SEBI બોલાવશે સપાટો, નાના રોકાણકારોને થશે મોટો ફાયદો, ટ્રેડિંગ ટર્મિનલનો દુરુપયોગ સામે સકંજો કસશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SEBI New Trading Terminal Rules : શેરબજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો અને સ્ટોક બ્રોકરો માટે મહત્ત્વના ફેરફારની તૈયારી થઈ રહી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગને રોકવા માટે નવું માળખું તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત, નાના અને મોટા બ્રોકરો માટે તેમના કદ અને જોખમ પ્રમાણે અલગ નિયમો લાગુ કરવા, શોર્ટ સેલિંગ અને શેર ઉધાર લેવાની વ્યવસ્થાની સમીક્ષા કરવા સહિત કોર્પોરેટ બોન્ડ માર્કેટ અને બાયબેકની પ્રક્રિયા સરળ બનાવવાનાં પગલાં પણ વિચારાધીન છે. SEBIના ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું છે કે ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગને રોકવા માટે નવું નિયમનકારી માળખું લાવવામાં આવશે. આ પગલાનો હેતુ શેરબજારમાં પારદર્શિતા વધારવાનો અને નિયમોના ઉલ્લંઘનને રોકવાનો છે.
ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગ પર નજર
અહેવાલ અનુસાર, કેટલીક બ્રોકિંગ કંપનીઓ પોતાના ટ્રેડિંગ ટર્મિનલનો ઉપયોગ કરીને અન્ય ટ્રેડરોને સોદા કરવાની સુવિધા આપતી હતી. આ વ્યવસ્થામાં ટ્રેડરો બ્રોકરના ખાતા અથવા ટ્રેડિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને સોદા કરતા હતા અને તેના બદલામાં બ્રોકરો પાસેથી ફી અથવા નફામાં હિસ્સાની લેવડદેવડ થતી હતી. આ પ્રકારની વ્યવસ્થાથી સામાન્ય રોકાણકારો માટે લાગુ પડતા માર્જિન અને અન્ય નિયમોને બાજુ પર રાખીને ટ્રેડિંગ થવાની આશંકા ઊભી થાય છે. હવે SEBI આવા દુરુપયોગને રોકવા માટે કડક નિયમો ઘડવાની તૈયારી કરી રહ્યું છે.
નાના અને મોટા બ્રોકરો માટે અલગ નિયમો
હાલમાં નાના અને મોટા બ્રોકરો માટે લાગુ પડતા નિયમોમાં સમાનતા છે. જોકે, SEBI હવે વન સાઇઝ ફિટ્સ ઑલ અભિગમમાં ફેરફાર કરવાની શક્યતા ચકાસી રહ્યું છે. મોટા બ્રોકરો પાસે લાખો ગ્રાહકો અને અદ્યતન ટેક્નોલોજી હોય છે, જ્યારે નાના બ્રોકરોનું કામકાજ અને જોખમનું પ્રમાણ અલગ હોઈ શકે છે. તેથી બ્રોકરની કામગીરીનું કદ, ગ્રાહકોની સંખ્યા, ટેક્નોલોજી અને જોખમને ધ્યાનમાં રાખીને અલગ નિયમનકારી માળખું બનાવવાનો વિચાર છે.
શોર્ટ સેલિંગ અને શેર ઉધાર લેવાના નિયમોની સમીક્ષા
SEBI શોર્ટ સેલિંગ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB)ના નિયમોની પણ સમીક્ષા કરી રહ્યું છે. શોર્ટ સેલિંગમાં ટ્રેડર શેરના ભાવમાં ઘટાડાની અપેક્ષાએ પહેલાં શેર વેચે છે અને બાદમાં નીચા ભાવે ખરીદવાનો પ્રયાસ કરે છે. જ્યારે SLB વ્યવસ્થા હેઠળ નિર્ધારિત શરતો પ્રમાણે શેર ઉધાર લઈ શકાય છે અને આપી શકાય છે. આ નિયમોની સમીક્ષાનો હેતુ શેરબજારમાં વ્યવહારોની કાર્યક્ષમતા અને ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો છે.
કોર્પોરેટ બોન્ડ અને બાયબેકની પ્રક્રિયા થશે સરળ
કોર્પોરેટ બોન્ડમાં રોકાણકારોને ઘણી વખત વેચાણ માટે ખરીદદાર શોધવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા ઘટાડવા માટે SEBI માર્કેટ મેકિંગ ફ્રેમવર્ક લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વ્યવસ્થામાં નિર્ધારિત સંસ્થાઓ બોન્ડની ખરીદી અને વેચાણ માટે ભાવ ઉપલબ્ધ કરાવે છે, જેથી બજારમાં પ્રવાહિતા વધારી શકાય. આ ઉપરાંત, કંપનીઓ દ્વારા પોતાના શેર પાછા ખરીદવાની બાયબેક પ્રક્રિયા અને પ્રમોટરો દ્વારા ઓફર ફોર સેલ (OFS) મારફતે શેર વેચવાની પ્રક્રિયાને સરળ બનાવવાના વિકલ્પો પણ વિચારવામાં આવી રહ્યા છે. તેનો હેતુ કાગળકામ, નિયમોના પાલનનો બોજ અને ખર્ચ ઘટાડવાનો છે.




