Business

ફિન્સ્યૂએન્સર્સ, એજ્યુકેશનના નામે છેતરનારા સામે સેબીની તવાઈ

By GS Team
8 Feb 20253 mins read
This article was originally published on 8 Feb 2025
ફિન્સ્યૂએન્સર્સ, એજ્યુકેશનના નામે છેતરનારા સામે સેબીની તવાઈ

- અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ અને અન્ય પાંચને દંડતું સેબી

- યુટયુબ પર 5,26,000 અને ઈન્સ્ટાગ્રામ પર 2,90,000થી વધુ સબસ્ક્રાઈબરો ધરાવતા એકમે ગેરકાયદે મેળવેલા રૂ.54 કરોડના લાભને જપ્ત કરવા આદેશ

મુંબઈ : શેર બજારોમાં પાછલા વર્ષોમાં ઐતિહાસિક તેજીના પરિણામે રોકાણ અને ટ્રેડિંગમાં હાથ અજમાવીને ટૂંકાગાળામાં લખલૂંટ કમાવી લેવાની લાગેલી હોડમાં બજારના નવા પ્રવેશતાં અને શિખાઉ રોકાણકારો, ટ્રેડરોને એજ્યુકેશન, શિક્ષણના નામે દુકાનો ખોલી ગેરકાયદે વેપલો કરનારા પર મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ધૂળ ખાઈને પાછળ પડી ગયું છે. લાંબા સમયથી ફિન્સ્યૂએન્સર્સ અને શેરબજારમાં ટ્રેડિંગનું જ્ઞાાન મેળવો એના નામે ક્લાયન્ટ બનાવનારા અને ગેરકાયદે ફી વસૂલનારા બિન-રજીસ્ટર્ડ ઈન્વેસ્મેન્ટ એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટ બિઝનેસ સાહસિકો સામે સેબીએ વધુ આકરાં પગલાં લેવા માંડયા છે.

સેબીએ તેના મિશનના ભાગરૂપ હવે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કુલ ઓફ ટ્રેડિંગ અને પાંચ અન્ય એકમો-વ્યક્તિઓ કથિત અનરજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી અને રિસર્ચ એનાલિસ્ટ બિઝનેસો ચલાવવા બદલ કુલ રૂ.૫૪ કરોડનો ગેરકાયદે મેળવેલો લાભ પરત કરવા આદેશ આપ્યો છે. આ ડિસ્ગોર્જમેન્ટની રકમનો આંક આ મામલામાં પૂર્ણ કાર્યવાહીના પગલે વ્યાજ સાથે વધીને રૂ.૧૦૫ કરોડ જેટલો પહોંચી શકે છે, એવું શો-કોઝ નોટીસ કમ એક્સ-પાર્ટે ઈન્ટરીમ આદેશ પરથી જણાઈ રહ્યું છે. આ રકમમાં કંપની દ્વારાઓફર કરાતાં  વિવિધ ટ્રેડિંગ કોર્સો માટે એક્ત્ર કરાતી ફી સહિતના ફંડનો સમાવેશ છે.

અસ્મિતા પટેલ, જેમણે પોતાને ''ઓપ્શન્સ ક્વિન'' તરીકે ઓળખાવ્યા હતા, તે યુટયુબ પર ૫,૨૬,૦૦૦થી વધુ સબ્સ્ક્રાઈબર્સ અને ઈન્સ્ટાગ્રામ પર ૨,૯૦,૦૦૦થી વધુ સબસ્ક્રાઈબરો સાથે ઓનલાઈન અસ્તિત્વ ધરાવે છે. સેબીએ આગામી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી અસ્મિતા અને તેમના પતિ જીતેશ પટેલને સિક્યુરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કરી દીધા છે. આ ઉપરાંત ત્રણ માલિકીની કંપનીઓ અને તેમના માલિકોને બજારમાંથી બાકાત કરવામાં આવ્યા છે.

પટેલ, જે શેરબ્રોકર સાથે અધિકૃત વ્યક્તિ પણ હતા, અને તેમની સ્કુલ દ્વારા ઘણા ટ્રેડિંગના કોર્સ-અભ્યાસક્રમો ચલાવતા હતા. આ કોર્સના ૪૨ પાર્ટિસિપન્ટ્સની ફરિયાદોના પગલે  નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી હતી. સેબીના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અસ્મિતા પટેલને ટ્રેડિંગ દ્વારા ૨૦૧૯-૨૦ દરમિયાન જાન્યુઆરી ૨૦૨૪ સુધી ટ્રેડિંગ દ્વારા રૂ.૧૨.૩ લાખનો ચોખ્ખો નફો થયો હતો. આ આંક તેમની પ્રોપરાઈટરી સિસ્ટમ દ્વારા થતાં કરોડોના ફંડના સંચાલનના તેમના દાવાથી તદ્દન વિરોધાભાસી છે.

સેબીએ બિન-રજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી અને રિસર્ચ એનાલિસ્ટ સર્વિસિઝ ઓફર કરતાં એકમોને આ સર્વિસિઝ બંધ કરવા આદેશ આપેલો છે. આદેશમાં જણાવાયું છે કે, જો એકમ-કંપની માત્ર શૈક્ષણિક સેવાઓ પૂરી પાડતી હોય તો કાર્યવાહી કરવાનું કારણ નહોતું. જો કે, આ કિસ્સામાં માત્ર શૈક્ષણિક પ્રવૃતિઓ કરતાં વધુ પ્રવૃતિ સામેલ હોવાનું જણાયું છે. સેબીએ એવો આક્ષેપ કર્યો છે કે, અસ્મિતા પટેલે લોકોને નોકરી લેવાને બદલે ટ્રેડિંગને પ્રાધાન્ય આપવા પ્રેર્યા હતા અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાંથી નીકળી જઈ અતવા કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવવા અને ટ્રેડિંગ માટે લોન લેવાનું સૂચન કર્યું હતું. પાર્ટિસિપન્ટસે કથિત રૂપે ભંડોળનું સંચાલન કરવામાં આવાત ફંડ વિશેના ખોટા દાવાઓ દ્વારા અભ્યાસક્રમો માટે આકર્ષયા હતા. સેબીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ગેરેન્ટે વળતરની ખાતરી આપવામાં આવી હતી, જે શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સુસંગત નથી. આદેશમાં એ  વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, સ્ટોક-સ્પેસિફિક સલાહ પૂરી પાડવી એ શૈક્ષણિક સર્વિસિઝના અવકાશની બહાર આવે છે. અને તે રોકાણ સલાહકાર અને રિસર્ચ એનાલિસ્ટ પ્રવૃતિઓના ક્ષેત્રમાં આવે છે. 

સેબીના સંપૂર્ણ સમયના મેમ્બર કમલેશ વાર્શનીએ આદેશમાં જણાવ્યું હતું કે, રોકાણકારોના હિતનું રક્ષણ સુનિશ્ચિત કરીને અને રોકાણકારોનો વિશ્વાસ વધારીને મૂડી બજારમાં વિશ્વાસ મહદ્ અંશે ટકાવી શકાય છે, જો કે આ કેસની હકીકતો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારોના વિશ્વાસ સાથે કેવી રીતે ચેડા કરવામાં આવ્યા છે અને કેવી રીતે કાનૂની જોગવાઈઓને અવરોધવાના માર્ગો તૈયાર કરીને વ્યક્તિગત લાભ માટે સિસ્ટમનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.

ટ્રેડિંગ સ્કુલે આ મામલે સુઓ મોટો સેટલમેન્ટ અરજી કરી છે, જો કે સેબીએ સ્પષ્ટતા કરી હતી કે, સેટલમેન્ટ માટે ફાઈલ કરવાથી કાર્યવાહી શરૂ કરવાની મનાઈ ફરમાવવામાં આવતી નથી અને આ આદેશ પસાર કરવા પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી.