Business

સેન્સેક્સ 80898, નિફટી 24661 નવો રેકોર્ડ સર્જાયો

By GS Team
17 Jul 20243 mins read
This article was originally published on 17 Jul 2024
સેન્સેક્સ 80898, નિફટી 24661 નવો રેકોર્ડ સર્જાયો

મુંબઈ : ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોના આકર્ષણે આજે ફંડોની સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજી આગળ વધી હતી. અલબત તેજીની તીવ્રતા આજે ઘટતી જોવાયા સાથે ઘણા શેરોમાં ઉછાળે સાવચેતીમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરો વેચીને હળવા થતાં જોવાયા હતા. કેન્દ્રિય બજેટ ૨૩, જુલાઈના રજૂ થનાર હોવાથી અને આ  વખતે કેપિટલ ગેઈન ટેક્ષ મામલે કોઈ નેગેટીવ ડેવલપમેન્ટની શકયતાની અટકળો થવા લાગતાં સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. એફએમસીજી, આઈટી ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણ સાથે બજાજ ઓટોના સારા ત્રિમાસિક પરિણામે ઓટો શેરોમાં પસંદગીની ખરીદી થતાં સેન્સેક્સ આરંભિક તેજીમાં જ ૮૦૮૯૮.૩૦ નવી ઐતિહાસિક ટોચ બનાવી અંતે ૫૧.૬૯ પોઈન્ટ વધીને ૮૦૭૧૬.૫૫ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૪૬૬૧.૨૫ની નવી વિક્રમી ટોચ બનાવી અંતે ૨૬.૩૦ પોઈન્ટ વધીને ૨૪૬૧૩ નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. મહોરમ નિમિતે બુધવારે ૧૭, જુલાઈના શેર બજારો બંધ રહેશે.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૮ હજાર કરોડ વધીને રૂ.૪૫૫.૨૪ લાખ કરોડ નવી ટોચે

શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ આજે વિક્રમી તેજી આગળ વધતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૮ હજાર કરોડ વધીને રૂ.૪૫૫.૨૪  લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.

બજાજ ઓટોનો નફો ૧૮ ટકા વધતાં શેર મજબૂત : એમઆરએફ, અપોલો ટાયર, મહિન્દ્રામાં આકર્ષણ

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે બજાજ ઓટોનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૮ ટકા વધીને રૂ.૧૯૪૧.૭૯ કરોડ થતાં શેરમાં આકર્ષણે રૂ.૨૦.૭૫ વધીને રૂ.૯૬૯૬.૨૫ રહ્યો હતો. અન્ય ઓટો શેરોમાં અપોલો ટાયર રૂ.૧૦.૫૦ વધીને રૂ.૫૫૦.૨૫, એમઆરએફ રૂ.૧૪૪૬.૬૫ વધીને રૂ.૧,૩૨,૬૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૫.૮૦ વધીને રૂ.૨૭૫૫.૯૫, આઈશર મોટર્સ રૂ.૩૭.૬૦ વધીને રૂ.૪૯૧૮, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૦.૭૫ વધીને રૂ.૪૧૦૦.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૨.૬૧ પોઈન્ટ વધીને ૫૭,૭૬૫.૧૯ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ઝેગલ રૂ.૧૭ વધીને રૂ.૩૨૬ : ક્વિક હિલ, રામકો સિસ્ટમ, ઓરેકલ, ઈન્ફોસીસમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ સતત વ્યાપક ખરીદી કરી હતી. ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૭.૦૫ વધીને રૂ.૩૨૬.૪૫, ક્વિક હિલ રૂ.૨૪ વધીને રૂ.૫૫૧, રામકો સિસ્ટમ રૂ.૧૬.૪૫ વધીને રૂ.૩૭૯, નેટવેબ રૂ.૮૨.૫૦ વધીને રૂ.૨૪૮૪, એમ્ફેસીસ રૂ.૫૫.૫૦ વધીને રૂ.૨૭૯૨.૩૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૮૯.૧૫ વધીને રૂ.૫૫૬૭.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૫૯.૪૦ વધીને રૂ.૧૧,૦૮૪.૯૫, ટેક મહિન્દ્રા રૂ.૧૬.૯૫ વધીને રૂ.૧૫૧૫.૮૦, ઈન્ફોસીસ રૂ.૧૮.૬૦ વધીને રૂ.૧૭૨૫.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૨૧.૬૩ પોઈન્ટ વધીને ૩૯૯૭૧.૯૪ બંધ રહ્યો હતો.

ચોમાસાની પ્રગતિએ એફએમસીજી શેરોમાં ડોડલા ડેરી, વાડીલાલ, સુખજીત સ્ટાર્ચ, હિન્દ. લીવરમાં તેજી

ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિના પોઝિટીવ પરિબળે ફંડોની આજે એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. ડોડલા ડેરી રૂ.૭૦.૧૫ વધીને રૂ.૧૨૧૭.૧૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧૬.૭૫ વધીને રૂ.૪૪૩૨, સુખજીત સ્ટાર્ચ રૂ.૧૫.૯૦ વધીને રૂ.૪૮૦.૧૫, ડીસીએમ શ્રીરામ રૂ.૬.૮૦ વધીને રૂ.૨૨૫.૬૦, બલરામપુર ચીની રૂ.૭.૨૫ વધીને રૂ.૪૫૧, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૭૦.૭૫ વધીને રૂ.૨૬૮૯.૬૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૯૪.૩૭ પોઈન્ટ વધીને ૨૧૯૪૪.૬૧ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં તેજી : શોભા ડેવલપર્સ રૂ.૭૦ વધીને રૂ.૧૯૫૮ : પ્રેસ્ટિજ, ગોદરેજ પ્રોપર્ટીમાં મજબૂતી

ચોમાસું સારૂ રહેતાં આગામી દિવસોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીની માંગમાં વૃદ્વિની અપેક્ષાએ ફંડોની રિયાલ્ટી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૪૦.૬૧ પોઈન્ટ વધીને ૮૭૯૬.૮૬ બંધ રહ્યો હતો. શોભા ડેવલપર્સ રૂ.૬૯.૮૦ વધીને રૂ.૧૯૫૮, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૫૧.૮૫ વધીને રૂ.૧૮૦૭.૬૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૮૧.૩૫ વધીને રૂ.૩૩૮૧.૭૫, ફિનિક્સ મિલ રૂ.૭૮ વધીને રૂ.૪૦૭૦, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨.૮૫ વધીને રૂ.૧૨૮૪.૦૫, ડીએલએફ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૮૪૩.૮૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૭૨૮.૯૫ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં હિન્દ એરોનોટિક્સ રૂ.૧૭૫ તૂટયો : સિમેન્સ રૂ.૧૬૫, થર્મેક્સ રૂ.૮૬ ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૭૪.૭૫ તૂટીને રૂ.૫૩૨૮.૭૫, સિમેન્સ રૂ.૧૬૫.૬૦ ઘટીને રૂ.૭૪૭૧.૯૦, થર્મેક્સ રૂ.૮૫.૯૦ ઘટીને રૂ.૫૦૮૦, ભેલ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૩૧૯.૯૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૪.૯૦ ઘટીને રૂ.૩૨૬.૩૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૩૬૩૬.૫૫, ટીમકેન રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૩૯૨૫.૮૫ રહ્યા હતા.

FPIs/FIIની રૂ.૧૨૭૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૫૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૧૨૭૧.૪૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૮૫૭.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૪૮૨.૪૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૫૨૯.૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૪,૯૩૫.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૬૫.૩૪ કરોડની વેચવાલી થઈ હતી.