માત્ર સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરતા FPIs માટે સેબીએ નિયમોમાં રાહત આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જે એફપીઆઈઝ માત્ર સરકારી સિક્યોરિટીઝમાં જ રોકાણ કરે છે, તેમણે હવે ઈન્વેસ્ટર ગુ્રપની વિગતો આપવાની જરૂર રહેશે નહીં
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ માત્ર સરકારી સિક્યોરિટીઝ (જી-સેક્સ)માં રોકાણ કરતાં તમામ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) માટે નિયમનકારી પાલનમાં રાહત આપી છે. ૭, સપ્ટેમ્બરે જારી કરાયેલા એક સર્કયુલરમાં સેબીએ જણાવ્યું છે કે, માત્ર સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરતાં એફપીઆઈ માટે હવે રોકાણકારોના ગુ્રપ અંગેની વિગતો રજૂ કરવી ફરજિયાત રહેશે નહીં.
સુધારેલા નિયમો મુજબ, જે એફપીઆઈઝ માત્ર સરકારી સિક્યોરિટીઝમાં જ રોકાણ કરે છે, તેમને હવે ઈન્વેસ્ટર ગુ્રપની વિગતો આપવાની જરૂર રહેશે નહીં. સેબીનો આ નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા ૫, જૂન ૨૦૨૬ના રોજ જારી કરાયેલા એક સર્કયુલર બાદ આવ્યો છે.
આરબીઆઈએ જનરલ રૂટ હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરતાં એફપીઆઈઝ માટેની રોકાણની કોન્સ્ટ્રેશન લિમિટ દૂર કરી હતી. આ મર્યાદા હટાવવામાં આવ્યા બાદ માત્ર જી-સેકમાં રોકાણ કરતાં એફપીઆઈ માટે ઈન્વેસ્ટર ગુ્રપની ઓળખ કરાવવાની જરૂરિયાત પ્રાસંગિક રહી નહોતી.
સેબીએ પોતાના સર્કયુલરમાં જણાવ્યું હતું કે, એફપીઆઈ માટે રોકાણને વધુ સરળ બનાવવાના હેતુથી આરબીઆઈએ ૫, જૂન ૨૦૨૬ના સર્કયુલર દ્વારા સામાન્ય માર્ગ-રેગ્યુલર રૂટ હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરતા એફપીઆઈ માટે નિર્ધારિત કોન્સ્ટ્રેશન લિમિટનું પાલન કરવાની આવશ્યકતા દૂર કરી છે. પરિણામે, માત્ર સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરતાં એફપીઆઈ માટે ઈન્વેસ્ટર ગુ્રપની ઓળખ કરવાની જરૂરિયાત હવે પ્રાસંગિક રહી નથી અને તેથી તેને દૂર કરવામાં આવી રહી છે.
આ પહેલા ૧૦, સપ્ટેમ્બર ૨૦૨૫ના સુધારા હેઠળ માત્ર એવા એફપીઆઈને આ છૂટ આપવામાં આવી હતી, જે ફુલ્લી એક્સેસેબલ રૂટ (એફએઆર) મારફતે વિશેષરૂપે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરતા હતા. હવે સેબીએ આ છૂટનો વ્યાપ વધારી દીધો છે. નવા નિયમ મુજબ, રોકાણનો માર્ગ ક્યો છે, તેની પરવા કર્યા વિના, માત્ર સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરતા તમામ એફપીઆઈને ઈન્વેસ્ટર ગુ્રપની વિગતો રજૂ કરવામાંથી મુક્તિ મળશે. આ સર્કયુલરની જોગવાઈઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.




