વધીને રૂ.૯૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૮૭ ટકા થકી ચોખ્ખો નફો ૭૩ ટકા વધીને રૂ.૭૯ કરોડ અને એસોસિયેટ કંપનીઓનો કરવેરા બાદનો નફો ૩૭ ટકા ઘટીને રૂ.૭ કરોડ અને એસોસિયેટ કંપનીઓ સહિતનો કુલ ચોખ્ખો નફો ૩૨ ટકા વધીને રૂ.૮૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક ૧૫ ટકા વધીને રૂ.૨૧૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો ૭૫ ટકા વધીને રૂ.૩૩૬ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨ ટકા થકી ચોખ્ખો નફો ૮૬ ટકા વધીને રૂ.૨૫૨ કરોડ અને અપેક્ષિત એસોસિયેટ કંપનીઓનો નફો રૂ.૯૮ કરોડ તેમ જ એસોસિયેટ કંપનીઓ સાથેનો કુલ ચોખ્ખો નફો રૂ.૩૫૦ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૪૦.૩૦ અપેક્ષિત છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૫૫ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૩.૩૪ ટકા, એચએનઆઈ-હાઈ નેટવર્થ વ્યક્તિગત રોકાણકારો પાસે ૧૪ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૨૧.૩૩ ટકા અને અન્ય પાસે ૬.૩૩ ટકા છે.
બોનસ શેર : વર્ષ ૧૯૯૪માં ૧:૧ બોનસ, વર્ષ ૨૦૦૯માં ૧:૧ બોનસ. ૮ કરોડ ૬૮ લાખ ૮૮ હજારની પેઈડ-અપ ઈક્વિટીમાં ૮૮.૩૬ ટકા બોનસ ઈક્વટી ધરાવે છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૩૩, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૪૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૬૮, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૮૮, માર્ચ ૨૦૨૬ના રૂ.૫૨૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૫૬૧.
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૩૬.૨૭, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૪.૬૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨.૬૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૦.૮૯, માર્ચ ૨૦૨૬ના રૂ.૩૫.૩૫, માર્ચ ૨૦૨૬ના રૂ.૩૫.૩૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૦.૩૦
ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન : માર્ચ ૨૦૨૨ના ૧૫ ટકા, માર્ચ ૨૦૨૩ના ૧૦ ટકા, માર્ચ ૨૦૨૪ના ૧૦ ટકા, માર્ચ ૨૦૨૫ના ૧૩ ટકા, માર્ચ ૨૦૨૬ના ૧૪ ટકા.
ઈબીટા : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૨૫ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૫૨ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૫૫ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૭૯ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૨૩૨ કરોડ.
ઈબીટા માર્જિન : માર્ચ ૨૦૨૨ના ૧૫.૪૧ ટકા, માર્ચ ૨૦૨૩ના ૧૦.૪૨ ટકા, માર્ચ ૨૦૨૪ના ૧૦.૨૧ ટકા, માર્ચ ૨૦૨૫ના ૧૦.૬૦ ટકા, માર્ચ ૨૦૨૬ના ૧૨.૮૧ ટકા
કોન્સોલિડેટેડ આવક : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૪૬૯ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૪૭૯ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૫૧૨ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૬૭૫ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૮૦૭ કરોડ
કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો : માર્ચ ૨૦૨૨ના રૂ.૩૦૨ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૩૧ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૭૭ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૬૧ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૩૦૬ કરોડ.
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૮ ટકા, પાંચ વર્ષમાં ૮ ટકા, ત્રણ વર્ષમાં ૭ ટકા અને ટીટીએમ છેલ્લા ૧૨ મહિનામાં ૧૩ ટકા.
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં પાંચ ટકા, પાંચ વર્ષમાં એક ટકા, ત્રણ વર્ષમાં ૩૪ ટકા અને ટીટીએમ ૫૨ ટકા.
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં બે ટકા, પાંચ વર્ષમાં ૦ ટકા, ત્રણ વર્ષમાં ૧૬ ટકા અને એક વર્ષમાં નેગેટીવ ૧૧ ટકા.
ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૬ ટકા, પાંચ વર્ષમાં પાંચ ટકા, ત્રણ વર્ષમાં પાંચ ટકા, છેલ્લું વર્ષ ૭ ટકા.
આરઓસીઈ : વર્ષ ૨૦૨૨માં પાંચ ટકા, વર્ષ ૨૦૨૩માં ત્રણ ટકા, વર્ષ ૨૦૨૪માં ત્રણ ટકા, વર્ષ ૨૦૨૫માં ૪ ટકા અને વર્ષ ૨૦૨૬માં પાંચ ટકા.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) રામકો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કુલ ઈક્વિટીમાં ૮૮ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૪૦.૩૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૬૧ સામે શેર રૂ.૨૯૯ ભાવે, ઉદ્યોગના સરેરાશ ૧૭ના પી/ઈ સામે ૭.૪૨ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.